વર્તમાન સમયમાં ડેટા ખૂબ જ અગત્યનો શબ્દ બની ગયો છે. ડેટાને એક કીમતી સંપત્તિ તરીકે જોવામાં આવે છે. આપણે આપણો અગત્યનો ડેટા મોબાઈલ ફોન, લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યૂટર અથવા તો એક્સટર્નલ સ્ટોરેજમાં સંગ્રહ કરતા હોઈએ છીએ. પણ જ્યારે કોઈ કારણસર આ ડિવાઈસોમાં વાઇરસ લાગુ પડે અથવા તો રેન્સમવેર પ્રકારનો હુમલો થાય ત્યારે સંપૂર્ણ ડેટાને હુમલાખોરો દ્વારા બ્લોક કરી દેવામાં આવે છે અને તે યૂઝર્સ પાસે ખંડણી માંગે છે. જો તે ચૂકવવામાં ન આવે તો તેઓ યૂઝર્સનો તમામ અગત્યનો ડેટા નષ્ટ કરી નાખે છે અને તેને પછી પરત મેળવી શકાતો નથી. ડેટા રિકવરી સૉફ્ટવેર પણ તે ડેટાને સંપૂર્ણપણે પરત લાવી શકતું નથી. છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે ત્યાં પણ વિદેશોની જેમ ક્લાઉડ પર ડેટા સંગ્રહ કરવાનું ચલણ વધતું જઈ રહ્યું છે. એવામાં ભારત જેવા દેશમાં જ્યાં ઓનલાઈન ક્લાઉડ સિસ્ટમમાં સેંકડો છીંડાં જોવા મળે છે ત્યારે આ રીતે ક્લાઉડ સિસ્ટમ પર ડેટા સંગ્રહ કરવો કેટલો સલામત છે તેની અહીં વાત કરવી છે. સાથે જ ક્લાઉડ ટેક્નોલૉજી શું છે તે પણ વિગતે સમજીએ.
ક્લાઉડ એટલે શું?
ક્લાઉડ એક ડેટા રૂપી ‘ઈ-વાદળ’ છે. ક્લાઉડ સર્વર ડેટાનો સંગ્રહ કરતું એક ચોક્કસ પ્રકારનું કમ્પ્યૂટર છે જે ઇન્ટરનેટના માધ્યમથી કોઈપણ વપરાશકર્તાના મોબાઇલ કે કમ્પ્યૂટર સાથે જોડાયેલું હોય છે. કોઈપણ ઉપયોગકર્તા પોતાનો અગત્યનો ડેટા કે સોફ્ટવેરને ક્લાઉડ સર્વર પર સંગ્રહી શકે છે અને જ્યારે પણ ડેટાની જરૂર હોય ત્યારે ક્લાઉડ સર્વર સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાઈને ડેટા પાછો મેળવી શકે છે.
મોબાઈલ, લેપટોપ કે ડેસ્કટોપ કમ્પ્યૂટરનો ડેટા મુખ્ય બે જગ્યા પર સંગ્રહ થાય છે (1) હાર્ડ ડિસ્કમાં, એક્સટર્નલ ડિવાઈસમાં અથવા મેમરીકાર્ડમાં અને (2) ક્લાઉડ સ્ટોરજમાં. આપણે આપણો ડેટા હાર્ડ ડિસ્કમાં, મેમરી કાર્ડમાં કે એક્સટર્નલ ડિવાઇસમાં જ્યારે સંગ્રહ કરતા હોઈએ ત્યારે એ ડેટાનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ સરળતાથી કરી શકે છે. જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈપણ રીતે ડેટાનો ઍક્સેસ મેળવી લે તો એ વ્યક્તિ આપના અગત્યના ડેટા સુધી બહુ જ સરળતાથી પહોંચી શકે છે. એ ડેટાનું પોતાના માધ્યમ ઉપર બૅકઅપ લઇ શકે છે, ડેટાનો ઉપયોગ કરી શકે છે, ડિલીટ કરી શકે છે અને આપણને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. અમુક વાર વાઇરસ લાગુ પડે તો ડેટા ડિલીટ પણ થઈ જાય છે, પરંતુ જો ડેટા ક્લાઉડ સર્વર ઉપર સંગ્રહ કરવામાં આવે તો એ ડેટા વધુ સલામત થઈ જાય છે અને તેને વાઇરસ પણ લાગુ પડતો નથી. બીજું ડેટા એનક્રિપ્ટ સ્વરૂપમાં હોય છે એટલે આપણા સિવાય બીજી કોઈ વ્યક્તિ ક્યારેય પણ એ ડેટાને મેળવી શકતી નથી. સાથે જ આપણે દુનિયાની કોઈ પણ જગ્યાએ હોઈએ એ જગ્યા પરથી ક્લાઉડ સિસ્ટમમાં લોગ ઈન કરીને આપણા ડેટાને એક્સેસ કરી શકીએ છીએ. તેના માટે આપણે આપણી ડિવાઇસ સાથે રાખવાની પણ ક્યારેય જરૂર હોતી નથી. તમે ડિવાઇસ ગમે તેટલા બદલો એનાથી ડેટાનું વારંવાર બૅકઅપ લેવાની જરૂર પડતી નથી.
