ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાયા અને નવા મંત્રીમંડળના ફેરફારથી વિધાનસભાની વહેલી ચૂંટણીની આશંકા લાગી રહી છે. રાજકીય પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી છે. ત્યારે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદ પહોંચ્યાં છે.ઓવૈસી અમદાવાદમાં આખો દિવસ રોકવાના છે. શહેરમાં ટાગોર હોલમાં પક્ષના નવનિયુક્ત હોદ્દેદારો સાથે મુલાકાત કરશે. તે ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની રણનીતિ પણ તૈયાર કરશે. તેઓ આજે સાબરમતિ જેલમાં બંધ ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર અને સોથી વધુ લોકોના હત્યારા અતિક અહેમદને જેલમાં મળે તે પહેલાં જ ખાનપુરની લેમન ટ્રી હોટેલમાં પોલીસે તેમને રોકી લીધા હતાં.
કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન સાથે મુલાકાત કરી
ઓવૈસી હોટેલથી નીકળીને દરિયાપુર પહોંચ્યા હતાં. જ્યાં ચારવાડમાં લોકોની સાથે મુલાકાત કરી હતી. તેમણે કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ ખાન સાથે પણ મુલાકાત કરી હતી. આ પરથી એવું કહી શકાય કે જો શહેજાદખાનને 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની ટીકિટ નહીં મળે તો તેઓ AIMIMમાંથી ચૂંટણી લડશે. હાલ ઓવૈસી મિરઝાપુર જવા રવાના થયાં છે. તેમની સાથે 10 કાર અને 200 જેટલી બાઈક છે. જેથી સમગ્ર વિસ્તારમાં મિની રોડ શો જેવો માહોલ જોવા મળ્યોછે. કોંગ્રેસના શહેજાદખાન ઘણા સમયથી પાર્ટીથી નારાજ છે.
રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે
2022ની ચૂંટણી માટે તેઓ હાલ રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે. જેમાં પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા અને બુદ્ધિજીવી લોકો સાથે મુલાકાત પણ કરશે. અમદાવાદમાં ઓવૈસી પત્રકારો સાથે પણ મળશે. તેમજ શહેરમાં બે અલગ અલગ મિટિંગમાં પણ હાજર રહેશે. હવે ઓવૈસીની પાર્ટી 2022માં 85થી 90 જેટલી સીટ પર ચૂંટણી લડવાનો પ્લાન કરી રહી છે.
અતિક અહેમદની પત્ની સહિત આખો પરિવાર AIMIMમાં જોડાયો
AIMIMના ચીફ ઓવૈસી ઉત્તરપ્રદેશના 3 દિવસીય પ્રવાસના પહેલા દિવસે 8 સપ્ટેમ્બરે પહોંચ્યા હતા. અહીં એક જાહેરસભા પહેલા અતિક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન દીકરા સાથે પહોંચ્યા હતા. ત્યારબાદ AIMIMમાં પરિવાર સાથે વિધિવત રીતે જોડાયા હતા. દરમિયાન પરવીને કહ્યું હતું કે, સાબરમતી જેલમાં બંધ તમારા ભાઈનો પત્ર લઈને આવી છું અને એક પત્ર વાંચ્યો હતો. તેમણે કહ્યું છે કે હવે અમારે બીજાના ઝંડા ઉઠાવવાનો સમય પૂરો થયો છે, હવે સમગ્ર દેશમાં પોતાનો હિસ્સો લેવાનો સમય આવી ગયો છે.
આ લડાઈ પોતાના બાળકોને એજ્યુકેશન આપવાની છે
આ લડાઈ પોતાના બાળકોને આઈએએસ, ડોક્ટર અને એન્જિનિયર બનાવવાની છે. મુસલમાનોએ આજ સુધી કોઈ મુસલમાનને પોતાનો નેતા નથી માન્યો. બરેલીથી પ્રયાગરાજની સેન્ટ્રલ જેલમાં ખસેડાયેલા માફિયામાંથી નેતા બનેલા અતીક અહેમદને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 3 જૂને 2019માં અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. તેના પર અપહરણ, ધમકી આપવી, ઉચાપત સહિતના અનેક કેસ છે.