વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જો પંડિત જવાહરલાલ નહેરુ ઇચ્છત તો, 1947માં ભારતને સ્વતંત્રતા મળી તેના ગણતરીના કલાકોમાં જ ગોવાને પણ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ જાત, પરંતુ રાજ્યને પોર્ટુગીઝોના શાસનથી મુક્ત થવામાં 15 વર્ષનો સમય લાગ્યો હતો. રાજધાની પણજીની નજીક માપુસામાં ચૂંટણી રેલીને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ, ગોવા સાથે પોતાના શત્રુ તરીકે વ્યવહાર કરતી આવી છે અને આજે પણ તેનો વ્યવહાર તેવો જ છે જે પાર્ટી દ્વારા રાજ્યમાં સતત લદાયેલી રાજકીય અસ્થિરતાથી જોઈ શકાય છે.
કોંગ્રેસ ક્યારેય ગોવાની રાજકીય સંસ્કૃતિ, યુવાનોની મહેચ્છાઓને સમજી શકી નથી. તે હંમેશાં ગોવા પ્રત્યે શત્રુભાવ ધરાવતી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે કેટલાક ઐતિહાસિક તથ્યો છે જેને જનતાથી છુપાઈને રખાયા છે. બે-ત્રણ દિવસ પહેલાં મેં સંસદમાં વાત કરી હતી અને દેશને જણાવ્યું હતું કે કોંગ્રેસે કઈ રીતે ગોવાની સ્વતંત્રતા ચળવળનો નાશ કર્યો હતો.
ઉત્તરાખંડ માટે આપનો ચૂંટણી ઢંઢેરો જાહેર
આમ આદમી પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જારી કર્યો છે. પાર્ટીના ઘોષણાપત્રમાં વચન અપાયું છે કે ગેરસેંણને કાયમી રાજધાની બનાવાશે. તેમજ રાજ્યમાં વધુ છ નવા જિલ્લા બનાવાશે. ઢંઢેરામાં પહાડી કૃષિ નીતિ લાવવાની પણ જાહેરાત કરાઈ છે. પાર્ટી દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી, 24 કલાક મફત વીજળી. એક લાખ યુવાનોને સરકારી નોકરી, રોજગાર ન મળે ત્યાં સુધી પાંચ હજારનું ભથ્થું, મહિલાઓને એક હજારની સન્માન રકમ, શહીદોના પરિવારોને એક કરોડની આર્થિક મદદ, પૂર્વ સૈનિકોને સરકારી નોકરીમાં અનામત, મફત તીર્થયાત્રા, દરેક ગામ સુધી રોડ જેવા વચનો આપ્યા છે.
ઉત્તરાખંડનો વિકાસ સરકારની પ્રાથમિકતાઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના અલમોડામાં ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે ઉત્તરાખંડનો વિકાસ ભાજપની ડબલ એન્જિન સરકારની ટોચની પ્રાથમિકતા છે. તેમણે સાથે જ કહ્યું હતું કે રાજ્યના સરહદી ગામોમાં માળખાકીય વિકાસ ભાજપની પ્રાથમિકતા છે અને રાજ્યની જનતાને પર્વતમાલા અને વાઇબ્રન્ટ વિલેજ પ્રોજેક્ટ્સથી ફાયદો થશે. તેમણે સાથે જ જાહેરાત કરી હતી કે જામરાની ડેમ પ્રોજેક્ટ પર જલદી જ કામ શરૂ થશે. તેવી જ રીતે આગામી પાંચ વર્ષમાં કુમાઉં ક્ષેત્રમાં માનસખંડ ટૂરિઝમ સર્કિટ પણ વિકસિત કરાશે.
