દરેક વ્યક્તિને સારું જીવન જ ગમે છે. કોઈને ભૂખમરો કે ગરીબી પસંદ નથી.દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે, કે તેના બાળકો સારું શિક્ષણ મેળવે, પૌષ્ટિક આહાર મેળવે, સ્વસ્થ રહે અને મોટા થઈને સારા નાગરિક બને. દરેકેને સારી અને સલામત નોકરી અથવા કામ ગમે છે. કોઈને બેકારી નથી ગમતી. પોતાનું શોષણ થાય અથવા પૂરતું વેતન ન મળે તે કોને ગમે?
આમ છતાં આ બધું મોટાભાગના લોકો માટે માત્ર સ્વપ્ન જ છે. ભારતમાં 90% મજૂરો અને કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. જ્યાં નથી તેમની કોઈ સલામતી કે નથી કોઈ સુરક્ષા. આ બધાં દુઃખો તેમના માથા પર લખી દેવામાં આવ્યા છે. “લખી દેવામાં આવ્યા છે” તેના બદલે તેમ કહો કે કોતરી દેવામાં આવ્યા છે. કોરોનાવાયરસના કારણે જાહેર કરેલા લોક્ડાવુંનમાં સ્પષ્ટ દ્રશ્ય જોવા મળ્યું. કામ વગરના થયેલા મજૂરો અને કામદારો પગપાળા ઘર તરફ પલાયન કર્યું.
રસ્તામાં તેમના અકસ્માતોના……. પોલીસની હેરાનગતિના સમાચારો દરરોજ આવતા રહે છે. લોક્ડાવુંન જાહેર થયાના આટલા દિવસો બાદ પણ.... આજે પણ પગપાળા જતા લોકોના સમાચારો આવી રહ્યા છે. આમાંના કોઈ રસ્તામાં બીમારીને કારણે મૃત્યુ પામ્યા, તો કોઇ વળી અકસ્માતમાં કચડાઈને. ઘણા તો પોતાના નાના બાળકો લઈને ચાલી રહ્યા છે. આ બધું હું રોજ નજરે જોઈ રહ્યો છું. મારું ઘર “અમદાવાદ સુરત હાઇવે’ પર જ છ. દરરોજ મોટા મોટા બેગ લઈને ચાલતા જતા કામદારો અને મજૂરો દેખાય છે.
શું આ લોકો પોતાનું વતન છોડી મજૂરી કરવા આવ્યા તે ભૂલ છે? આ બધા લોકો પોતાનું અને પોતાના પરિવારનું જીવન સુધારવાની આશા લઈને, પોતાના વતનથી મજૂરી કરવા આવ્યા હતા.
પણ કોરોના વાયરસની મહામારી એ દેખાડી આપ્યું કે ભારતીય મજૂરો અને કામદારો પ્રત્યે સરકારો અને ઉચ્ચ મધ્યમ વર્ગનો અભિગમ શું છે. આવા નિરાશાજનક સમયે, જ્યારે ચારમાંથી ત્રણ વ્યક્તિ પર બેકારીની તલવાર લટકી રહી છે, ત્યારે સરકાર દ્વારા પોતાની સામાજિક જવાબદારી નિભાવવાના બદલે, મજૂરો-કામદારોની મદદ કરવાના બદલે, “ લેબર લો “ એટલે કે શ્રમ કાયદાઓ શિથિલ કરીને, રદ કરીને, કામદાર વર્ગ પર હુમલો કરવાનું ચાલુ કર્યું છે. આની અસર તે દરેક વ્યક્તિ ઉપર થશે છે, જે નાની-મોટી નોકરી કરી રહ્યો છે. આની અસર નાના પાયા પર વેપાર ધંધો કરતા લોકો ઉપર પણ થવાની…...
ભારતનો “લેબર લો” જટિલ અને ખૂબ જ ગૂંચવણ ભર્યો છે. આટલો જટિલ અને ગૂંચવણ ભર્યો હોવા છતાં, તે કાગળ ઉપર પણ પુરતો નથી. જો આ શ્રમ કાયદાઓનું કડક રૂપે પાલન કરવામાં આવે, તો પણ તે કામદાર વર્ગનું રક્ષણ કરી શકે તેમ નથી. કોંગ્રેસની સરકારોએ “લેબર લો” માત્ર કાગળ પર શોભાના ગાંઠિયા બની રહે…. તેનું પાલન ન જ થાય, અને શોષણ માટે ખુલ્લી છૂટ મળી રહે તે કર્યું. ભાજપની સરકારે તે જ કામ આગળ વધાર્યું.
આમ કોંગ્રેસ હોય કે ભાજપ, મજૂરો- કામદારો માટે એક નાગનાથ તો બીજો સાપનાથ .. કેટલાક નકલી વામપંથી કોંગ્રેસનું સમર્થન કરી રહ્યા છે, તે બીજું કંઈ નહીં પણ ગદ્દારી છે. કોંગ્રેસ અને ભાજપ આ બાબતમાં એક જ સૈન્યની જુદી જુદી બટાલિયન છે. તેમાં કોઈ ફરક નથી….
