જગદીશ મંદિરની ગાદી પર હાલ બિરાજતા મહંત દિલીપદાસજી મહારાજ પૂર્વેની પાંચમી પેઢીના મહંત નરસિંહદાસજી બિરાજમાન હતા ત્યારે બ્રહ્મલીન નરસિંહદાસજી મહારાજના જગદીશ મંદિરના કાર્યકાળ દરમિયાન એક ચમત્કારિક પ્રસંગ બન્યો હતો.
નરસિંહદાસજી મહારાજને ભાવિકો સિદ્ધસ્ત ચમત્કારિક સંત તરીકે આદર આપતા. તે જમાનો રેશનિંગ અને માપબંધીનો હતો. લગ્ન કે મરણ પ્રસંગે યોજાતા જમણવાર પર ત્યારે પ્રતિબંધ લદાયો હતો. એ સમયે ભંડારાની તૈયારી દરમિયાન રેશનિંગ વિભાગના કાફલાએ મંદિરમાં દરોડો પાડ્યો હતો. ત્યારે નરસિંહદાસજી મહારાજે તેમની ગાદી પર સ્થાનગ્રહણ કરીને આંખ બંધ કરીને ઈશ્વર સ્મરણ શરૂ કરી દીધું હતું.
બીજી તરફ સરકારી અધિકારીઓએ ત્રાજવાના એક પલ્લામાં અનાજનો થેલો મૂક્યો હતો અને બીજા પલ્લામાં પાંચ મણ, બે મણ, એક મણના કાટલાં મૂકી વજન જોખવાની કામગીરી શરૂ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, ત્રાજવાના જે પલ્લામાં અનાજનો થેલો મૂક્યો હતો તે રતિભાર પણ ખસ્યું ન હતું અને જાણે કે જમીન સાથે ચોંટી ગયું હતું. આ જોઈ લોકોએ ‘જય જગદીશ’નો જયઘોષ બોલાવ્યો હતો. બીજી બાજુ પરમકૃપાળની શક્તિનો સાક્ષાત્કાર થયો હોવાની ભીતરમાં ખુશી અનુભવતા કાફલાએ મસ્તક નમાવી વિદાય લીધી.