શેફિલ્ડે લખ્યુ છે કે ભુટ્ટોને કોટ લખપત જેલમાં એક દસ બાય દસની કોટડીમાં પૂરી દેવાયા હતા. એ બાજુ અતીશય ખૂંખાર કેદીઓને રાખવામાં આવતા હતા. રોજ રાતે મને બાજુની કોટડીમાંથી ચિલ્લાવાનો અને ત્રાસ ગુજારાતો હોવાનો અવાજ સંભળાતો હતો. ભુટ્ટોના વકીલે એક દિવસ એ અવાજ અંગે તપાસ કરી. જેલ સત્તાવાળાઓએ વકીલને જણાવ્યુ કે રાતે જેમના પર ત્રાસ ગુજારાય છે એ બધા ભારતના પકડાયેલા યુદ્ધકેદીઓ છે. ભુટ્ટોના મુખે કહેવાયો આ કિસ્સો પુસ્તકમાં નોંધાયા પછી કેદીઓ પાકિસ્તાનમાં હોવાનો વધુ એક પુરાવો મળી ગયો હતો. ગુજરાતના એડવોકેટ મદનગોપાલ પાલ અને એડવોકેટ સ્વ.કિશોરપાલે આ સૈનિકોની રિહાઈ અને વળતર માટે ગુજરાત હાઈકોર્ટમાં ભારત સરકાર વિરૂદ્ધ કેસ કર્યો હતો. કેમ કે પાકિસ્તાન જેટલી જ બેદરકારી ભારત સરકારની પણ હતી. એ સૈનિકોને છોડવા માટે કોઈ પ્રયાસો જ થતા ન હતા. ઈન્દિરા ગાંધીએ પણ કર્યા ન હતા અને એ પછીની સરકારોએ પણ કર્યા ન હતા.
વરસો સુધી કેસ ચાલ્યા પછી ગુજરાત હાઈકોર્ટે એ સૈનિકો પૈકી કેટલાકના પરિવારને વચગાળાનું વળતર ચૂકવવા આદેશ પણ કર્યો હતો. કેન્દ્ર સરકારે એ કામ પણ કર્યું ન હતુ, માટે છેવટે કોર્ટે વળતરની કામગીરી પણ પોતાના હાથમાં લીધી હતી. વિવિધ કેદીઓ પૈકી એ.કે.ઘોષના દીકરી નિલાંજલા ઘોષને અમદાવાદ બોલાવી વળતરનો ચેક પણ આપ્યો હતો. કેસ હજુ પણ કોર્ટમાં ચાલે છે અને સરકારને આજે પણ એ કેદીઓમાં રસ પડતો નથી. ઘરથી બહાર ગયેલા કોઈ સભ્ય સાંજે પરત ન આવે તો પણ ચિંતા થાય. આ બધા કેદીના પરિવારજનો તો ૪૮ વર્ષથી તેમના જાંબાજોની રાહ જુએ છે. સ્વાભાવિક રીતે એ બધાના ઘરમાં બબ્બે પેઢી બદલી ગઈ છે.
ગુમ થયેલા ૫૪ પૈકી કેટલાકના ઘરે બાળકો નાના હતા, કેટલાકની પત્ની સગર્ભા હતી, કેટલાકના વૃદ્ધ માતા-પિતા હતા, જેમાંથી અમુક તો પુત્રની રાહ જોઈ જોઈને મૃત્યુ પામ્યા છે. ૪૮ વર્ષથી એ સૈનિકોના પરિવારજનો અજબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમ કે તેમને ખબર જ નથી કે તેમના સ્વજનો સાથે શું થયુ છે. હવે તેમને મૃતક ગણવા કે જીવતા ગણવા એ પણ મોટી અસમંજસ છે. નિલાંજના ઘોષે એ વખતે કહ્યું હતુ કે હું કોઈ ફોર્મ ભરું ત્યારે સમજી શકતી નથી કે મારા પિતાના નામની આગળ સ્વર્ગસ્થ લખું કે જીવંત છે, એમ માનીને એમનું નામ લખું! એ વાતમાં તેમનું દર્દ છૂપાયેલું છે અને બધા પરિવાજનોની હાલત કંઈક એવી જ છે. પાકિસ્તાનમાં ૨૭ વર્ષનો જેલવાસ ભોગવીને ગોપાલદાસ નામના જાસૂસ ૨૦૧૧માં ભારત પરત આવ્યા હતા. એ પહેલા ૨૦૦૮માં કાશ્મીર સિંહને પાકિસ્તાને મુક્ત કર્યા હતા. એ કાશ્મીર સિંહે અડધી જિંદગી એટલે કે ૩
ગોપાલદાસ કે કાશ્મીર સિંહ ભારત આવ્યા ત્યારે એ પોતાના ગામને પણ ઓળખી ન શકે એટલી હદે દુનિયા બદલાઈ ગઈ હતી. પરંતુ તેમની પાસેથી પાકિસ્તાનની જેલમાં શું ચાલે છે એ પણ સાંભળવા મળતું હતું. એ બધા સૈનિકોનું કહેવુ છે કે ત્યાં પાકિસ્તાનમાં ઘણી ભૂગર્ભ જેલ છે. જ્યાં ૧૯૭૧ના કેદીઓને રાખવામાં આવે છે, તેમના પર જે ત્રાસ ગુજારાય છે તેનું તો વર્ણન થઈ શકે એમ નથી. ત્રાસને કારણે ઘણા તેમનું માનસિક સંતુલન ગુમાવી દે અને પછી એવી જ નિસહાય હાલતમાં પરિવારનો ચહેરો એક વખત જોવાની ઈચ્છા સાથે દમ તોડી દે. ૪૮ વર્ષ પછી શક્ય છે કે બધા સૈનિકો હયાત ન પણ હોય, પરંતુ જે હયાત હોય એ ક્યારેક વતનમાં જઈને શ્વાસ લેવા મળશે એવો આશાવાદ રાખીને બેઠા હશે.