ગુજરાતમાં નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના ફુલફ્લેજ્ડ મંત્રીમંડળની આજે બપોરે 2 વાગે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાશે, એ સાથે 1995થી સતત 7મી વાર ભાજપ સરકાર સત્તારૂઢ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહમાં ભાગ લેવા રવિવારે મોડી રાત્રે ગાંધીનગર આવી ચૂક્યા છે. તદુપરાંત ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ તેમજ સંતો-મહંતો આ ગાલા ઇવેન્ટમાં ઉપસ્થિત રહેશે.
શાનદાર શપથવિધિ માટે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 20 હજાર ચોરસમીટરમાં જાજરમાન શમિયાણો ઊભો કરાયો છે અને ૨૦૧૭માં યોજાયેલા શપથવિધિ વિધિની જેમ 100 ફૂટ બાય 36 ફૂટ સાઇઝના વિશાળ ત્રણ સ્ટેજ ઊભા કરાયા છે, જેમાં વચલા સ્ટેજ ઉપર ગવર્નર દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત શપથ લેનારા મંત્રીઓ બેસશે. જમણી તરફના સ્ટેજ ઉપર વડાપ્રધાન મોદી ઉપરાંત ભાજપ શાસિત 9 રાજ્યોના મુખ્યમંત્રીઓ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપરાંત ભાજપશાસિત રાજ્યોના મહાનુભાવો તેમજ કેન્દ્રીય મંત્રીઓ બેસશે. જ્યારે ડાબી તરફના સ્ટેજ ઉપર સંતો-મહંતો માટે વ્યવસ્થા રાખવામાં આવી છે. તોસ્તાન ડોમમાં રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે પાઠવેલા 20 હજાર જેટલા નિમંત્રણ કાર્ડ પ્રમાણે ભાજપના આગેવાનો, ધારાસભ્યો, સાંસદો, જિલ્લા-તાલુકાના સંગઠનના આગેવાનોને બેસવા માટે 20 હજાર સોફા-ખુરશીઓની વ્યવસ્થા ગોઠવાઈ છે.
રાજ્યના વહીવટી તંત્રએ શપથવિધિનો ઇવેન્ટ સુચારૂરૂપે પાર પડે તે માટે વિવિધ કામગીરીનું સંકલન કરવા આઇએએસ-આઇપીએસ તથા ઉચ્ચ અધિકારીઓને સાંકળીને કમિટી બનાવી છે. તદુપરાંત પાંચ જેટલા વિશાળ પાર્કિંગ માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે.
કોણ કોણ શપથવિધિમાં આવશે
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, નાગાલેન્ડના મુખ્યમંત્રી નિફીયુ રિયો, સિક્કમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ, અરુણાચલપ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખંડુ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સહા, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા, મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંઘ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રાસિંઘ રાવત, છત્તીસગઢના વિરોધ પક્ષ ભાજપના નેતા નારાયણ ચંડેલ, ઝારખંડન��� પૂર્વ મુખ્યમંત્રીઓ બાબુલાલ મરાન્ડી તથા રઘુવર દાસ, ત્રિપુરાના નાયબ મુખ્યમંત્રી જિષ્ણુ દેવ વર્મા, બિહારના વિરોધ પક્ષ ભાજપના નેતાઓ સમ્રાટ ચૌધરી તથા વિજયકુમાર સિંહા, નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રી યાન્થુન્ગો પટ્ટન, કેન્દ્રીય મંત્રીઓ- રાજનાથસિંહ, ફાગનસિંઘ લાલપુરા, રામદાસ આઠવલે તેમજ તામિલ મનીલા કોંગ્રેસના પ્રમુખ જી.કે. વાસન વગેરે શપથવિધિમાં શરીક થવાની શક્યતા છે.
શપથવિધિ સુચારુરૂપે પાર પાડવા જીએડી દ્વારા ઉચ્ચ અધિકારીઓની કમિટી
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે શપથવિધિ સમારોહ સુચારુઢબે પાર પાડવા માટે આઇએએસ અધિકારીઓ-પી. સ્વરૂપ અને રાજકુમાર બેનિવાલની આગેવાનીમાં વિવિધ 7 કામગીરીઓનું વિભાજન કરી કમિટીઓનું ગઠન કર્યું છે, જેમાં જમીન સુધારણા કમિશનર તથા મહેસૂલ સચિવ પી. સ્વરૂપ શપથવિધિના સ્થળની પૂર્ણ વ્યવસ્થા સંભાળશે, જેમને 3 આઇએએસ અધિકારીઓ સુરભી ગૌતમ, વિકલ્પ ભારદ્વાજ અને શિવાની ગોયલ સહાય કરશે. મ્યુનિપાલિટીઓના વહીવટના કમિશનર અને જીયુડીસીના એડિશનલ સીઇઓ-રાજકુમાર બેનિવાલ પ્રોટોકોલ તેમજ મહાનુભાવોના ઉતારાની વ્યવસ્થા સંભાળશે, જેમને અધિકારીઓ જ્વલંત ત્રિવેદી તથા ભરત જોષી સહાય કરશે. મહાનુભાવોને એરપોર્ટ ઉપર સહાય કરવાની કામગીરી આઇએએસ પ્રવીણ સોલંકી સંભાળશે, જેમને બે અધિકારીઓ સહાય કરશે. મહાનુભાવોને મોટરકારની વ્યવસ્થા જીએસઆરટીસીના એમડી એમ.એ. ગાંધી સંભાળશે, જેમને ટ્રાન્સપોર્ટ વિભાગના ઓએસડી સહાયતા કરશે. સિક્યોરિટી મેનેજમેન્ટ એડીજીપી નરસિંહા કોમર સંભાળશે, જેમને ત્રણ આઇપીએસ સહાય કરશે. રાજ્યનો વિજ્ઞાન અને પ્રદ્યૌગિકી વિભાગ સમગ્ર ઇવેન્ટને વેબકાસ્ટ કરશે, જે કામગીરીને એક આઇએએસ સહાય કરશે. જ્યારે શપથવિધિ ખાતે શમિયાણા મેનેજમેન્ટ રાજ્યના માર્ગ-મકાન સચિવ સંદીપકુમાર વસાવા સંભાળશે, જેમને આર એન્ડ બીના ચીફ એન્જિનિયર પી.આર. પટેલિયા સહાય કરશે.