ઉત્તરપ્રદેશમાં CAA વિરોધી દેખાવો કરનારા પ્રદર્શનકારીઓને દંડ ફટકારવાનાં મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા યુપીની યોગી સરકારને ફટકાર લગાવાઈ છે. કોર્ટે કહ્યું છે કે CAA વિરોધી દેખાવકારોને બજાવવામાં આવેલી દંડની નોટિસ પાછી ખેંચો અન્યથા અમારે તે રદ કરવી પડશે.
કોર્ટે કહ્યું કે યુપી સરકાર દ્વારા CAA વિરોધી દેખાવોમાં નુકસાનની માર્ગરેખાઓનો ભંગ કરવામાં આવ્યો છે. કોર્ટે દેખાવકારો પાસેથી નુકસાની વસૂલ કરવાની કામગીરી બંધ કરવા યુપી સરકારને આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ દ્વારા કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. બેન્ચે કહ્યું કે તમારે કાયદા પ્રમાણે નોટિસ બજાવવા કામગીરી કરવી જોઈએ. પહેલા તેનો અભ્યાસ કરીને તેનું પાલન કરો.
18 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો
કોર્ટે નોટિસો પાછી ખેંચવા માટે યુપી સરકારને 18 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે અને કેસની વધુ સુનાવણી તે દિવસે હાથ ધરવા નક્કી કર્યું છે. કોર્ટે કહ્યું કે યુપી સરકાર દ્વારા CAA વિરોધી દેખાવોમાં નુકસાન વસૂલ કરવા માટે કાયદાનો ભંગ કર્યો છે. આરોપીઓની સંપત્તિ જપ્ત કરીને દંડ વસૂલવાની કામગીરીમાં યુપી સરકારે પોતે જ ફરિયાદી અને ન્યાય તોળનાર તરીકે કામ કર્યું છે.
2019માં ડિસેમ્બરમાં હિંસા થઈ હતી
CAA તેમજ NRCનાં વિરોધમાં લખનઉમાં 19 ડિસેમ્બર 2019નાં રોજ હિંસા આચરવામાં આવી હતી. જેમાં સરકારી સંપત્તિ સળગાવીને નુકસાન પહોંચાડનાર ૫૪ આરોપીઓ પાસેથી રૂ. ૬૪ લાખ વસૂલ કરવાના હતા.