ખેડૂતોના વિરોધ બાદ કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદા રદ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે ફરીવાર તેને લઈને ચર્ચા શરૂ થઈ રહી છે. વાત એમ છે કે, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શુક્રવારે મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું. જેને લઈને હવે ફરીથી અટકળો થવા લાગી છે કે શું કૃષિ કાયદા ફરી લાગુ કરવામાં આવશે.
ખેડૂતો ભારતની કરોડરજ્જુ
હકિકતમાં તોમરે જણાવ્યું હતું કે દેશભરના લાખો ખેડૂતોના વિરોધ પછી સરકાર દ્વારા ગયા મહિને પાછા ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને સુધારી શકાય છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, અમે માત્ર એક ડગલું પાછળ હટ્યા છીએ, પછી આગળ વધીશું કારણ કે ખેડૂતો ભારતની કરોડરજ્જુ છે. સરકાર આગળનું વિચારી રહી છે.
અમે ફરીથી આગળ વધીશું
કેન્દ્રીય મંત્રી તોમરે આગળ કહ્યું કે, વિવાદાસ્પદ કાયદાને રદ કરવા માટે કેટલાક લોકોને દોષી ઠેરવ્યા. કૃષિ મંત્રીએ કહ્યું કે અમે એગ્રીકલ્ચર એમેન્ડમેન્ટ એક્ટ લાવ્યા, પરંતુ કેટલાક લોકોને આ કાયદો પસંદ ન આવ્યો. આઝાદીના 70 વર્ષ બાદ પીએમ મોદીના નેતૃત્વમાં આ એક મોટો સુધારો હતો. પરંતુ સરકાર જરાય નિરાશ નથી. અમે એક પગલું પાછળ હટી ગયા છીએ, અમે ફરીથી આગળ વધીશું.
19 નવેમ્બરે રદ થયા હતા કૃષિ કાયદા
તમને જણાવી દઈએ કે, 19 નવેમ્બરના રોજ, પીએમ મોદીએ યુપી અને પંજાબમાં ચૂંટણીના ત્રણ મહિના પહેલા ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. જો કે અચાનક સરકારની આ જાહેરાત બાદ વિપક્ષે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. વિપક્ષે ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માટે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.