વારાણસીના પૂર્વ સિટી મેજિસ્ટ્રેટ (1988થી 1992) અનિલ સિંહ જ્ઞાનવાપી મસ્જિદ વિશે વાત કરતા જણાવે છે કે, ’હું વારાણસી શહેરમાં સિટી મેજિસ્ટ્રેટ હતો, ત્યારે મેં જ્ઞાનવાપી મસ્જિદના આખા પરિસરને જોયું હતું. ઉપરના ગુંબજને છોડી દઈએ તો આ કોઈ પણ રીતે મસ્જિદ નથી લાગતી. પરિસરનો આત્મા મંદિર જેવો જ છે. 1991-92માં અંજુમન મસાજિદ ઈન્તજામિયા કમિટી તરફથી નિયુક્ત ઈમામ મૌલાના અબ્દુલ વાસિતે મિનારના સમારકાર માટે અરજી કરી હતી. મેં મૌલાનાને કહ્યું કે, પહેલા જઈને જુઓ કે, ક્યાં સમારકામ કરવાનું છે? તેમણે જોયા વિના મંજૂરી આપવા તજવીજ હાથ ધરી, પરંતુ હું ના માન્યો.’
તેઓ આગળ જણાવે છે કે, ‘હું મસ્જિદમાં ગયો. અંદર ગયો તો આશ્ચર્યચક્તિ થઈ ગયો. પશ્ચિમી હિસ્સામાં મંદિર દેખાતું હતું. મેં છત પર જઈને ચારેય તરફ નજર કરી. એક ગુંબજમાં ઝરોખો હતો. મેં અંદર જોયું, તો મંદિરના અવશેષ હતા.’
વધુ જણાવતા તેઓ કહે છે કે, ‘જે સ્થળે ઈમામ ઊભા રહીને નમાજ પઢતા હતા, તે હિસ્સો મંદિર જ છે. એક તરફ હિંદુ પૂજારીઓ અખંડ દીપ જલાવે છે. આ દીપ તેમના પૂર્વજો મંદિર ધ્વસ્ત થયા પછી ભગવાન વિશ્વેશ્વર માટે જલાવતા હતા. જ્યાં શિવલિંગ મળ્યું છે, તે ફક્ત એક હિસ્સો હોઈ શકે છે. જેને ભોંયરુ કહેવાય છે, તે મંદિરનો મંડપ છે. પહેલા તે ઉપર તરફ ખુલ્લુ હતું. સમગ્ર પરિસરનો ASI સર્વે થાય તો ઘણી વાતો બહાર આવી શકે છે.’