દેશભરમાં હાલ ડુંગળીનો મુદ્દો ચર્ચામાં છે. મોટા ભાગનાં ઘરોમાં બનતું ભોજન ડુંગળી વિના ફિક્કું થઈ જાય છે. થોડા સમય પહેલાં જે ડુંગળીનો ભાવ 25 રૂપિયા કિલો હતો તે અત્યારે 80 રૂપિયા કિલો પહોંચી ગયો છે.
ડુંગળી મુદ્દે લોકોમાં વધી રહેલા રોષનો અંદાજ મેળવી સરકારે ડુંગળીની નિકાસ બંધ કરવાનો નિર્ણય કર્યો. તેમના અનુસાર આવું કરવાથી સ્થાનિક બજારમાં સપ્લાય વધશે અને ભાવમાં ઘટાડો થશે.
પરંતુ સરકારના આ નિર્ણયથી ખેડૂતો અને નિકાસકારો નાખુશ થયા. તેમણે નાસિક સ્થિત વૉલસેલ માર્કેટમાં પ્રદર્શન કર્યું.
ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન નાસિકમાં થાય છે.
હાલમાં મહારાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ છે અને આ સમયે ડુંગળીના ભાવ મુદ્દે ચર્ચા થવાની આશંકાઓ સેવાઈ રહી છે.
પરંતુ આવું પહેલી વખત નથી કે ભારતમાં ડુંગળીના ભાવ ચર્ચામાં રહ્યા હોય. અવારનવાર ડુંગળી રાજકારણના કેન્દ્રમાં રહી છે.
ભૂતકાળમાં ડુંગળીને કારણે રાજકારણ પ્રભાવિત થઈ ચૂક્યું છે.
વર્ષ 1980માં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને ફરીથી સત્તા અપાવવામાં ડુંગળીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
તે સમયે ઇંદિરા ગાંધીએ ડુંગળીના વધેલા ભાવને તત્કાલીન સરકારની નિષ્ફળતા રૂપે રજૂ કર્યા હતા.
1980માં જનતા દળ ગઠબંધન તૂટ્યા બાદ ઇંદિરા ગાંધીની જીત થઈ હતી.
1998માં કેન્દ્રની ભાજપ સરકારને દિલ્હી વિધાનસભામાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે કૉંગ્રેસ નેતા શીલા દિક્ષીત સામે ભાજપનાં સુષમા સ્વરાજ ચૂંટણી લડી રહ્યાં હતાં. ત્યારે ભાજપની હારનું કારણ ડુંગળીના વધેલા ભાવ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
એટલું જ નહીં સમાયાંતરે ડુંગળીના ભાવ રાજકીય સમાચારોના કેન્દ્રમાં રહ્યા છે.
વર્ષ 2006માં મહારાષ્ટ્રના મોટા નેતા ગણાતા શરદ પવાર કૃષિ મંત્રી હતા. તેઓ નાસિકમાં ભાષણ આપી રહ્યા હતા તે સમયે તેમના પર ગુસ્સે થયેલા ખેડૂતોએ ડુંગળી ફેંકી હતી.
વર્ષ 2010માં પણ ડુંગળીના ભાવ વધ્યા હતા અને ભાજપે તેની વિરુદ્ધમાં દિલ્હી ખાતે પ્રદર્શન કર્યું હતું.
તે સમયે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે મનમોહન સિંઘની સરકારે ડુંગળીની નિકાસ અટકાવી દીધી હતી અને આયાત કરમાં કાપ મૂક્યો હતો.
આનાથી ઊલટું નાસિકમાં 2017-18માં ડુંગળીનો હૉલસેલ ભાવ બે રૂપિયા ઘટી ગયો હતો. નાસિક ભારતના સૌથી મોટા હૉલસેલ બજારમાંનું એક છે.
