ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકોર બોલે છે, "શુદ્રને શુદ્ર કહેવામાં આવે તો ખોટું લાગે છે..આમાં ખોટું શું છે?".. આ વાક્ય સાધ્વી પ્રજ્ઞાનું માનસિક સ્તર બતાવે છે. પણ પ્રશ્ન થાય છે, "પોતાની જાતને "કટ્ટર હિન્દુ" કહેનારા આટલા બધા માનસિક રીતે દરિદ્ર હશે?"..
હમણાં થોડા સમય પહેલાં જ ઉત્તર પ્રદેશના યોગીજીએ દલિત દીકરીના બળાત્કારીઓને બચાવવા માટે આકાશ પાતાળ એક કર્યું હતું. ત્યારે યોગી આદિત્યનાથનો વિરોધ કરનારા લોકો પર, પોતાની જાતને રાષ્ટ્રવાદી કહેનારા (સ્વઘોષિત રાષ્ટ્રવાદીઓ) લોકોએ બેફામ ગાળાગાળી કરી હતી. ચીનના એજન્ટ, નક્સલવાદી વગેરે સર્ટિફિકેટ આપવા માંડ્યા હતા.
આપણે આ માનસિકતાને સમજવી પડશે. આ માનસિકતા ધર્મના નામ ઉપર દલિતો, આદિવાસીઓ, વંચિતો પ્રત્યે માત્ર નફરત ધરાવે છે. તેણે માત્ર હિન્દુત્વનો નકાબ પહેર્યો છે. હિન્દુસ્તાનના વિભાજન માટે આ જાતિવાદી માનસિકતા જ જવાબદાર છે. ધર્મના નામ ઉપર આભડછેટ, છૂતઅછૂત, અને આવા ન જાણે કેટલા કેટલા વાહિયાત અને માનવતાવિરોધી વિચારો પ્રચારિત કરવામાં આવ્યા. દલિતો, આદિવાસીઓ પ્રત્યે માત્ર નફરત કરતા જ શીખવાડ્યું. પરિણામે પ્રજા એક ન થઈ શકી. જે હિંદુ ધર્મમાં પોતાના ધર્મના ભાઈઓને જ અસ્પૃશ્ય મનાતા હોય, તેના સ્પર્શમાત્રથી અભળાય જવાતું હોય, તે ધર્મના અનુયાયીઓ કેવી રીતના બીજા ધર્મનાં કટ્ટરપંથીઓનો એક થઈને સામનો કરી શકે?
સાધ્વી પ્રજ્ઞા હોય કે યોગી આદિત્યનાથ, કે ભગવા કપડાં પહેરેલા મોટાભાગના તથાકથિત મહાપુરુષો. શા માટે દલિતો અને આદિવાસીઓ પ્રત્યે આટલી નફરત રાખે છે?... ભગવા કપડાંને ત્યાગનું પ્રતીક માનવામાં આવે છે. તેને વૈરાગ્યનો રંગ કહેવામાં આવે છે. ભગવા પહેરનારને કોઈ પારકું કે કોઈ પરાયું નથી હોતું. સન્યાસી માટે સંપૂર્ણ વિશ્વ પોતાનું હોય છે.
પણ આ બધી વાતો એ.સી. વાળી વ્યાસપીઠ ઉપર બેસીને ઉપદેશ આપવા માટે સારી છે. અને માત્ર ઉપદેશ જ આપવામાં આવે છે. વાસ્તવમાં જો આનો એક ટકો પણ અમલ કરવામાં આવતો હોત, તો આજે પરિસ્થિતિ જુદી હોત.
