નોટબંધીના પાંચ વર્ષ બાદ ડિજીટલ ચૂકવણીમાં વૃદ્ધિ છતાંય ચલણમાં નોટોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે વધારાની સ્પીડ ધીમી છે. કોવિડ-19 મહામારી દરમ્યાન લોકોએ ઇમરજન્સી માટે રોકડ રાખવી વધારે શ્રેષ્ઠ માન્યું. તેના લીધે ચલમાં બેન્ક નોટ પાછલા નાણાંકીય વર્ષ દરમ્યાન વધી ગઇ. સત્તાવારા આંકડા પ્રમાણે ડેબિટ/ક્રેડિટકાર્ડ, નેટ બેન્કિંગ અને યુનિફાઇડ પેમેન્ટસ ઇંટરફેસ (UPI) જેવા માધ્યમોથી ડિજીટલ ચૂકવણીમાં મોટી વૃદ્ધિ થઇ છે.
નવેમ્બર 2016માં થઇ હતી નોટબંધી
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નું UPI દેશમાં ચુકવણીના મુખ્ય માધ્યમ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. આ બધું હોવા છતાં ચલણમાં નોટોનો વધારો ધીમી ગતિએ પરંતુ ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ મધ્યરાત્રિથી 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાની જાહેરાત કરી હતી, જે તે સમયે ચલણમાં હતી. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટને વધારી કાળાનાણાં પર અંકુશ મૂકવાનો હતો.
ચલણમાં નોટો કેટલી વધી?
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના તાજા આંકડા પ્રમાણે 4 નવેમ્બર, 2016ના રોજ 17.74 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી, જે 29 ઓક્ટોબર, 2021ના રોજ વધીને 29.17 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
નોટો વધી રહી છે
RBIના મતે 30 ઓક્ટોબર 2020ના રોજ ચલણમાં રહેલી નોટોનું મૂલ્ય 26.88 લાખ કરોડ રૂપિયા હતું. જે 29 ઓક્ટોબર, 2021 સુધીમાં વધીને રૂ.2,28,963 કરોડ થઈ ગઇ છે. તો વાર્ષિક આધાર પર 30 ઓક્ટોબર, 2020માં રૂ.4,57,059 કરોડ અને એક વર્ષ અગાઉ 1 નવેમ્બર, 2019ના રોજ રૂ.2,84,451 કરોડનો વધારો થયો હતો.
મહામારીના લીધે નોટો વધી છે
તદઉપરાંત 2020-21 દરમિયાન ચલણમાં બેંકનોટનું મૂલ્ય અને જથ્થામાં અનુક્રમે 16.8 ટકા અને 7.2 ટકાનો વધારો થયો હતો, જ્યારે તે 2019-20 દરમિયાન અનુક્રમે 14.7 ટકા અને 6.6 ટકા વધારો થયો હતો. નાણાંકીય વર્ષ 2020-21માં ચલણમાં બેંકનોટની સંખ્યામાં વધારો થવાનું કારણ મહામારી હતી. લોકોએ મહામારી દરમિયાન સાવચેતી તરીકે રોકડ રાખી હતી.