ભારતમાં ડુંગળી ગરીબ અને સામાન્ય જનતાના રોજિંદા ભોજનનો ભાગ છે. ભારતની ઘણી વાનગીઓમાં ડુંગળી જરૂરી છે એમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતનાં રાજ્યોમાં.
ડુંગળીને કારણે ભોજનમાં તીખાશ અને મીઠાશ વધે છે. ડુંગળીનો ઉપયોગ સલાડ તરીકે પણ થાય છે.
ભારતીય ભોજનમાં ડુંગળીનું એક અલગ જ સ્થાન છે. વ્યંજનોના ઇતિહાસની જાણકારી રાખનારાં ડૉક્ટર મોહસીના મુકદમનું કહેવું છે કે ડુંગળી માત્ર એક કંદમૂળ નથી પરંતુ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.
મોહસીના કહે છે, "પ્રાચીનકાળથી ડુંગળીનો ઉપયોગ ભારતીય ઉપમહાદ્વીપમાં થતો આવ્યો છે. મહારાષ્ટ્રમાં જો કોઈ ઘરમાં શાક નથી અથવા શાકભાજી ખરીદવાના પૈસા નથી તો 'કાંદા-ભાખરી' બનાવી લે છે. અહીં ડુંગળીને લઈને ઘણી કહેવતો પણ છે."
સામાન્ય રીતે કહેવાય છે કે ડુંગળીના ભાવ વધતા નથી. એટલા માટે જ્યારે પણ ડુંગળીના ભાવ વધે છે ત્યારે તેને મોંઘવારીના સંકેત રૂપે જોવાય છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં તેની ખૂબ જ ચર્ચા થાય છે.
પૉલિસી રિસર્ચર અને ઍક્ટિવિસ્ટ મિલિંદ મુરુગકર કહે છે, "ઉત્તર ભારતમાં સત્તા અને સરકારને પ્રભાવિત કરવાની ભારે ક્ષમતા હોય છે. ભારતના અન્ય ભાગોમાં આટલી ચર્ચા નથી થતી. પરંતુ જ્યારે પણ ઉત્તર ભારતમાં મોંઘવારી મુદ્દો બની જાય છે ત્યારે સરકાર પણ દબાવમાં આવી જાય છે."
બીજી તરફ ડુંગળીના ભાવ વધારે પ્રમાણમાં ઘટવા લાગે ત્યારે તેની સીધી અસર ડુંગળી ઉત્પાદક રાજ્યો (મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત)ના ખેડૂતો પર થાય છે.
નાસિક સ્થિત સ્થાનિક પત્રકાર દીપ્તિ રાઉતે ડુંગળીના કારોબાર સંદર્ભે ઘણો સમય કામ કર્યું છે.
રાઉત કહે છે, "ખેડૂતોને લાગે છે કે ડુંગળીનું ઉત્પાદન કરી સારા એવા પૈસા રળી શકાય છે કારણ કે તેની ખેતી માટે વધારે પાણીની જરૂર રહેતી નથી અને તે જલદીથી ઊગે છે. ખેડૂતો માટે ડુંગળી એટીએમ મશીન જેવી છે."
ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય મહારાષ્ટ્રમાં આ વખતે પૂરની ઝપેટમાં આવી ગયું હતું. નેશનલ ઍગ્રીકલ્ચર કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇંડિયા (NAFED)ના નિદેશક તેનું કારણ સમજાવે છે.
તેઓ કહે છે, "વરસાદને કારણે આ વર્ષની અને ગત વર્ષની સ્ટોકમાં રાખેલી 35 ટકા ડુંગળી બરબાદ થઈ ગઈ. મતલબ કે આ વખતે સામાન્યથી 25 ટકા વધુ નુકસાન થયું. દક્ષિણનાં રાજ્યોમાંથી સપ્ટેમ્બર સુધીમાં ડુંગળી આવવાની સંભાવના હતી પરંતુ પૂરને કારણે મોડું થયું."
હાલના દાયકામાં આવું સતત થયા કરે છે.