બાકી સ્વમાન સાથે જીવવાની આ તથાકથિત મહાપુરુષોને શું ખબર?. શુદ્રને શુદ્ર કહો તો દુઃખ થાય. કારણ કે તે એવા માતા-પિતાના બાળક તરીકે જન્મ્યો છે, જે કહેવાતા ઉચ્ચ વર્ણના નથી... જે બ્રાહ્મણ નથી. સામાજિક વ્યવસ્થાએ તેના માતા-પિતા ઉપર નિમ્ન જાતિના હોવાનો સિક્કો મારી દીધો છે. અને તે તેને વારસામાં મળ્યો છે. તેના પૂર્વજોને પણ આ જ રીતના નિમ્ન પ્રકારના કામો કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આવા પરિવારમાં જન્મેલા બાળકનો શું વાંક?? જે રીતના બ્રાહ્મણના ઘરમાં જન્મેલા બાળકને જન્મતાની સાથે જ પવિત્રતાનું સર્ટિફિકેટ મળી જાય છે. તેમ શૂદ્ર, દલિત અને આદિવાસીના ઘરમાં જન્મેલા બાળકને કલંકનું, અપમાનનું ભાગ્ય હિન્દુ સમાજ આપે છે.
અરે, આ ભગવા કપડાં પહેરેલા આ સાધ્વીને શું ખબર કે એક શૂદ્ર, એક આદિવાસીના ઘરે જન્મેલા હોવા માત્રથી કેટલા-કેટલા અપમાનો સહન કરવા પડે? હિન્દુ સમાજ તેને કેવી નજરે જોવે? "અરે તે આદિવાસીઓમાં, દલિતોમાં આવું જ હોય"...
પણ તે મહેસૂસ કરવા માટે લાગણીઓ જોઈએ... હૃદય જોઈએ. પણ જાતિવાદી મનુષ્ય પાસે નથી લાગણીઓ કે નથી હ્રદય.
આખરે આ "હિંદુ રાષ્ટ્રનો" શું અર્થ છે? તે બરાબર સમજી લેવાની જરૂર છે. ભગવાં કપડાં પહેરેલા આ લોકો માત્ર ભગવાં કપડાં પહેરેલા જ છે. તેનાથી વિશેષ કંઈ હોય તેવું લાગતું નથી.. જે લાગણીશીલ લોકો "હિંદુ રાષ્ટ્રની" વાતોમાં આવી ગયા છે, તેઓએ ચેતવાની જરૂર છે. આ હિન્દુ રાષ્ટ્ર નથી મજદૂરો, કામદારોનું કે નથી ઉજ્જવળ ભવિષ્યની આશા રાખનાર આ યુવાનો યુવતીઓનું. અને આ ભ્રમમાંથી બને તેટલા જલ્દી બહાર આવી જવાની જરૂર છે.
કારણકે ભૂતકાળમાં વર્ણવ્યવસ્થાના નામ ઉપર મોટાભાગની જનતાને ગરીબીમાં, ભૂખમરામાં સબડતી રાખવાનું કામ આ લોકોએ જ કર્યું. પશુ કરતાં પણ બદતર વર્તન પોતાના જ ધર્મના ભાઈઓ સાથે આ લોકોએ જ કર્યું હતું. આ ત્યાગની વાતો કરનારાઓ, સ્ત્રીઓનો ચહેરો પણ ન જોનારા તથાકથિત બ્રહ્મચારીઓ, શું હવે સુધરી ગયા છે? તેવું લાગે છે?. હજી તેમના મનમાં વર્ણવ્યવસ્થાને લાગુ કરવાના સપના તો છે જ. તે જ નફરત અને ધૃણા હજી પણ છે.
અને જો આ ખોટું હોય તો હિંદુ રાષ્ટ્રની વાતો કરનારા કેમ હંમેશા દલિતો, આદિવાસીઓ, વંચિતો પ્રત્યે નફરત અને ધૃણા ફેલાવતા રહે છે? જાતિવાદને, વર્ણવ્યવસ્થાને નાબૂદ કરવાના બદલે "આવું હવે રહ્યું નથી" વગેરે જેવી વાહિયાત અને પાખંડી વાતો કરીને તેનો બચાવ કરવા મંડી પડે છે?
હિન્દુ એકતાનો ઝંડો ઉપાડનાર રાજકીય પક્ષ શું સાધ્વી પ્રજ્ઞા ઉપર કોઈ પગલાં લેશે? સંભાવના તો નથી લાગતી. નહિતર સાધ્વી પ્રજ્ઞા જેવા આવું બોલવાની હિંમત પણ ના કરત.. પણ અંદરખાને તો આજ વાસ્તવિકતા લાગે છે...