વિશ્વ બેન્કે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતના ત્રણ પ્રોજેક્ટ માટે 56.2 કરોડ ડોલરના ભંડોળને મંજૂરી આપી દીધી છે. આ ત્રણ પ્રોજેક્ટમાં ગુજરાતના શિક્ષણ પ્રોજેક્ટ, તામિલનાડુના સમાજ સુરક્ષા પ્રોજેક્ટ તેમજ મહામારી કાળ પછી માછીમારી ક્ષેત્રમાં સુધાર લાવવા માટેના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. વિશ્વ બેન્કની યાદીમાં જણાવ્યા મુજબ બેન્કના બોર્ડે ગુજરાતના બાળકોના શૈક્ષણિક પરિણામોમાં સુધાર માટે ચાલી રહેલા કાર્યક્રમ 'એક્સિલરેટેડ લર્નિંગ (જીઓએએલ) માટે વધારાનું 25 કરોડ ડોલરનું ભંડોળ મંજૂર કર્યું છે. આ ભંડોળની મદદથી કોવિડ-19 મહામારીથી પ્રભાવિત થયેલી વધારાની 3000 શાળાઓને લાભ થશે. જીઓએએલ પ્રોજેક્ટ માટે મૂળે માર્ચ 2021માં 50 કરોડ ડોલરની લોન મંજૂર થયેલી છે. મંજૂર થયેલું ભંડોળ તેનો ભાગ છે. પ્રત્યેક બાળકને શાળામાં ભણતા ચાલુ રાખવા, તેમના શૈક્ષણિક સ્તરમાં સુધારા લાવવા બેન્કે ઘડી કાઢેલા રેપિડ રિસ્પોન્સ ફ્રેમવર્ક મુજબ આ ધિરાણ મંજૂર થયું હતું. આ ભંડોળ શિક્ષકો અને વિદ્યાર્થીઓના માનસિક આરોગ્યને સુધારવાની પણ નેમ ધરાવે છે.
વિશ્વ બેન્ક બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તે ઉપરાંત મહામારી પછી ભારતના માછીમારી ક્ષેત્રમાં સુધાર લાવવા પણ 16 કરોડ ડોલરના ભંડોળને મંજૂરી આપી છે. તે ઉપરાંત તામિલનાડુના દિવ્યાંગોની સમાજ સુરક્ષા સિસ્ટમને મજબૂત કરવા માટે 16.2 કરોડ ડોલરના ભંડોળની ફાળવણી કરી છે. યાદીમાં જણાવ્યા મુજબ કોવિડ-19ને કારણે વર્ષ 2020-21માં મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર 5.5 અબજ ડોલરનું નુકસાન પહોંચ્યું હતું. મત્સ્ય ઉત્પાદન પણ ઘટીને 40 ટકા જેટલું થઇ ગયું હતું.