ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ 2021નો ખિતાબ જીતી લીધો છે. પાંચ વખતની વનડે વર્લ્ડ કપની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા માટે આ પહેલો T20 વર્લ્ડ કપ છે. દુબઈમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં એરોન ફિન્ચની આગેવાની હેઠળની ટીમે ન્યુઝીલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ જીત બાદ જશ્ન મનાવ્યો હતો. વિમાનમાં પણ ટીમની ઉજવણી ચાલુ રહી.
ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 173 રનની જરૂર હતી. ઓસ્ટ્રેલિયાની જીતમાં મિશેલ માર્શ અને ડેવિડ વોર્નરની અડધી સદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જીત બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ એકબીજા પર શેમ્પેન અને બીયરની છોળો ઉડાડી હતી.
આ જીત સાથે ઓસ્ટ્રેલિયા ટી20 વર્લ્ડ કપ પહેલા સતત પાંચ દ્વિપક્ષીય સીરીઝમાં હારનું દુ:ખ પણ ભૂલી ગયું. ઓસ્ટ્રેલિયન ટીમના સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સ્ટીવ સ્મિથે એડમ જમ્પાના વખાણ કરતા સેલ્ફી પણ પોસ્ટ કરી છે.
આ સાથે એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી મેથ્યુ વેડ અને માર્કસ સ્ટોઈનિસ જૂતામાં બીયર પી રહ્યા છે. બંને ખેલાડીઓ જશ્નમાં ડૂબેલા હતા.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કેપ્ટન કેન વિલિયમસને 48 બોલમાં 85 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી અને કેપ્ટન એરોન ફિન્ચ માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ પછી મિશેલ માર્શ અને ડેવિડ વોર્નરની જોડીએ આક્રમક બેટિંગ કરી અને ટીમને જીતના ઉંબરે પહોંચાડી. વોર્નર 53 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ માર્શે 50 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા. બીજી તરફ ગ્લેન મેક્સવેલ 18 બોલમાં 28 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.
શુઇ શું છે?
જૂતામાં નાંખીને પીવાનું એ ઐતિહાસિક રીતે સારા નસીબ લાવવા કે દુ:ખ અથવા પાર્ટી કરવાના એક પ્રકાર તરીકે ગણવામાં આવે છે. મહિલાઓના ચપ્પલથી શેમ્પેન પીવું તો તેને 20મી સદીની શરૂઆતમાં પતનનું કારણ મનાય છે. આ પ્રેક્ટિસ ઓસ્ટ્રેલિયામાં હજી સુધી લોકપ્રિય છે. અહીં તેને શૂઇ કહેવાય છે.