આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી બે દિવસ પહેલા ગુમ થયેલી પરિણીત યુવતી તેના બોયફ્રેન્ડ સાથે નેલ્લોરમાં ફરતી મળી આવી હતી. અહીં ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે દરિયામાં ડૂબી જવાની આશંકાથી 36 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું અને સર્ચમાં લગભગ 1 કરોડ રૂપિયાનું આંધણ થઇ ગયું. ગુમ થયેલી મહિલાની શોધમાં એક હેલિકોપ્ટર અને ત્રણ જહાજો તૈનાત કરવામાં આવ્યા હતા.
વાત એમ છે કે 23 વર્ષની પરિણીતા સાઈ પ્રિયા સોમવારે વિશાખાપટ્ટનમના આરકે બીચ પર પતિ શ્રીનિવાસ સાથે લગ્નની વર્ષગાંઠ મનાવવા ગઈ હતી. આ દરમિયાન કપલ પહેલા સિંહચલમ મંદિરમાં ગયા અને ત્યાંથી બીચ પર આવ્યા. ત્યારપછી બંનેએ દરિયા કિનારે પોત-પોતાના મોબાઈલથી ફોટો ક્લિક કર્યા અને કેટલાક વીડિયો પણ રેકોર્ડ કર્યા.
આ દરમિયાન પતિના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો અને તે વાતમાં વ્યસ્ત થઈ ગયો. તે જ સમયે તેની પત્નીએ તેના મોબાઈલમાંથી સેલ્ફી લેવાનું શરૂ કર્યું. ત્યારબાદ જ્યારે પતિના ફોન પર વાત પૂરી થઈ તો તેણે પત્નીને અહીં-તહીં શોધી, તો તે દેખાઈ નહીં તો તેણે ફોન કર્યો પરંતુ કોઈ સફળતા મળી નહીં. ત્યારબાદ પરેશાન પતિએ પત્નીની શોધ માટે સ્થાનિક થ્રી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને તેના પરિવારના સભ્યો સહિત સાસરિયાઓને પણ જાણ કરી.
પોલીસને આશંકા છે કે મહિલા દરિયાના મોજાથી અથડાઈ હશે. જેને જોતા પોલીસે ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડની મદદ લીધી હતી. આ સાથે જ માછીમારો અને ડાઇવર્સ દ્વારા દરિયાની અંદર શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બીચ પરથી ગુમ થયેલી મહિલાને શોધવા માટે નેવીએ 3 જહાજ અને એક હેલિકોપ્ટર તૈનાત કર્યું હતું. પરંતુ હજુ પણ ગુમ થયા અંગે કંઈ જાણ થઇ નહીં.
પોલીસ અને નેવીના સતત સર્ચ ઓપરેશન વચ્ચે આ વાર્તામાં અચાનક નવો વળાંક આવ્યો. હકીકતમાં પરિણીત મહિલાએ એક ટેક્સ્ટ મેસેજ દ્વારા તેની માતાને તેના ઠેકાણા વિશે જાણ કરી અને જણાવ્યું કે તે તેના પ્રેમી રવિ સાથે નેલ્લોર (આંધ્રપ્રદેશ) ભાગી ગઈ છે. આ સાથે તેણે પરિવારને તેના પ્રેમી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ના કરવા વિનંતી પણ કરી હતી.
ઇન્સ્પેક્ટર કે. રામારાવના જણાવ્યા અનુસાર, સાઈ પ્રિયાએ પોતે જ તેના લોકેશન વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે તે સુરક્ષિત છે અને હાલમાં નેલ્લોરમાં છે. તેની ચકાસણી કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુમ થયેલી છોકરી સાઈ પ્રિયાના સર્ચ ઓપરેશન માટે નૌકાદળના ત્રણ જહાજો અને એક હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશનનો અંદાજિત ખર્ચ આશરે 1 કરોડ રૂપિયા છે, કારણ કે ઓપરેશન બે દિવસથી વધુ ચાલ્યું હતું.
વિશાખાપટ્ટનમની રહેવાસી સાઈ પ્રિયાના લગ્ન 2020માં શ્રીકાકુલમના શ્રીનિવાસ સાથે થયા હતા. હાલમાં તે અભ્યાસ કરી રહી છે અને તેનો પતિ હૈદરાબાદની એક ફાર્મસી કંપનીમાં કર્મચારી છે. સોમવારે દંપતી લગ્નની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવા સિંહચલમ મંદિર અને ત્યાંથી બીચ પર ગયા હતા.