સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક જ સમાન પેપર લીકકાંડ, ભરતી કૌભાંડોમાં સ્વઘોષિત રાષ્ટ્રવાદીઓ કાચિંડાની જેમ કલર બદલી રહ્યા છે. પાડોશમાં રાજસ્થાનમાં REET પેપર લીકમાં મુખ્યમંત્રી અશોક ગહેલોતની કોંગ્રેસ સરકારે ભરતી બોર્ડના અધ્યક્ષના ત્યાં દરોડો પાડયો અને હકાલપટ્ટી કરી. તેમાં સામેલ 16 અધિકારીઓને ઘર ભેગા કર્યા છે એમ છતાંયે રાજસ્થાન ભાજપ અધ્યક્ષ સતિષ પુનિયા CBI તપાસની માગણી કરી રહ્યા છે અને અહી ગુજરાતમાં, ગૌણ સેવા પસંદગી મંડળમાં ચેરમેનપગે ભાજપ ‘આશ્રિત’ વોરાને ખોળામાં બેસાડી સતત પંપાળવામાં આવી રહ્યાનો રોષ યુવાનોએ ઠાલવ્યો છે.
યુવા અધિકાર ન્યાય ચળવળના યુવરાજસિંહ જાડેજાએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને 17 નવેમ્બર 2019ના રોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં લીક થયેલા પેપરને ફોડનારા, તેમાં સામેલ આરોપીઓ સામે શુ કાર્યવાહી થઈ? તેની માહિતી જાહેર કરવા માંગણી કરતા હજી સુધી એક પણ આરોપીને સજા થઈ નથી તેવો ઘટસ્ફોટ કર્યો હતો.
એટલું જ નહિ, વર્ષ 2018ના ડિસેમ્બરમાં LRD ભરતીનું પેપર લીકકાંડના આરોપી મહેન્દ્ર પટેલની પત્ની બાયડ નગરપાલિકામાં ભાજપના કમળછાપ કોર્પોરેટર હોવાનો આક્ષેપ કરતા યુવરાજસિંહ ભાજપ અને તેની સરકારની ઈચ્છા શક્તિમાં બેવડા કાઠલા ઉઘાડા પાડયા હતા.
LRD ભરતીકાંડમાં પણ આરોપી, એજન્ટ, પરીક્ષાર્થીઓ સામે સજા થઈ છે ખરી ? તેવા સવાલો ઉઠાવતા તેમણે કહ્યુ કે, ગૌણ સેવા પસંદગી મંડળ બે વર્ષ પછી 13 ફેબ્રુઆરીએ ફરીથી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા એ જ ચેરમેન અસિત વોરાની આગેવાનીમાં યોજી રહ્યું જેના તાબા હેઠળ એક, બે નહિ અનેક ભરતી પરીક્ષાના પેપરલીક થયા. કૌભાંડો થયા. આમ છતાંયે અગાઉના સેન્ટરો, ઉમેદવારો, એજન્ટ, પરીક્ષા નિરીક્ષકો સહિતનો સ્ટાફ યથવત રહેતા લાખો યુવા બેરોજગારો, તેમના પરીવારોમાં પહેલાંની જેમ મળતિયાઓને નોકરીઓના વેચાણ થવાની દહેશત છે. વોરાને યથાવત રાખતા સરકાર સામે આક્રોશ છે.