સુરતની એસટીએમ માર્કેટના વેપારીઓને માર્કેટની લીઝ રિન્યુ કરવા માટે મોકલાયેલા મેસેજમાં બે ચેક લાવવાનું કહ્યું છે. તેમાં એક લાખનો એક ચેક ભાજપના નામનો લાવવાના મેસેજને પગલે ભારે વિવાદ ઉભો થયો છે અને રાજકારણ ગરમાયું છે.
સુરત ટેક્સટાઈલ માર્કેટના મેનેજિંગ કમિટીના સભ્ય અને કાપડ વેપારી દિનેશકુમાર રાઠોડ દ્વારા હાલમાં જ માર્કેટના 1033 દુકાનદારને એક મેસેજ ક૨વામાં આવ્યો હતો, જેમાં તેઓએ વેપારીઓને અપીલ કરી હતી કે માર્કેટ લીઝ માટે સુરત મહાનગર પાલિકામાં આગામી 5મી માર્ચ પહેલાં રકમ જમા કરાવવાની છે અને તે માટે તમામ વેપારીઓએ ચાર લાખનો ચેક સુરત ટેક્સટાઈલ માર્કેટના નામે, જ્યારે એક લાખ રૂપિયાનો ચેક ભારતીય જનતા પાર્ટીના નામે આપવાનો ખુલ્લંખુલ્લો નિર્દેશ અપાયો છે.
સોશિયલ મીડિયાના આ મેસેજને પગલે વેપારીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે ભાજપને એક લાખ રૂપિયાનો ચેક આપવાનો તે પાર્ટી ફંડ પેટે ફરજિયાત છે કે મરજિયાત છે તેની કોઈ ચોખવટ આ મેસેજમાં કરવામાં આવી નથી. સુરત ટેક્સટાઈલ માર્કેટના કર્તાહર્તા દિનેશ રાઠોડ દ્વારા આ મેસેજ શેર કરવામાં આવ્યો છે, બંને ચેકો તાત્કાલિક માર્કેટ ઓફિસમાં જમા કરાવવાના રહેશે અને તેમ છતાં જો કોઈ વેપારીને આ અંગે શંકા-કુશંકા હોય તો તેના મોબાઇલ નંબર પર સંપર્ક કરી શકે છે. જોકે આ સમગ્ર મામલે કોંગ્રેસે સીધા આક્ષેપ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પર કર્યા છે કે એમના ઈશારે આ મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો છે.
જો કે સમગ્ર પ્રકરણમાં વિવાદનું કેન્દ્ર બનેલા વેપારી અને એસટીએમના મેનેજિંગ કમિટીના સભ્ય દિનેશ રાઠોડનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો તો તેનો ફોન નો રિપ્લાય આવ્યો હતો અને હાલ ક્યાં છે એ કોઈ ને ખબર પણ નથી એમ કહી શકાય કે સંપર્ક વિહોણા થયા છે.