ગ્રૂપ એડમિનને નવા અધિકાર મળ્યા : ફેસબૂકની ફૅક કન્ટેન્ટ રોકવા માટેની પહેલ
ખોટી અથવા અધૂરી માહિતી ધરાવતી પોસ્ટ જાતે જ રિજેક્ટ થઈ જશે
ફેસબૂક એપ કમ્યુનિટીનાં વાઇસ પ્રેસિડેન્ટ મારિયા સ્મિથે જણાવ્યું હતું કે મુખ્ય સોશિયલ નેટવર્ક ઉપર ગ્રૂપ્સના એડમિનિસ્ટ્રેટર સોફટવેરનો ઓપ્શન પસંદ કરી શકે છે, જો થર્ડ પાર્ટી ફેક્ટ ચેકર્સ દ્વારા ખોટી માનવામાં આવતી માહિતી કે જાણકારી દેખાડવામાં આવશે તો આ પ્રકારની પોસ્ટ તેની જાતે જ રિજેક્ટ થઇ જશે.
ફેસબૂક દ્વારા તેની સિક્યોરિટીની સાથે સાથે ફૅક કન્ટેન્ટ પૉલિસીમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ફેસબૂકના ગ્રૂપ માટે ખાસ પૉલિસી ડિઝાઇન કરવામાં આવી છે. ગ્રૂપના સભ્યો દ્વારા શૅર કરવામાં આવતી પોસ્ટનાં કન્ટેન્ટ ખોટાં કે અધૂરી માહિતી ધરાવતાં હશે તો તેને કંટ્રોલ કરવા માટે ખાસ ફીચર લાવવામાં આવ્યું છે. આ ફીચર હેઠળ ગ્રૂપ એડમિનને ખોટી અથવા અધૂરી માહિતી ધરાવતી પોસ્ટને રિજેક્ટ કરવાનું નોટિફિકેશન આપવામાં આવશે. આ ફીચર એવા સમયે પણ કામ કરશે જ્યારે કોઇ થર્ડ પાર્ટી ફેક્ટ ચેકર્સ ગ્રૂપની પોસ્ટને ખોટી ગણવામાં આવશે. આ ફીચરના માધ્યમથી ગ્રૂપના કોઇ પણ સભ્ય દ્વારા પોસ્ટ કરવામાં આવેલી ખોટી અથવા અધૂરી માહિતી અન્ય સભ્યો જોઇ શકશે નહીં. અનેક પ્રાઇવેટ ગ્રૂપ હોવાના કારણે ફેસબૂક પર ખોટી માહિતી ઝડપથી પ્રસરતી હોવાની સમસ્યા સૌથી મોટી છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ફેસબૂક પર કોરોના મહામારીના સમયમાં ખોટી માહિતી ફેલાવવાના આરોપ લાગ્યા હતા. એટલું જ નહીં આ પ્રકારના ષડ્યંત્રને પ્રોત્સાહન આપવાના પણ આરોપ ફેસબૂક પર લાગ્યા હતા. જેના કારણે ફેસબૂક દ્વારા તેના પ્લેટફોર્મ પર બનાવવામાં આવેલા ગ્રૂપમાં મૂકવામાં આવતી ખોટી અને અધૂરી માહિતી ધરાવતા પોસ્ટને ઓળખીને તેને રિજેક્ટ કરવા માટે એક ઓટોમેટિક ટુલ સાથેનું ફીચર લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરના માધ્યમથી ફેસબૂક પર ગ્રૂપ બનાવીને ખોટી અથવા અધૂરી માહિતી પોસ્ટ કરનાર વ્યક્તિ તેમજ સમૂહને રોકવામાં મદદ મળશે. વિશ્વભરમાં લગભગ 180 કરોડથી વધારે લોકો ફેસબૂક ગ્રૂપનો ઉપયોગ કરે છે. આ ગ્રૂપનો ઉપયોગ કરીને લોકો દ્વારા ભ્રામક અથવા ખોટી અને અધૂરી માહિતીને ફેલાવવામાં થાય છે.
વૈશ્વિક દબાવના કારણે ફેસબૂક દ્વારા ફીચર લૉન્ચ કરાયું
ફેસબૂક પર ગ્રૂપ્સ ફીચર લાવવાનો હેતુ વિશ્વભરમાં ફેલાયેલા સોશિયલ મીડિયાના યૂઝર્સને હોબી, તેમની દિલચશ્પી અને એક જેવું જ કામ કરનાર લોકોને એકબીજા સાથે જોડવાનો છે. નીના નાજકોવિઝ અને સિંડી ઓટિસના 2020ના વાયર્ડ ઓપિનિયન પીસમાં પ્રકાશિત થયેલા બ્લોગ અનુસાર પ્રાઇવસી અને કમ્યૂનિટી લોકો દ્વારા ખોટી માહિતી પ્રકાશિત કરવાનું ષડ્યંત્ર રચવામાં આવે છે. ફેસબૂકનો ઉપયોગ યૂક્રેન પર રશિયાના આક્રમણથી લઇને કોરોના મહામારી અને ચૂંટણી સમયે ખોટી માહિતી ફેલાવવા માટે થાય છે. જેના કારણે ફેસબૂક પર વિશ્વના જુદા જુદા દેશોની સરકાર દ્વારા સતત દબાણ વધારવામાં આવી રહ્યું છે. જેથી ફેસબૂક દ્વારા આ નવું ફીચર લૉન્ચ કરવામાં આવી રહ્યું છે.
સસ્પેન્ડ ટૂલથી કોમેન્ટ કરવાથી પણ રોકી શકાશે
પ્લેટફોર્મ દ્વારા તાજેતરમાં એક સસ્પેન્ડ ટૂલનું અપડેટ પણ આપવામાં આવ્યું છે. જેના ઉપયોગથી એડમિનિસ્ટ્રેટર ગ્રૂપને અસ્થાયી રીતે અન્ય કોઇ ગ્રૂપ પર પોસ્ટ કરવા, કમેન્ટ કરવાથી રોકી શકશે. નવા સભ્યોને ગ્રૂપમાં જોડવા ફેસબૂક દ્વારા એક ક્યૂઆર કોડ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં અન્ય સભ્યોને ગ્રૂપમાં જોડવા માટે ઇ-મેલ મારફતે ક્યૂઆર કોડ મોકલવાથી તેઓ પણ ગ્રૂપમાં જોડાઈ શકશે.