ક્લાઉડ ટેક્નોલોજી કેમ મહત્ત્વની છે?
આ ટેક્નોલૉજી શા માટે અગત્યની છે તે જાણવા માટે 5 ક્લાઉડ સ્ટેટેસ્ટિક્સ જાણવા પણ ખૂબ જરૂરી છે.
ક્લાઉડમાં ડેટાનો સંગ્રહ કરીએ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ક્લાઉડમાં ડેટા સેવ કરતી વેળાએ મુખ્ય 6 બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
ક્લાઉડ સર્વિસના પ્રકાર
ક્લાઉડ સર્વિસ મુખ્યત્વે બે પ્રકારની હોય છે. (1) ઓપન સોર્સ પ્લેટફેર્મ અને (2) લાઇસન્સ મોડ સર્વિસ. ઓપન સોર્સ પ્લેટફેર્મ પર સર્વિસ પૂરી પાડવામાં આવે છે તે સર્વિસ મફ્ત હોય છે. તે પ્લેટફેર્મ પર સંગ્રહ કરવામાં આવતો ડેટા ક્યારેય એન્ક્રિપ્ટેડ રહેતો નથી અથવા એન્ક્રિપ્ટેડ હોતો નથી. પરિણામે ડેટા ખોવાઈ જવાની અને જાહેર થઈ જવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. એટલે ઓપન સોર્સ પ્રકારની સર્વિસ ઉપર તમારો અગત્યનો ડેટા ક્યારેય સંગ્રહ કરવો જોઈએ નહીં. બને ત્યાં સુધી ક્લાઉડ માટે લાઇસન્સ પ્રકારની સર્વિસ ખરીદતા હોઈએ છીએ. જ્યારે લાઇસન્સ સર્વિસ ખરીદવાની હોય ત્યારે નીચે જણાવી તેટલી બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવું.
1) જે કંપનીની ક્લાઉડ સેવા તમે ખરીદવા માંગતા હો તે કંપની કેટલા સમયથી બજારમાં વેપાર કરે છે, સાથે જ તે કંપની સાથે જોડાયેલા કસ્ટમરોનો રિવ્યૂ કેવા પ્રકારનો છે, તે બાબતોની પણ જાણકારી અવશ્યપણે પ્રાપ્ત કરવી. પ્લાન ખરીદતા પહેલાં કોઈપણ પ્રકારના છૂપા ખર્ચા તો છુપાયેલા નથીને તે જાણી લેવું.
2) કંપનીનું ક્લાઉડ સર્વર કયા દેશમાં આવેલું છે, તેની માહિતી મેળવી લેવી.
3) ક્લાઉડ સેવા પ્રદાન કરનાર કંપનીની ડેટા સંદર્ભે લાગુ પાડવામાં આવેલી સલામતી પૉલિસી બરાબર જાણી લેવી. સાથે જ કંપની દ્વારા લાગુ પાડવામાં આવેલા નિયમો અને શરતોનો પણ સંપૂર્ણ અભ્યાસ કરી લેવો અત્યંત જરૂરી છે.
4) ક્લાઉડ સેવા પ્રદાન કરનાર કંપનીએ પોતાના સોફ્ટવેરનું સિક્યોરિટી ઓડિટ કરાવ્યું છે કે નહીં, જો કરાવ્યું છે તો તેના ઑડિટ રિપોર્ટનું લેટેસ્ટ પરિણામ શું છે તેનો રિપોર્ટ માંગવો અને ચકાસી લેવો.
5) ક્લાઉડ સેવા પ્રદાન કરનાર કંપની તરફ્થી જો આપના ડેટાને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય કે ડેટા ગાયબ થાય તો શું વળતર મળી શકે તેની નિશ્ચિ પૉલિસી પણ જાણવી જરૂરી છે.