એર ઈન્ડિયા હવે ટાટા ગ્રુપની થઈ ગઈ છે. ટાટા ગ્રુપે બોલી જીતી લીધી છે. સરકારે ટાટા સન્સની બોલીનો સ્વીકાર કર્યો છે. સરકારે એમાં 100 ટકા હિસ્સો વેચવા માટે ટેન્ડર મગાવ્યું હતું. એર ઈન્ડિયાની બીજી કંપની એર ઈન્ડિયા સેન્ટ્સ (AISATS)માં સરકાર એની સાથે 50 ટકા હિસ્સો વેચશે. જોકે આ અહેવાલ પ્રસિદ્ધ થયા પછી તે ખોટા હોવાની માહિતી DIPAMએ ટ્વિટ દ્વારા આપી છે.
આ અંગે એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયા માટેની બોલી ભારત સરકારે ફાઈનલ કરી હોવાના મીડિયાના અહેવાલો ખોટા છે. આ અંગે સરકાર જ્યારે પણ નિર્ણય લેશે ત્યારે મીડિયાને જાણ કરવામાં આવશે.
Media reports indicating approval of financial bids by Government of India in the AI disinvestment case are incorrect. Media will be informed of the Government decision as and when it is taken. pic.twitter.com/PVMgJdDixS
— Secretary, DIPAM (@SecyDIPAM) October 1, 2021
એર ઈન્ડિયા માટે જે કમિટી બની છે એમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને એવિએશનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાની રિઝર્વ પ્રાઇસ 15થી 20 હજાર કરોડ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી હતી.
ટાટા ગ્રુપે સ્પાઈસજેટના ચેરમેન અજય સિંહ કરતાં વધુ બોલી લગાવી હતી. આ રીતે લગભગ 68 વર્ષ પછી એર ઈન્ડિયાની માલિકી ફરીથી ટાટા ગ્રુપની થઈ છે. એર ઈન્ડિયા માટે બોલી લગાવવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર હતી. એ પછી જ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ટાટા ગ્રુપ એર ઈન્ડિયાને ખરીદી શકે છે.
1932માં ટાટાએ શરૂ કરી હતી એર ઈન્ડિયા
ટાટા ગ્રુપે 1932માં એર ઈન્ડિયાને શરૂ કરી હતી. ટાટા ગ્રુપના જે.આર.ડી.ટાટા તેના ફાઉન્ડર હતા. તેઓ પોતે પાયલોટ હતા. ત્યારે એનું નામ ટાટા એર સર્વિસ રાખવામાં આવ્યું હતું. 1938 સુધીમાં કંપનીએ તેની ઘરેલુ ઉડાનો શરૂ કરી દીધી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી એને સરકારી કંપની બનાવવામાં આવી. આઝાદી પછી સરકારે એમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
મુંબઈની ઓફિસ પણ ડીલમાં સામેલ
આ ડીલ અંતર્ગત એર ઈન્ડિયાની મુંબઈ સ્થિત હેડ ઓફિસ અને દિલ્હીનું એરલાઈન્સ હાઉસ પણ સામેલ છે. મુંબઈની ઓફિસની માર્કેટ વેલ્યુ 1500 કરોડ રૂપિયાથી વધુ છે. હાલ એર ઈન્ડિયા દેશમાં 4400 અને વિદેશોમાં 1800 લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટને કન્ટ્રોલ કરે છે.
ભારેખમ ઋણ હેઠળ દબાયેલી છે કંપની
ભારે ઋણ હેઠળ દબાયેલી એર ઈન્ડિયાને ઘણાં વર્ષોથી વેચવાની યોજનામાં સરકાર નિષ્ફળ રહી છે. સરકારે 2018માં 76 ટકા હિસ્સો વેચવા માટે બોલી મગાવી હતી. જોકે એ સમયે સરકારે મેનેજમેન્ટ કન્ટ્રોલ પોતાની પાસે રાખવાની વાત કહી હતી. જોકે એ સમયે કોઈએ રસ ન દાખવતાં સરકારે મેનેજમેન્ટ કન્ટ્રોલની સાથે એને 100 ટકા વેચવાનો નિર્ણય કર્યો. જોકે મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે 15 સપ્ટેમ્બર પછી બોલી લગાવવાની તારીખને વધારવામાં આવશે નહિ.
વર્ષ 2000થી વેચવાની થઈ રહી છે કોશિશ
એર ઈન્ડિયાને સૌથી પહેલા વેચવાનો નિર્ણય 2000માં કરવામાં આવ્યો હતો. આ એ વર્ષ હતું, જ્યારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન(રાજગ) સરકારે મુંબઈની સેન્ટોર હોટલ સહિતની ઘણી કંપનીઓનું ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. એ સમયે અરુણ શૌરી ડિસઇન્વેસ્ટમેન્ટમંત્રી હતા. 27 મે 2000ના રોજ સરકારે એર ઈન્ડિયામાં 40 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હતો.
આ સિવા�� સરકારે 10 ટકા હિસ્સો કર્મચારીઓને શેર તરીકે આપવા અને 10 ટકા ઘરેલુ નાણાકીય સંસ્થાઓને આપવાનો નિર્ણય કર્યો હતો. એ પછી સરકારનો હિસ્સો એર ઈન્ડિયામાં ઘટીને 40 ટકા રહ્યો. જોકે ત્યારથી લઈને છેલ્લાં 21 વર્ષથી એર ઈન્ડિયાને વેચવાની ઘણી વખત કોશિશ થઈ. જોકે કોઈ ને કોઈ કારણે આ વાત અટકી જતી હતી.
1953માં ભારત સરકારે એર કોર્પોરેશન્સ એક્ટ પસાર કર્યો
1953માં ભારત સરકારે એર કોર્પોરેશન્સ એક્ટ પસાર કર્યો અને ટાટા સન્સ પાસેથી કેરિયરમાં બહુમતી હિસ્સો ખરીદ્યો જોકે તેના સ્થાપક જેઆરડી ટાટા 1977 સુધી ચેરમેન તરીકે ચાલુ રહ્યા. કંપનીનું નામ એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ રાખવામાં આવ્યું. અને પુનર્ગઠનના ભાગરૂપે સ્થાનિક સેવાઓને ભારતીય એરલાઇન્સમાં તબદિલ કરવામાં આવી હતી. 1948થી 1950 સુધી, એરલાઇને કેન્યામાં નૈરોબી અને યુરોપનાં મુખ્ય સ્થળો રોમ, પેરિસ અને ડસેલ્ડોર્ફ માટે સેવાઓ શરૂ કરી.