માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી,
આજે "માનનીય" સંબોધન કરતા મારા હાથ ધ્રૂજી રહ્યા છે. તમે સમજી શકશો આ વાત. મને ખબર છે, તમે ચૂંટણીઓ જીતવાના હવામાનમાં એટલા વ્યસ્ત રહો છો, કે સામાન્ય માનવની જિંદગી પ્રત્યે તમને ભાગ્યે જ ખ્યાલ આવતો હોય છે. મજદૂરો,કામદારો અને ગરીબ જનતા તમારા માટે અસ્તિત્વ ધરાવતી હોય તેવું લાગતું નથી!
વીતેલા વર્ષે તમે કહ્યું હતું, "કોરોના સામે જીતવા લોકડાવુન જરૂરી છે." કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર તમે ટીવી ઉપર આવી, લોકડાવુનની જાહેરાત કરી દીધી. પરિણામે મજદુરો અને ગરીબ જનતા ઉપર આભ ફાટી પડ્યું. એકાએક તેમની હાલત પસ્તીના કાગળ જેવી થઈ ગઈ. તમારી જાહેરાત સાથે જ તેમના નોકરી-ધંધા બંધ થઈ ગયા. મકાનનું ભાડું ભરવાના પૈસા ન રહ્યા, ખાવા માટે અન્ન લેવાના પૈસા ન રહ્યા. આવી કપરી પરિસ્થિતીમાં મજદુરો, કામદારો, ગરીબ જનતાને તમે કોઈપણ પ્રકારની મદદ કરવાનો પ્રયત્ન પણ ન કર્યો. નછૂટકે ગરીબ મજદુરોએ પોતાના વતન તરફ પલાયન કરવું પડ્યું. અને તેમાં પણ હદ ઉપરનો ત્રાસ સહન કરવો પડ્યો. ચાલતા-ચાલતા ઘણા તો પોતાના ઘર સુધી પહોંચી જ ના શક્યા. રસ્તામાં જીવ ગુમાવી દીધો. આટલી અમાનવીય પરિસ્થિતિ હોવા છતાં, તમારી સરકાર પાસે આ વિશે કોઈ આંકડાઓ જ નથી. આ કેટલું ગંભીર કહેવાય!!
તમે મોટા ઉપાડે કહ્યું હતું, "કોઈને નોકરીમાંથી કાઢવામાં નહિ આવે. કોઈનો પગાર કાપવામાં નહીં આવે."
તમારી આ વાતનો એક ટકો પણ અમલ થયો નથી. મોટાભાગના લોકો રોજમદારી પર કામ કરનારા છે. તેમની પાસે સ્થાયી નોકરી છે જ નહીં. એટલે જે દિવસે મજૂરી/ કામ ઉપર ન આવે, તે દિવસના પૈસા ન મળે. પણ તમે તમારી આ વાતને થોડાક દિવસમાં જ ફેરવી નાખી. "કંપનીઓને લાગે તો પગાર આપે, નહીં તો વાંધો નહીં"
આ તમારું વલણ કેવું કહેવાય? આમ, છતાં તમારા આ વિશ્વાસઘાતને એવું માનીને સહન કરી લીધો કે એક વખત કોરોના સામે જંગ જીતી લઈએ, પછી બધી વાત. જીવતા હશું તો બધુ થશે. પણ તમે ત્યાં જ બીજો વિશ્વાસઘાત કર્યો. કાગળ ઉપર માત્ર દેખાવના, નબળા "લેબર લો", જે મજદુરો કામદારોને આછું-પાતળું રક્ષણ આપતા હતા, તે પણ તમે છીનવી લીધા. મજદૂરો, કામદારોને ગુલામ બનાવવા માટે કાયદાઓ બનાવી નાખી, તેમના લોહીનું છેલ્લું ટીપું પણ ચૂસી લેવાની વ્યવસ્થા કરી નાખી.
તમારી IT સેલે આ નિર્ણયને "રાષ્ટ્ર મજબૂત કરવા માટેનું જરૂરી પગલું ગણાવ્યું છે!!!" આ કેવું રાષ્ટ્ર નિર્માણ કરવાનું તમે ચાલુ કર્યું છે? જેમાં મજદૂરો,કામદારોને મળતું આછું- પાતળું, નબળું રક્ષણ પણ છીનવી લેવામાં આવે!! તમારા વિશ્વાસઘાતની વ્યથા અને દુઃખ હજી ઓછા નહોતા થયા. કોરોના હજી ચાલ્યો નહોતો ગયો. ત્યાં જ તમે, મોદીજીએ લાખો માણસોની ભીડ ભેગી કરી. તમારા પક્ષના નાના-મોટા દરેક નેતાએ પણ લોકોના ટોળાઓ ભેગા કર્યા. તેમાં કોઈએ સોશિયલ ડિસ્ટન્સનુ પાલન ન કર્યું. કોઇએ માસ્ક પહેર્યો ન હતો. આ તમારી લાપરવાહી, બેજવાબદારી નથી?
