21 માર્ચના રોજ સવારે આઠમ તિથિથી હોળાષ્ટક શરૂ થઇ ગયા છે, જે 28 માર્ચના રોજ પૂનમ તિથિ સાથે પૂર્ણ થશે. હોળીના પહેલાંના આ આઠ દિવસમાં દરેક પ્રકારનાં માંગલિક કાર્યો વર્જિત રહે છે. આ દિવસોમાં વ્રત અને પૂજા-પાઠ કરવાથી દોષ લાગતો નથી અને ઉત્સવ પણ ઊજવાય છે. અનેક જગ્યાએ આ સપ્તાહમાં એકાદશી તિથિએ ફાગ ઉત્સવ સાથે જ હોળીની શરૂઆત થઇ જશે, સાથે જ એકાદશી, બારસ અને પ્રદોષ તિથિએ વ્રત કરવામાં આવશે, સાથે જ, સ્નાન-દાન અને પૂજા-પાઠ કરવાથી પુણ્ય મળશે.
હોળાષ્ટક (21થી 28 માર્ચ સુધી)- હોળિકાદહન પહેલાંના આઠ દિવસને હોળાષ્ટક કહેવામાં આવે છે. જ્યોતિષીય દૃષ્ટિએ હોળાષ્ટકને દોષ માનવામાં આવે છે, જેમાં લગ્ન, ગૃહપ્રવેશ અને નવા મકાનનું નિર્માણ કામ કરવામાં આવતું નથી, એટલે આ દરમિયાન નવાં કામની શરૂઆત અને દરેક પ્રકારનાં માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે.
હોળીના દિવસે 499 વર્ષ પછી અદભુત મહાસંયોગ બની રહ્યો છે, સર્વાર્થ અને અમૃતસિદ્ધિયોગમાં ઊજવાશે તહેવાર
રંગભરી એકાદશી, આમલકી એકાદશી (24 માર્ચ)- ભગવાન વિષ્ણુને સમર્પિત આ વ્રતમાં આંબળાંના ઝાડની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુ સાથે જ આંબળાંના ઝાડની ઉત્પત્તિ થઇ છે. આ વ્રતને કરવાથી દરેક પ્રકારનાં પાપ દૂર થઇ શકે છે. તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે. અનેક મંદિરો અને તીર્થ સ્થાનોમાં આ દિવસથી જ હોળીની શરૂઆત થઇ જાય છે. આ પર્વમાં કાશીમાં ભગવાન શિવને ભસ્મથી હોળી રમાડવામાં આવે છે.
નૃસિંહ બારસ (25 માર્ચ)- શાસ્ત્રો પ્રમાણે, ફાગણ મહિનાના સુદ પક્ષના બારમા દિવસ એટલે બારસ તિથિએ નૃસિંહ બારસ ઊજવવામાં આવે છે. આ વખતે આ પર્વ 25 માર્ચના રોજ રહેશે. ભગવાન વિષ્ણુના બાર અવતારમાંથી એક અવતાર નૃસિંહનો માનવામાં આવે છે. આ અવતારનું અડધું શરીર મનુષ્ય અને અડધું સિંહનું છે. આ સ્વરૂપને ધારણ કરીને ભગવાન વિષ્ણુએ રાક્ષસ રાજ હિરણ્યકશ્યપને માર્યો હતો. એ દિવસથી આ પર્વની શરૂઆત માનવામાં આવે છે.
ફાગણ પૂર્ણિમા (28 માર્ચ)- ફાગણ પૂનમના દિવસે સૂર્યોદય પહેલાં જાગીને તીર્થના જળથી સ્નાનનું મહત્ત્વ માનવામાં આવે છે, સાથે જ આ દિવસે કરવામાં આવતા દાનનું પણ અનેક ગણું શુભ ફળ મળે છે. ત્યાં જ સાંજે ભદ્રકાળ પછી હોળિકાદહન કરવામાં આવે છે.