નાણામંત્રી નિર્મલા સીતારમણ થોડા કલાકો પછી સામાન્ય બજેટ રજૂ કરશે. તે પ્રથમ મહિલા નાણાં મંત્રી હશે જે ચોથી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરશે. નાણામંત્રી સામે સૌથી મોટો પડકાર કોરોના મહામારીના સંકટનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને ઝડપી બનાવવાનો છે. આ સિવાય નાણામંત્રીએ બેરોજગારી ઘટાડવાની સાથે ખેડૂતો અને નાના વેપારીઓની આવક વધારવા સહિત અનેક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તો આવો જાણીએ સામાન્ય બજેટ પહેલા દેશના નાણામંત્રી સામે શું શું પડકારો છે?
મોંઘવારી પર નિયંત્રણ મેળવવું
છૂટક ફુગાવો વધીને 5.59 ટકા થયો છે જ્યારે જથ્થાબંધ ફુગાવો 13.56 ટકાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. વધતી મોંઘવારીના કારણે લોકોની ખરીદી કરવાની ક્ષમતા પર અસર પડી છે અને ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. આ બજેટમાં નાણામંત્રીએ મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ખર્ચ વધારવાના પગલાં પર ભાર મૂકવો પડશે. બજેટમાં બચત વધારવાની રીતો પર ભાર મુકવાની જરૂર છે.
બેરોજગારી ઘટાડવી
નોંધનિય છે કે, કોરોના મહામારી બાદ બેરોજગારીનો દર ઝડપથી વધ્યો છે. CMIE અનુસાર, દેશમાં હાલમાં બેરોજગારીનો દર 6.9% છે. શહેરી બેરોજગારી દર 8.4% અને ગ્રામીણ બેરોજગારી દર 6.2% છે. નાણામંત્રી સમક્ષ બેરોજગારીનો દર ઘટાડવો સૌથી મોટો પડકાર છે. આ માટે તેમણે બજેટમાં આવી જાહેરાતો કરવી પડશે જેથી રોજગારી વધી શકે. આ માટે મનરેગા હેઠળ ફાળવવામાં આવેલી રકમમાં વધારો કરવાની સાથે શહેરી બેરોજગારી પર પણ કામ કરવું પડશે.
સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી પાડવી
કોરોના મહામારી દરમિયાન હેલ્થકેર સેક્ટરને શક્ય તેટલું વધુ મજબૂત કરવાની જરૂર છે. નાણામંત્રી સમક્ષ પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે સામાન્ય માણસને ઓછામાં ઓછી કિંમતે આવશ્યક આરોગ્ય સેવાઓ મળી રહે. આ અંગે નિષ્ણાતોએ જણાવ્યું કે, નાણાપ્રધાને આરોગ્ય ક્ષેત્ર માટે બજેટ વધારીને જીડીપીના ઓછામાં ઓછા 3 ટકા કરવું જોઈએ. આનાથી સારવારની વધુ સારી વ્યવસ્થા થઈ શકશે.
ખેડૂતોની આવક બમણી કરવી
પ્રધાન મંત્રી મોદીનું લાંબા સમયથી સપનું છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આવે. ખેડૂતોની નારાજગીને કારણે સરકારે કૃષિ કાયદા પણ પાછા ખેંચવા પડ્યા હતા. આવી સ્થિતિમાં તમામની નજર આ બજેટમાં ખેડૂતો માટે કરવામાં આવનારી જાહેરાત પર રહેશે. નિષ્ણાતોને આશા છે કે સરકાર કિસાન સન્માન નિધિના નાણાંમાં વધારો કરી શકે છે. આ સાથે ખેડૂતો માટે કેટલીક વધુ જાહેરાતો પણ થઈ શકે છે.
નોકરી કરતા લોકોને ટેક્સમાં રાહત
છેલ્લા કેટલાય બજેટથી નોકરિયાત વર્ગ નિરાશ થઈ રહ્યો છે. નોકરીયાતોની ઈચ્છા છે કે સરકાર ટેક્સનો બોજ ઓછો કરે. પરંતુ નાણાપ્રધાન સામે પડકાર છે કે ટેક્સ કલેક્શન વધારીને અર્થવ્યવસ્થાને ઝડપી બનાવવી. સાથે જ સામાન્ય માણસ રાહતની રાહ જોઈને બેઠો છે. આવી સ્થિતિમાં નાણામંત્રી બંને વચ્ચે કેવી રીતે તાલમેલ બેસાડે છે તે જોવાનું રહ્યું.