કર્ણાટકની એક કોલેજમાંથી હિજાબને (karnataka hijab row) લઈને શરૂ થયેલા વિવાદ પર રાજનીતિ અટકવાનું નામ નથી લઈ રહી. ફરી એકવાર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ (AIMIM Chief Asaduddin Owaisi) હિજાબ વિવાદ પર ટ્વિટ કર્યું છે. એક વીડિયો ટ્વીટ કરતા ઓવૈસીએ કેપ્શનમાં લખ્યું, ‘ઈંશા અલ્લાહ એક દિવસ હિજાબી વડાપ્રધાન બનશે.’
ટ્વિટ કરાયેલા વીડિયોમાં ઓવૈસી કહી રહ્યા છે કે, ‘અમે અમારી દીકરીઓને ઈંશા અલ્લાહ, જો તે નક્કી કરે કે હું હિજાબ પહેરીશ. તો અમ્મા-અબ્બા કહેશે- દીકરા પહેર, અમે જોઈશું કે તને કોણ રોકે છે. હિજાબ , નકાબ પહેરીને જ કોલેજ જશે, કલેક્ટર પણ બનશે, બિઝનેસમેન પણ બનશે, SDM પણ બનશે અને આ દેશમાં એક દિવસ એક છોકરી હિજાબ પહેરીને વડાપ્રધાન બનશે.
इंशा’अल्लाह pic.twitter.com/lqtDnReXBm
— Asaduddin Owaisi (@asadowaisi) February 12, 2022
ભારતનું બંધારણ હિજાબ પહેરવાનો અધિકાર આપે છેઃ ઓવૈસી
આ પહેલા અસદુદ્દીન ઓવૈસીએ હિજાબ વિવાદમાં પુટ્ટાસ્વામીના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. ઓવૈસીએ કહ્યું હતું કે, ‘ભારતનું બંધારણ તમને ચાદર, નકાબ અથવા હિજાબ પહેરવાનો અધિકાર આપે છે… પુટ્ટાસ્વામીનો ચુકાદો તમને આ કરવાની મંજૂરી આપે છે. આ આપણી ઓળખ છે. એ છોકરાઓને જવાબ આપનાર છોકરીને હું સલામ કરું છું, ડરવાની અને ગભરાવાની જરૂર નથી. ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણી રેલીને સંબોધતા ઓવૈસીએ કહ્યું હતું કે કોઈપણ મુસ્લિમ મહિલા કોઈપણ ડર વગર હિજાબ પહેરી શકે છે.
હિજાબનો વિવાદ ક્યાંથી શરૂ થયો?
વાસ્તવમાં, દેશમાં હિજાબને લઈને વિવાદ કર્ણાટકના ઉડ્ડુપીની એક યુનિવર્સિટીથી શરૂ થયો હતો. કોલેજમાં છ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને ક્લાસમાં આવી હતી. આ પછી કુંદાપુર અને બિંદુરની કેટલીક અન્ય કોલેજોમાં પણ આવા જ કિસ્સા સામે આવ્યા હતા. રાજ્યમાં એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને કૉલેજ કે ક્લાસમાં જવાની મંજૂરી આપવામાં આવતી નથી.
વિવાદે રાજકીય તાપમાન વધુ વધાર્યું જ્યારે અન્ય જૂથના વિદ્યાર્થીઓ કેસરી ગમછા, દુપટ્ટા અને સાફા પહેરીને કોલેજમાં આવવા લાગ્યા અને જય શ્રી રામના નારા લગાવ્યા. આ પછી દેશભરમાં દેખાવો થયા હતા. સ્થિતિ એવી આવી પહોંચી કે કર્ણાટકની શાળા-કોલેજો ત્રણ દિવસ માટે બંધ રાખવી પડી.