આની પહેલાની પોસ્ટમાં મેં ભારતના “લેબર લો” ને મેં “ઊધઈ ખાધેલા લાકડાની” સાથે સરખામણી કરી હતી. અને તે યોગ્ય જ છે. પણ હવે તો આને પણ સરકાર દૂર કરવા જઈ રહી છે. સરકારને અને તેને ચૂંટણી ફંડ આપનારા ઉદ્યોગપતિઓને “ઊધઈ ખાધેલા લાકડાની” પાછળ છૂપાઇ તે પણ નથી ગમતું. તેઓ એક પણ સલામત જગ્યા રાખવા માગતા નથી. તો “લેબર લો” માં સુધારો કરવામાં આવ્યો. અને તે પણ કોરોનાવાયરસની મહામારીની વચ્ચે, કે જ્યારે પૂરતા પ્રમાણમાં વિરોધ ન થઈ શકે. એક રીતે જોતા સાવચેતી અને ગણતરીપૂર્વકનો સમય પસંદ કરવામાં આવ્યો છે. આ “લેબર લો” માં સુધારો એટલે કે “લેબર લો” જ નાબૂદ કરી દેવાના.
મજૂરો અને કામદારો માટે આ “સુધારો” નહીં, પણ કુધારો છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારે આવો કુધારો ચાલુ કર્યા બાદ, ભાજપ કેમ પાછળ હોય…... અને તેમાં ગુજરાત પાછળ રહે તે કેમ ચાલે?? તો બધાએ નક્કી કર્યું, “અલ્યા, મજૂરોને આઠ કલાકના બદલે બાર કલાક કામ તો કરાવીએ જ છીએ, તો હવે કાયદેસર રીતે 12 કલાક કરી નાખો.” ભારતના મજૂરો આમ પણ ક્યાં માણસ છે… મજુર યુનિયન હવે ક્યાં રહ્યું છે? માત્ર કાગળ ઉપર જ મજૂર યુનિયન બનાવવાનો હક છે. એ પણ હવે કાયદેસર રીતે દૂર કરવો જોઈએ. તો આ “સુધારો” (કુધારો) રાજ્ય સરકારોએ પસાર કર્યો.
“લેબર લો”માં સુધારો થવો જોઈતો હતો પણ તે કામદાર વર્ગના હિતમાં. તેના બદલે ખુલ્લી છૂટ આપી દેવામાં આવી, જેટલું શોષણ કરવું હોય તેટલું કરો.
કેટલાક મહાન “દેશભક્ત” ( જે કોઈ પણ રીતે દેશભક્ત નથી) લેખકો લખે છે, કે “આપણે આ સુધારો બહુ પહેલા કરી નાખ્યો હોત, તો આજે ચીન જેવો “ગ્રોથ” હોત.”
હવે આ “દેશભક્તોને” શું કહેવું? ચીનમાં જે “ગ્રોથ” દેખાઈ રહ્યો છે, તે સાબુના પરપોટા જેવો છે….અને તે સાબુનો પરપોટો એક વખત જરૂર ફૂટવાનો. ચીનમાં કોઈ જાતના અધિકાર નથી. ત્યાં કોઈ જાતની સરકારની ટીકા થઈ શકતી નથી. શું તમે ત્યાં કારખાનાઓમાં મજૂર બનવા માંગો છો?...... એકવાર તમારી જાતને તેવી પરિસ્થિતિમાં વિચારી અને પછી પ્રમાણિકતાથી જવાબ આપજો. મજૂરો અને કામદારોનું શોષણ કરી તમે “ગ્રોથ” મેળવવા માગો છો, પણ તમે તો મજૂરો કે કામદાર બેમાંથી એક પણ નથી. તમે તો એશો-આરામથી જીવનારા પરોપજીવી છો. તો તમે થોડાક દિવસ મજૂરી કરીને કે કોઈ નોકરી કરીને જ અનુભવ કા નથી કરતા. વ્યાસપીઠ ઉપર બેસીને ઠંડુ પાણી પીયને ઉપદેશો આપવા સરળ છે. પણ તે બીજાને દેવાના હોય ત્યારે... પોતે કા અમલ નથી કરતા?
રાષ્ટ્ર માત્ર જમીનનો ટુકડો નથી. રાષ્ટ્ર તેમાં વસનારા લોકોથી બનતું હોય છે. રાષ્ટ્રનો વિકાસ તેમાં વસનારા લોકોના વિકાસથી થતો હોય છે. ચંદ, આંગળીના વેઢે ગણાય તેટલા લોકો પૈસાદાર બનતા રહે અને બાકીની બહુમતી ગરીબમાં અને બેકારીમાં જીવતી રહે….. તો તેને વિકાસ ન કહેવાય. તેને અધોગતિ કહેવાય. અને ચીનમાં આ જ થયું છે, અને થઈ રહ્યું છે. ચીનનો “ગ્રોથ” તે માનવીય શોષણ અને પર્યાવરણના પ્રદૂષણથી થયો છે. HJR