આઇપીએલની રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમે ચેન્નઇ સુપર કિંગ્સને ત્રણ વિકેટ પરાજય આપ્યો હતો. જીત માટે મળેલા 170 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સની શરુઆત સારી નહોતી રહી અને ટીમે 48 રનમાં જ પોતાની ચાર વિકેટો ગુમાવી દીધી હતી, પરંતુ ફાંકડા ફટકાબાજ ડેવિડ મિલર અને રખેવાળ સુકાની રાશિદ ખાને આક્રમક બેટિંગ કરીને મેચમાં એક બોલ બાકી હતો ત્યારે જ ટીમને જીત અપાવી હતી. મિલરે અણનમ 94 રન ફટકાર્યા હતા.
ચેન્નઇએ 170નો ટાર્ગેટ આપ્યો
આ પહેલા ટોસ હારીને પહેલી બેટિંગ કરતા ચેન્નઇએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 169 રનનો સ્કોર બનાવ્યો હતો. ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડે સૌથી વધારે 73 રન બનાવ્યા હતા. જ્યારે ગુજરાતની ટીમ વતી અલ્જારી જોસેફે બે વિકેટ ખેરવી હતી. ઇજાને કારણે મેચમાં નહીં રમી રહેલા હાર્દિક પંડયાની ગેરહાજરીમાં રાશિદ ખાને આઇપીએલમાં પહેલીવાર ટીમનું સુકાન સંભાળ્યું હતું જોકે, રાશિદને કોઇ સફળતા મળી નહોતી.
રાયડુના 4,000 રન પૂરા
મેચમાં પોતાની ઇનિંગમાં બે રન બનાવતા જ ચેન્નઇના બેટ્સમેન અંબાતી રાયડૂએ પોતાના નામે એક સિદ્ધિ કરી હતી. આ ટૂર્નામેન્ટનામાં રાયડૂના 4000 રન પૂરા થઇ ગયા છે. આઇપીએલના ઇતિહાસમાં 4000 રન પૂરા કરનાર રાયડૂ 11મો ખેલાડી બની ગયો છે.