કરજણ તાલુકાના ઢાઢર નદીના કાંઠે આવેલ સંભોઈ ગામે નદીની સામે પાર ફ્સાયેલા 100 જેટલા લોકોને NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ છે. કરજણ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મેઘાએ ઝંઝાવાતી બેટીંગ કરતાં તાલુકાના જનજીવનને ઝંઝોડી નાખ્યું છે. ગત રાત્રીના 10 વાગ્યા બાદ આખી રાત મેહુલીયો વરસતાં નગર સહિત તાલુકામાં નદી-નાળા, તળાવો , વરસાદી કાંસ છલકાઈ ગયા છે. જેને પગલે નદી કાંઠાના ગામો સંપર્ક વિહોણા તેમજ બેટમાં ફ્રવાતા ફ્સાયેલા ગામલોકોને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. કરજણ પંથકમાં ચોવીસ કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. કરજણ તાલુકાના ઢાઢર નદીના કાંઠે સંભોઈ ગામ આવેલું છે. તાલુકામાં તેમજ મધ્ય ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણને ઢાઢર નદી ગાંડીતુર બનતા બે કાંઠે વહી રહી છે. પરિણામે નદીની સામે પાર આવેલ નવી વસાહતમાં રહેતાં તેમજ ગામની પચાસ ટકા જેટલી ખેતીવાળી જમીન માટે ખેતી કામ અર્થે ગયેલા અંદાજે 100 જેટલા ગામલોકોનો નદીમાં પાણીનો પ્રવાહ તેજ બનતાં ગામથી સંપર્ક તૂટી ગયો હતો. અને સામે કિનારે ફ્સાયા હતા. જે બાબતની વહીવટી તંત્રને જાણ થતાં NDRF બટાલિયન -7 બે બોટ તેમજ જવાનો સાથે સંભોઈ ગામે આવી પહોંચી હતી. કરજણ એસ.ડી.એમ. , કરજણ પી.આઈ. , કરજણ ધારાસભ્ય સહિત વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે આવી પહોંચું હતું. NDRF ની ટીમ દ્વારા સામે કાંઠે ફ્સાયેલા લોકોને બચાવ કામગીરી શરૂ કરવામાં આવતા પ્રથમ તબક્કામાં આઠ લોકોને સફ્ળતાપૂર્વક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં બે પુરુષ , બે મહિલાઓ તેમજ 4 બાળકોનો સમાવેશ થાય છે.