એપલના સૌથી પહેલા ઓરિજિનલ કોમ્પ્યુટર Apple-1ની બુધવારે અમેરિકામાં હરાજી કરવામાં આવી હતી અને જાણીને નવાઈ લાગશે કે તેને 4 લાખ ડોલરમાં ખરીદવામાં આવ્યું એટલે કે હાલના ભારતીય ચલણ પ્રમાણે આ 2 કરોડ 97 લાખ 2 હજાર 220 રૂપિયા થાય. આ કોમ્પ્યુટરની ખાસ વાત એ છે કે તેને કંપનીના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાકે પોતાના હાથથી બનાવ્યું હતું.
આ કોમ્પ્યુટરને Chaffey College Apple-1 કોમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેના મૂળ માલિક Chaffey College ના પ્રોફેસર હતા. તેમણે 1977માં Apple-II કોમ્પ્યુટર ખરીદવા માટે Apple-1 પોતાના એક વિદ્યાર્થીને વેચ્યું હતું. રસપ્રદ વાત એ છે કે તે સમયે વિદ્યાર્થીએ આ કોમ્પ્યુટર માટે પ્રોફેસરને માત્ર $650 આપ્યા હતા.
વર્કિંગ કંડીશનમાં છે એપલનું પહેલું કમ્પ્યુટર
Apple-1 હાલમાં વિશ્વમાં હાજર 60 યુનિટ્સમાંથી એક છે. હાલમાં કાર્યરત 20 એપલ-1 કોમ્પ્યુટર્સમાં પણ આ સામેલ છે. Apple-1 કેસવાળા મધરબોર્ડ સાથે આવતું હતું અને તેના કીબોર્ડ અને મોનિટર અલગથી વેચવામાં આવતા હતા. કોમ્પ્યુટર હવાઈના ખાસ koa wood કેબિનેટ સાથે પણ આવતું હતું. એપલે આ વુડ કેસીંગથી માત્ર 200 કોમ્પ્યુટર તૈયાર કર્યા હતા.
કમ્પોનેન્ટ પાર્ટ્સ તરીકે થતું હતું વેચાણ
જોબ્સ અને વોઝનિયાક એપલ-1 કોમ્પ્યુટરને કમ્પોનેન્ટ પાર્ટ્સ તરીકે વેચતા હતા. એક કોમ્પ્યુટરની દુકાને આના 50 યુનિટની ડિલિવરી લીધી હતી અને તેમાંથી કેટલાકને વુડ કેસીંગમાં ડિઝાઇન કરવામાં આવ્યા હતા, જેને યુઝર્સ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.