કુન્નૂર નજીક બુધવારે ક્રેશ થયેલા એરફોર્સનાં હેલિકોપ્ટરની દુર્ઘટનામાં અવસાન પામેલા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમનાં પત્નીનાં શુક્રવારે દિલ્હી કેન્ટ ખાતે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
તામિલનાડુના સુલુર એરબેઝ પરથી દિવંગત રાવત, તેમનાં પત્ની મધુલિકા રાવત તેમજ બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડર સહિત 13 મૃતકોના નશ્વર દેહને મોડી સાંજે દિલ્હી પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જ્યાં પીએમ નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ, NSA અજિત ડોભાલ, લશ્કરની ત્રણેય પાંખનાં વડા સહિત અનેક મહાનુભાવોએ શ્રાદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
એરપોર્ટ પર રાવતની બંને પુત્રીઓ પિતા અને માતાનાં નશ્વર દેહને જોઈને ચોધાર આંસુ સાથે રડી પડી હતી. આ અગાઉ ગુરુવારે સવારે સંસદના બંને ગૃહમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે નિવેદન આપી કહ્યું કે ટ્રાઈ સર્વિસ આ ઘટનાની તપાસ કરશે. બંને ગૃહમાં મૌન પળાયું હતું. આ અકસ્માતમાં એકમાત્ર બચી ગયેલા ગ્રૂપ કેપ્ટન વરુણસિંહ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે અને તેમને બેંગ્લુરુ ખસેડાયા છે. માત્ર ચાર મૃતદેહની ઓળખ થી શકી છે.
દરમિયાનમાં શુક્રવારે સવારે 11થી બપોરે 12.30 સુધી આમઆદમી રાવતના નિવાસે તેમના અંતિમ દર્શન કરી શકશે. સેનાના જવાનો અને કર્મચારીઓ બપોરે 12.30થી 1.30 સુધી તેમનાં સેનાનીને પુષ્પાંજલિ અર્પણ કરી શકશે. આ પછી કામરાજ માર્ગથી બરાડ ચાર રસ્તા સુધી તેમની અંતિમયાત્રા યોજવામાં આવશે અને દિલ્હી કેન્ટમાં બરાડ સ્કવેર ખાતે અંતિમ સંસ્કાર કરાશે.
બુધવારે હેલિકોપ્ટર અકસ્માતમાં માર્યા ગયેલા સીડીએસ બિપિન રાવત સહિત 13 લોકોનાં નશ્વર દેહ મોડી રાત્રે દિલ્હી પાલમ એરપોર્ટ ખાતે લવાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલ, ત્રણેય સેનાના વડા તથા મૃતકોના કુટુંબીજનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાને રાવતની બંને દીકરીઓને પણ આશ્વાસન આપ્યું હતું. બ્રિગેડિયર લિડ્ડરના પત્ની અને પુત્રી શ્રાદ્ધાંજલિ આપતા ભાંગી પડયાં હતાં.
કેટલાકની ઓળખ કરવી મુશ્કેલ પરિવારોને દિલ્હી બોલાવાયા
નવી દિલ્હી : હેલિકોપ્ટર દુર્ઘટના એટલી બધી ગંભીર હતી કે તેને પરિણામે જીવ ગુમાવનારા તમામ લોકોની ઓળખ કરવી પણ મુશ્કેલ થઇ રહી છે. અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં સીડીએસ જનરલ રાવત, તેમનાં પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર લિડ્ડર સહિત ચાર લોકોના શબને ઓળખી શકાયા છે.
અન્ય તમામની યોગ્ય ઓળખ કરી શકાય તે માટે દુર્ઘટનામાં શહીદ થયેલાં તમામ લોકોના પરિવારજનોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપરાંત પરિવારજનો તેમની ઓળખમાં મદદ કરશે. અહેવાલો અનુસાર શબોની ઓળખ અને પરિવારની સહમતી બાદ સૈન્ય સમ્માન સાથે તમામના અંતિમ સંસ્કાર કરાશે.
દિવંગત જનરલ રાવતને વિશ્વભરમાંથી શ્રાદ્ધાંજલિ મળી રહી છે. અમેરિકા, રશિયા, ચીન અને પાકિસ્તાન સહિત વિવિધ દેશોમાંથી નેતાઓ અને લોકો જનરલ રાવતના અકાળ નિધન પર શોક વ્યક્ત કરીને તેમને શ્રાદ્ધાંજલિ અર્પી રહ્યા છે.
ભારતીય સૈન્યના રિટાયર્ડ બ્રિગેડિયર પઠાનિયાએ ટ્વિટ કરીને જનરલ રાવતને શ્રાદ્ધાંજલિ આપી હતી તેના જવાબમાં પાક. સેનાના રિટાયર મેજર આદિલ રઝાએ જણાવ્યું હતું કે સર કૃપા કરી મારી હાર્દિક સંવેદના સ્વીકાર કરો.
ચોપરનું બ્લેક બોકસ મળ્યું
કુન્નૂરમાં ઘટનાનો ભોગ બનેલા ચોપરનું બ્લેક બોક્સ મળી આવ્યું હતું. આને કારણે હવે ઘટનાનાં અસલ કારણો જાણી શકાશે.