ઈરાકમાં રવિવારે સવારે મોટા આત્મઘાતી હુમલાના સમાચાર છે. આ હુમલામાં ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કદિમીને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં પાંચ લોકો ઇજા ગ્રસ્ત થયા છે. જો કે, અલ-કદિમી આ હુમલામાં માંડ માંડ બચ્યા હતા. સ્થાનિક મીડિયાએ ઈરાકી સેનાને ટાંકીને જણાવ્યું હતું કે હુમલામાં માત્ર વડાપ્રધાન જ નિશાન હતા. ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કદિમીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઘર પર થયો ડ્રોનથી હુમલો
ઈરાકી સૈન્યએ જણાવ્યું હતું કે બગદાદમાં વડાપ્રધાન અલ-કદિમીના નિવાસસ્થાન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા ખતરનાક વિસ્ફોટકો ભરેલા હતા. જો કે, આ ડ્રોન હુમલો કોના વતી કરવામાં આવ્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.
હુમલાના સમાચાર મળતાની સાથે જ વડાપ્રધાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે સાથે જ ગુપ્તચર એજન્સીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ મુસ્તફા અલ-કદિમીએ પણ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તે ઠીક છે.
બીજી તરફ, PM કદિમીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપવામાં આવી હતી કે વડા પ્રધાન સુરક્ષિત છે અને તેમણે ઇરાકી લોકોને શાંતિની અપીલ કરી છે. આ સાથે જ ઈરાકના સરકારી અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે કદિમીના આવાસ પર વિસ્ફોટ થયો છે અને વડાપ્રધાન સુરક્ષિત છે. સંરક્ષણ સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે, આ હુમલામાં કદિમીના પર્સનલ સિક્યુરિટી ફોર્સના 6 લોકો PMના આવાસની બહાર ઘાયલ થયા છે.