સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના વિચારોમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. જો આ સૂત્રોને અપનાવી લેવામાં આવે તો આપણી અનેક સમસ્યાઓ સરળતાથી ઉકેલાઈ શકે છે. ઘણાં લોકોની સમસ્યા હોય છે કે તેમનું ભક્તિમાં મન લાગતું નથી. આ બાબતે રામકૃષ્ણ પરમહંસનો એક પ્રસંગ જાણીતો છે,
પ્રસંગમાં જણાવ્યા પ્રમાણે રામકૃષ્ણ પરમહંસના એક શિષ્યએ પૂછ્યું કે વ્યક્તિના મનમાં સુખ-સુવિધાઓને મેળવવાની ઈચ્છાઓ વધતી રહે છે, કામવાસનાને લીધે જ મન વ્યાકૂળ રહે છે. આ ઈચ્છાઓને પૂરી કરવા માટે મોટાભાગના લોકો પ્રયાસ કરતાં રહે છે. જેવી વ્યાકુળતા સુખ-સુવિધાઓ મેળવવાની અને કામવાસના માટે રહેતી હોય છે, એવી વ્યાકુળતા ભક્તિ કરવા માટે શા માટે નથી હોતી?
રામકૃષ્ણ પરમહંસે શિષ્યને કહ્યું કે જ્ઞાનના અભાવને લીધે જ વ્યક્તિ ભગવાનથી દૂર રહે છે અને સાંસારિક ઈચ્છાઓને પૂરી કરવામાં મગ્ન રહે છે. ભ્રમમાં ગુંચવાયેલાં રહેવાં અને મોહ-માયામાં ફસાયેલાં રહેવાંને લીધે જ વ્યક્તિ ભગવાન તરફ ધ્યાન નથી આપી શકતો, આવા લોકો ભક્તિ કરી શકતાં નથી.
શિષ્યએ ફરી પૂછ્યું કે ભ્રમ અને કામવાસના કેવી રીતે દૂર કરી શકીએ? પરમહંસજીએ જવાબ આપ્યો કે સાંસારિક વસ્તુઓ ભોગ છે અને જ્યાં સુધી ભોગનો અંત થાય નહીં, ત્યાં સુધી વ્યક્તિ ભગવાનની ભક્તિમાં મન લગાવી શકશે નહીં.
પરમહંસજીએ સમજાવ્યું કે કોઈ બાળક રમકડું રમવામાં વ્યસ્ત રહે ત્યારે તેની માતાને યાદ કરતું નથી. જ્યાં સુધી મન રમકડાંથી ભરાઈ જાય નહીં કે તે રમત પૂરી થાય નહીં, ત્યાં સુધી તેને માતાની યાદ આવતી નથી. આવી જ સ્થિતિ આપણી હોય છે. જ્યાં સુધી આપણું મન સાંસારિક વસ્તુઓ અને કામવાસનાઓના રમકડાંમાં ગુંચવાયેલું રહેશે, ત્યાં સુધી આપણે પણ આપણી માતા અર્થાત્ પરમાત્માનું ધ્યાન કરી શકીએ નહીં. ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ભક્તિ કરવા માટે આપણે ભોગ-વિલાસથી દૂર રહેવું પડે છે.
લાઈફ-મેનેજમેન્ટ
આ નાનકડાં પ્રસંગનું લાઈફ મેનેજમેન્ટ એ છે કે જે લોકો ભક્તિ કરવા માંગે છે, તેમણે તેમની ઈચછાઓને છોડી દેવી જોઈએ. જ્યાં સુધી મનમાં સાંસારિક ઈચ્છાઓ રહેશે, આપણે ભક્તિ કરી શકીએ નહીં.