ટાઇટલ માટેની પ્રબળ દાવેદાર ઇંગ્લેન્ડની ટીમ વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં શનિવારે સુપર–12 તબક્કાના ગ્રૂપ–એના મુકાબલામાં પોતાની પરંપરાગત હરીફ ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઊતરશે ત્યારે બંને ટીમોને ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત કપરા પડકારનો સામનો કરવો પડશે. બંને ટીમો બે–બે વિજય મેળવીને આ મુકાબલામાં ટકરાવાની હોવાથી એકબીજા ઉપર હાવી થવાનો પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયાને સાઉથ આફ્રિકા સામે સંઘર્ષ કરવો પડયો હતો પરંતુ શ્રાીલંકા સામે આસાન વિજય હાંસલ કર્યો હતો. શ્રાીલંકા સામેની મેચમાં ઓપનર એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરની જોડી ફોર્મમાં પરત ફરતા ઓસ્ટ્રેલિયાની બેટિંગ વધારે મજબૂત બની છે. આ મુકાબલો સાંજે 7ઃ30 કલાકથી રમાશે.
આ ઉપરાંત બોલિંગમાં પણ તેની પાસે વધારે વિકલ્પો છે. ઇંગ્લેન્ડ આત્મવિશ્વાસથી પણ સભર છે. ઓસ્ટ્રેલિયા માટે જોશ હેઝલવૂડ, મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સની પેસ ત્રિપુટીની સાથે લેગ સ્પિનર એડમ ઝમ્પાએ પણ અપેક્ષા મુજબનો દેખાવ કર્યો છે. ગ્લેન મેક્સવેલ તથા માર્કસ સ્ટોનિસનું ફોર્મ ઓસ્ટ્રેલિયા માટે થોડુંક ચિંતાજનક છે. સ્ટોનિસે શ્રાીલંકા સામે ચાર ઓવરમાં 51 રન આપી દીધા હતા. ઇંગ્લેન્ડની ટીમે વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ સામે આસાન વિજય મેળવ્યા હતા પરંતુ તેને ઓસ્ટ્રેલિયા તરફથી જોરદાર પડકાર મળે તેવી પૂરી સંભાવના છે. બંને મેચમાં બોલિંગની શરૂઆત કરનાર મોઇન અલી ચુસ્ત સ્પેલ નાખે છે અને તેણે ચાર વિકેટ ઝડપી છે. લેગ સ્પિનર આદિલ રશીદ બાંગ્લાદેશ સામે સારી બોલિંગ કરી શક્યો નહોતો પરંતુ તે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પરેશાન કરી શકે છે.