મિલિંગ મુરુરગકર કહે છે, "ઉત્પાદનના પ્રમાણમાં પરિવર્તન આવવાને કારણે પણ ડુંગળીના ભાવમાં ઉતાર-ચઢાવ દેખાય છે. દર વર્ષે વરસાદનું પ્રમાણ પણ બદલતું રહે છે તેને કારણે પણ ડુંગળીનું ઉત્પાદન વધુ-ઓછું થતું રહે છે. જો ઉત્પાદન વધુ કે ઓછું થાય તો ભાવમાં તુરંત પરિવર્તન આવે છે."
દીપ્તિ અનુસાર ચોમાસા બાદ તહેવારોને કારણે સામાન્ય રીતે ડુંગળીમાં ઘટ આવે છે.
તેઓ કહે છે, "વર્ષમાં ત્રણ વખત ડુંગળીની ખેતી કરવામાં આવે છે. જો એક મોસમમાં ડુંગળીનું ઉત્પાદન સારું થાય છે તો બીજી વખતે તેઓ વધુ ડુંગળી ઉગાડે છે. વધુ ઉત્પાદનને કારણે કિંમત ઘટી જાય છે. આ ક્રમ આવી રીતે જ ચાલતો રહે છે અને તેનો ફાયદો વચેટિયાઓને મળે છે."
દીપ્તિ એવું પણ કહે છે કે ભારતમાં ડુંગળીના ઉત્પાદનનું અધ્યયન કરવાની કોઈ વ્યવસ્થિત પદ્ધતિ નથી.
તેઓ કહે છે, "જ્યાં સુધીમાં આંકડાઓ એકઠા થાય છે ત્યાં સુધીમાં તો બીજી મોસમની ડુંગળી બજારમાં આવી જાય છે. આથી ચોક્કસ જાણ નથી થઈ શકતી કે ડુંગળીનું ઉત્પાદન કેટલું થયું, માગ કેટલી છે અને નિકાસ કેટલી થઈ છે?"
દીપ્તિનું માનવું છે કે માળખાકીય સ્તરે સારું પ્લાનિંગ, સ્ટોરેજ અને ફૂડ-પ્રોસેસિંગની સુવિધાઓ વિકસાવવાથી ફાયદો થઈ શકશે. આ સિવાય બજારમાં અલગ-અલગ પ્રકારનાં શાકભાજી ઉપલબ્ધ કરાવીએ તો ડુંગળીનો વિકલ્પ મળી જશે.
નાસિકના ખેડૂત વિકાસ દારેકર પૂછે છે, "જ્યારે પણ ડુંગળીના ભાવ વધે છે ત્યારે સરકાર હરકતમાં આવી જાય છે. પરંતુ જ્યારે પણ ડુંગળીના ભાવ ઘટે છે ત્યારે આવી સ્ફૂર્તિ કેમ નથી દેખાતી. સરકારે અમને વ્યાજબી ભાવ આપવો પડશે."
જોકે, મિલિંદ મુરુગકરનું માનવું છે કે સરકારે 'ડુંગળી મામલે' ક્યારેય દખલ દેવી ના જોઈએ.
તેઓ કહે છે, "55 ટકાથી વધુ ભારતીય વસતિ ખેતી પર નિર્ભર છે. બીજું કે ખેતી એક એવું ક્ષેત્ર છે જે ધીમી ગતિ (2.5 ટકા)થી વધી રહ્યું છે. આપણી અર્થવ્યવસ્થામાં સુસ્તીનું મુખ્ય કારણ અસંગઠિત અને ગ્રામીણ ક્ષેત્રોમાં માગ ઘટી છે તે છે."
"જો તમે ઇચ્છતા હો કે વધુ સામાનની ખરીદી થાય તો નિકાસ બંધ ન કરવી જોઈએ. શું આપણે ક્યારેય સૉફ્ટવેર ઍક્સપૉર્ટ પર રોક લગાવીએ છીએ?"