નિષ્ણાંતોએ, વૈજ્ઞાનિકોએ તમને સલાહ આપી હતી. દુનિયાના મોટાભાગના દેશોએ ભારત વિશે ચિંતા વ્યક્ત કરી હતી. મોદીજી તમે તેને ગંભીરતાથી લેવાના બદલે, રાષ્ટ્રીય ટીવી ઉપર આવી, તમે મોદીજીએ બધાને ટ્રોલ કર્યા. તેમની મજાક ઉડાવી.
"કોરોના સામે જ જંગ જીતી લીધો છે" એવી વાતો કરી. અને ભારતને મોતના મુખમાં ધકેલી દીધો. ત���ારે આવી જાહેરાતો કરવાની, ચૂંટણીઓમાં ટોળાઓ/લાખોની ભીડ ભેગી કરવાની જરૂર નહોતી. તમારા કારણે સામાન્ય માણસોમાંથી, જનતામાંથી કોરોનાનો ભય ચાલ્યો ગયો. એટલે જ બધા બેફિકર થઈ ગયા. પણ સામાન્ય જનતાને ક્યાં ખબર હતી, તમે માત્ર જૂમલાઓ જ ઉછાળો છો. "કોરોના સામે જંગ જીતી લેવાનો, માણસજાતને, પુરા વિશ્વને મહામારી ઉગારી લેવાનો તમારો દાવો" કેટલો વાહિયાત અને અર્થવગરનો હતો, તે તો આજે બધાને ખબર પડી ગઈ છે. તમારા આ વલણના કારણે કોરોના વાયરસે લાશોના ઢગલાઓ ખડકી દીધા છે... ખડકી રહ્યો છે. પણ તમને કંઈ થાય છે? મને નથી લાગતું કે તમે પોતે કંઈ અનુભવી રહ્યાં હોવ. દરેક જગ્યાએથી ઓક્સિજન, દવાઓ, ઇન્જેક્શનોની અછતના સમાચાર આવી રહ્યા છે. દરરોજ મેડિકલ સુવિધાઓના અભાવના કારણે માણસો મરી રહ્યા છે. લાખો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કરોડો લોકો બેરોજગારી અને ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આવા સમયે તમારે તમારી ભૂલ સ્વીકારવી જોઈએ. ઓક્સિજન, દવાઓ વગેરે મેડિકલ સુવિધાઓ તત્કાલ ઉપલબ્ધ કરાવવી જોઈએ. આ મહામારી સામે તમારી પાસે કોઈ આયોજન કે પ્લાન હોય, તેવું લાગતું નથી.
માત્ર "અમે ખૂબ જ કામ કરી રહ્યા છીએ" એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ તો અધઃપતનની પરાકાષ્ટા કહેવાય. મોદીજી તમારે કમસેકમ આ તમારી ભાજપના ભક્તોની IT સેલ તો બંધ જ કરી દેવી જોઈએ.
ઝેરીલો અને માનવતાને પણ શરમાવે તેવો પ્રચાર ચાલી રહ્યો છે. જીવતા માણસની કોઈ કિંમત નથી, પણ મરનાર પ્રત્યેતો સંવેદના રાખવી જોઈએ. "આયેગા તો મોદી હી" જેવા નારાઓ કરનારને શું કહેવાય?
મોદીજી, તમારા કેહવા પ્રમાણે, તમે પોતે એક વખત સ્ટેશન ઉપર ચા વેચતા હતા. તો પછી તમે શા માટે સામાન્ય મજદુરોની, ગરીબજનતાની મુશ્કેલીઓને સમજી નથી શકતા? પ્રચાર કરવાથી ચૂંટણી તો જીતી શકાય, માણસોને મૂર્ખ બનાવી શકાય. પણ કોરોના જેવી મહામારીનો સામનો કરી શકાય નહીં.
આશા છે કે તમે નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રધાનમંત્રી પદ ઉપરથી રાજીનામું આપશો.
આપનો દેશવાસી
હર્ષદ રાઠોડ.