રૂપિયા 1.60 કરોડના ડ્રગ્સ પકડવાના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ડ્રગ્સ માફિયા માતા કૌશર અને તેના પુત્ર સફાત ઉર્ફ બલ્લુની ધરપકડ કરી છે. તેમાં રાજસ્થાનનો અફઝલ ગુરુ ડ્રગ્સ લાવ્યો હતો. તેમાં નિયોલ ચેક પોસ્ટ પર પોલીસે બાતમીના આધારે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ.
સુરત પહોંચ્યા બાદ જ બલ્લુ ફોન કરીને તેનું નામ આપવાનો હતો
રાજસ્થાનના અફઝલ ઉર્ફે ગુરુને રૂપિયા 1,60,70,000ની કિંમતનું 01 કિલો 670 ગ્રામ એમ.ડી. (મેથામ્ફેટામાઇન) ડ્રગ્સ સુરતના ડીલરને આપવા મોકલનાર મુંબઇના નાલાસોપારાની ડ્રગમાફિયા કૌશર ખાન અને તેના પુત્ર સફાત ઉર્ફે બલ્લુને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ રિમાન્ડ મેળવ્યા હતા. ગત નવેમ્બર મહિનાની 28મીના બુધવારે રાત્રે નિયોલ ચેકપોસ્ટ ઉપરથી પગપાળા પસાર થઇ રહેલા રાજસ્થાનના અજમેર જિલ્લાના આમકીનાડીમાં રહેતા 31 વર્ષીય અફઝલ ઉર્ફે ગુરુ સબ્રતઅલી સૈયદની ધરપકડ કરી બેગમાંથી 1.60 કરોડની કિંમતનું 1.670 ગ્રામ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. આ જથ્થો તેને મુંબઇના નાલાસોપારા વિસ્તારમાં રહેતા સફાતખાન ઉર્ફે બલ્લુ ઉર્ફે નિહાલ ઉર્ફે નવાબ રહીશખાને આપ્યાનું બહાર આવ્યું હતું. સુરતમાં ડિલિવરી લેનાર શખ્સનું નામ અફઝલને જણાવવામાં આવ્યું ન હતું. તે સુરત પહોંચ્યા બાદ જ બલ્લુ ફોન કરીને તેનું નામ આપવાનો હતો.
રાજસ્થાનનો અફઝલ ગુરુ લાવ્યો હતો ડ્રગ્સ
ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જે.એન. ઝાલાને આ કેસની તપાસ સોંપવામાં આવતાં તેમણે મુંબઇ દરોડા પાડયા હતા અને સફાતખાન ઉર્ફે બલ્લુને ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં આ જથ્થો તેની માતા કૌશર ઇમરાન ઉર્ફે ઇમા મલિક અબ્દુલ શેખે લાવીને આપ્યો હોવાનું જણાવતાં તેની પણ ધરપકડ કરી સુરત લાવવામાં આવી હતી. મુંબઇના બલ્લુની માતા કૌશર અને સાવકા પિતા બંને ડ્રગ્સનો વેપલો કરવામાં પાવરધા છે.
નિયોલ ચેક પોસ્ટ પર પોલીસે બાતમીના આધારે ડ્રગ્સ ઝડપ્યું
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કૌશરને 2007માં મુંબઇ એન.સી.બી.એ 45 કિલો ચરસ સાથે ઝડપી હતી. આ પ્રકરણમાં તે 2011 સુધી જેલમાં પણ રહી હતી. બલ્લુ તેના પ્રથમ પતિ રહીશખાનનો પુત્ર છે. ટેક્સી ડ્રાઇવિંગ કરતાં રહીશખાનને છૂટા છેડા આપી કૌશર મુંબઇના ડ્રગ ડિલર ઇમરાન ઉર્ફે ઇમા મલિક શેખના પ્રેમમાં પડી હતી. ઇમરાન અજમેરમાં ડ્રગ કેસમાં ઝડપાયો હતો. હાલમાં પણ તે હત્યાની કોશિશના ગુનામાં મુંબઇની જેલમાં છે. આ જથ્થો કૌશર નાલાસોપારાના જ ડ્રગ ડિલર પાસેથી કમિશન ઉપર લાવી હોવાનું જણાવી રહી છે. પોલીસે નાલાસોપારાના ડ્રગ ડીલર અને સુરતના ડ્રગ ડીલરનું નામ જાણવા માતા-પુત્રને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા.