ભારતીય જનતા પાર્ટીએ આગામી વર્ષે યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની (UP Assembly Election 2022) તૈયારીઓ શરૂ કરી દીધી છે અને લોકોનો વિશ્વાસ જીતવાના આશયથી જન વિશ્વાસ યાત્રા શરૂ કરવામાં આવી છે. મંગળવારે ભાજપની જનવિશ્વાસ યાત્રા હાથરસના સાદાબાદ પહોંચી ત્યારે યુપીના ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ (Shrikant Sharma)વીજ પુરવઠાને લઈને વિચિત્ર નિવેદન આપ્યું હતું.
‘રાધે-રાધે નહીં બોલ્યા તો વીજળી કપાઈ જશે’
ઉત્તર પ્રદેશના ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ કહ્યું, ‘જો તમને 24 કલાક વીજળી જોઈતી હોય તો રાધે-રાધે બોલો. જો તમારે 24 કલાક વીજળી જોઈતી હોય તો રાધે-રાધે કહો. તમે જેટલા જોરથી બોલશો તેટલી વધુ લાઇટ આવશે અને જે રાધે રાધે નહિ બોલે તેની લાઇટ કપાઈ જશે.
‘ભાજપની સરકાર બનશે તો 24 કલાક વીજળી મળશે’
શ્રીકાંત શર્માએ કહ્યું, ‘જો 2022માં ભાજપની સરકાર બનશે તો સાદાબાદમાં 24 મિનિટ પણ વીજળી નહીં જાય અને 24 કલાક સપ્લાય થશે.’ આ સાથે તેમણે કહ્યું કે, ‘ભાજપે દરેકને મફત રાશન આપવાનું કામ કર્યું અને બહેન-દીકરીઓને સુરક્ષા આપી. આ સિવાય કલમ 370 હટાવીને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો.
દરેક ઘરમાં કમળ ખીલવું જોઈએઃ શ્રીકાંત શર્મા
યોગી સરકારના મંત્રીએ કહ્યું, ‘ગત ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ દરેક ઘરમાં કમળ ખીલવવાનું છે અને તમારે પાછલા રેકોર્ડને તોડવાનો છે. સરકારે દરેક વર્ગ માટે કામ કર્યુ છે. એટાહના સાંસદ રાજવીર સિંહ ઉર્ફે રાજુ ભૈયાએ કહ્યું કે ગત વખતે ભાજપે પરિવર્તન યાત્રા ચલાવી હતી અને પરિવર્તન બતાવ્યું હતું. આ વખતે જન વિશ્વાસ યાત્રા તમારા સુધી પહોંચી છે એટલે આ વખતે કમળ 325 પ્લસ હોવું જોઈએ.