રાજનેતાઓની પત્નીઓએ પ્રચારનો મોરચો સંભાળ્યો
રાજનેતાઓની વૈભવી જીવન જીવતી પત્નીઓએ હાલ પ્રચારનો મોરચો સંભાળ્યો છે. ઘરે-ઘરે જઈને પ્રચાર કરી રહી છે. સંગરુરના ભાજપ ઉમેદવાર અરવિંદ ખન્નાના પત્ની શગુન લાઇફ સ્ટાઇલ બ્લોગર છે. જે ડોર ટુ ડોર અભિયાન કરીને મતદાતાઓને આકર્ષી રહી છે. તો લહરાગાગાના અકાલી દલ ઉમેદવાર પરમિંદરસિંહ ઢિંડસાના પત્ની ગગનદીપ પણ પ્રચારમાં લાગેલા છે. સવાર-સાંજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મહિલાઓ વચ્ચે પ્રચાર કરી રહી છે. સંગરુરના કોંગ્રેસ ઉમેદવાર વિજયઇન્દર સિંગલાના પત્ની પણ પ્રચારમાં વાગેલા છે. તેઓ બાળકોમાં પ્રિય છે.
કોંગ્રેસની કહેણી-કરણી જનતાએ જોઈ લીધીઃ ધામી
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ધામીએ કહ્યું હતું કે જનતાએ કોંગ્રેસની કહેણી અને કરણીને જોઈ લીધી છે. ભાજપ સરકારે દરેક વર્ગનો ખ્યાલ રાખીને ઘોષણાપત્ર તૈયાર કયુંર્ છે. રાજ્યમાં ભાજપને સમર્થન મળી રહ્યું છે. જેથી રાજ્યમાં ફરીવાર ભાજપની સરકાર આવશે.
ચૂંટણી માટે આપના વધુ 12 ઉમ���દવાર જાહેર
આમ આદમી પાર્ટીએ શુક્રવારે ઉત્તરપ્રદેશ ચૂંટણી માટે 12 ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી છે. સંજય સિંહ દ્વારા ટ્વિટ કરાયેલી આ યાદી પાર્ટીની 13મી યાદી છે. પાર્ટી હજુ સુધીમાં 377 ઉમેદવારની જાહેરાત કરી ચુકી છે. પાર્ટીએ ત્રણ વિધાનસભા ક્ષેત્રમાં પોતાના ઉમેદવાર પણ બદલ્યા છે.
યુપીમાં શંકા નથી, ઉત્તરાખંડમાં થોડો મુકાબલોઃ શિવરાજસિંહ
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ આજકાલ ઉત્તરાખંડ અને તેલંગણામાં વ્યસ્ત છે. તેઓ ઉત્તરાખંડમાં સતત ચૂંટણી સભા કરી રહ્યા છે. દરમિયાન શિવરાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. કોંગ્રેસે જે વીડિયો શેર કર્યો હતો. તે વીડિયો એ સમયનો છે જ્યારે શિવરાજ કોઈની સાથે ઓફ ધ રેકોર્ડ વાત કરી રહ્યા હતા.ભાજપની સ્થિતિ વિશે વાત કરતા ચૌહાણને આમ કહેતા સાંભળવામાં આવ્યા હતા કે ઉત્તરપ્રદેશમાં જીતની કોઈ શંકા નથી પરંતુ ઉત્તરાખંડમાં થોડો મુકાબલો જરૂર છે.
સપાના પૂર્વ પ્રધાનના આશ્રામ નજીક દલિત યુવતીનો દાટેલો મૃતદેહ મળી આવ્યો
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાંથી લાપતા થયેલી 22 વર્ષીય દલિત યુવતીનો ડિકમ્પોઝ થયેલો મૃતદેહ બે મહિના બાદ સમાજવાદી પાર્ટી સરકારના પૂર્વ પ્રધાન ફતેહબહાદુરસિંહે તૈયાર કરેલા આશ્રામ નજીકથી ખેતરમાંથી મળી આવ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી રાજોલસિંહ પૂર્વ સપા નેતાનો પુત્ર છે. વિધાનસભા ચૂંટણીના સમયે જ દલિત યુવતીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ગત 8 ડિસેમ્બરે યુવતી લાપતા થઈ તે બાદ તેની માતાએ આરોપ લગાવ્યો હતો કે પૂર્વ પ્રધાનના પુત્રે તેનું અપહરણ કર્યું છે.