દિલ્હી બાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટી સત્તા હાંસલ કરી રહી છે. આપના ઝાડુએ પંજાબમાં તમામ મોટા ચહેરાઓનો સફાયો કરી દીધો છે. શિરોમણી અકાલી દળ પાર્ટીનો બાદલ પરિવાર, કેપ્ટન અમરિન્દર સિંહ, કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની, પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુનો કારમો પરાજય થયો છે.
આ ચૂંટણી પરિણામે આ તમામ દિગ્ગજોને આગામી 5 વર્ષ માટે હાંસિયામાં ધકેલી દીધા છે. 117માંથી 90 બેઠકો પર પ્રચંડ બહુમત તરફથી આગળ વધી રહેલા આપ પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર ભગવંત માન બનશે. ધૂરી બેઠક પરથી ચૂંટણી લડનારા ભગવંત માને પોતાની બેઠક પર 45 હજાર મતથી જીતી રહ્યાં છે.
બે બેઠકો પરથી ચૂંટણી લડનારા કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની ભદૌડ અને ચમકોર સાહિબ બન્ને બેઠકો પરથી લગભગ હારી ગયા છે. કારમા પરાજયનો સામનો કરી રહ્લા પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ તેમજ પંજાબના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુના રાજકીય ભવિષ્ય પર આમ આદમી પાર્ટીના ભવ્ય વિજયે અનેક સવાલો ઉભા કરી દીધા છે.
પંજાબમાં આપ એ 2017ની કોંગ્રેસની 77 બેઠકો પર જીતથી ક્યાંય આગળ 90 બેઠકો પર જીત તરફ આગળ વધીને અહીંની પરંપરાગત રાજકીય પાર્ટીઓને પંજાબની રાજનીતિમાં ધૂળ ચાટતી કરી દીધી છે.
આપની આ ભવ્ય જીતથી ભગવંત માનનું મુખ્યમંત્રી બનવાનું નક્કી થઈ ગયું છે. 2017માં 20 બેઠકો જીતીને વિપક્ષની ભૂમિકા ભજવનારી આપના 9 ધારાસભ્યો ચૂંટણી પહેલા જ પાર્ટી છોડીને કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા.
એવું માનવામાં આવે છે કે, પાર્ટીમાં રહેનારા 11 જૂના ધારાસભ્યોમાંથી મોટાભાગનાને મંત્રી બનાવવામાં આવી શકે છે. જેમાં સુનામથી બીજી વખત જીતનારા અમન અરોરા અને વિપક્ષ નેતા રહેલા હરપાલ ચીમાનું કેબિનેટ મંત્રી બનવાનું નક્કી છે. આપ બાદ બીજા નંબર માટે કોંગ્રેસ અને અકાલી દળ વચ્ચે કાંટાની ટક્કર છે. જ્યારે ભાજપ તો ડબલ ડિજિટ સુધી પણ નથી પહોંચી શકી.