કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.આજે વડાપ્રધાનના કાર્યક્રમમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે. તેમના આગમનને લઈને અમદાવાદમાં ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે. માત્ર ભાજપના કાર્યકરોની બસ અને ગાડીને જ જવા દેવામાં આવે છે. એરપોર્ટ જનારા મુસાફરોને ટિકિટ જોઈને જવા દેવાય છે. અન્ય લોકોને બીજા રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. લોકોની ભીડ એરપોર્ટ સર્કલ પર વડાપ્રધાનનું સ્વાગત કરવા વધી રહી છે. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયુર ડાન્સ, કુચીપુડી, ભારતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરાશે.
એરપોર્ટ સર્કલ ખાતે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. થોડીવારમાં પીએમ મોદી એરપોર્ટ પહોંચશેગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદીપ પરમાર એરપોર્ટ સર્કલ પહોંચ્યા છે. સમગ્ર બંદોબસ્ત અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે.પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, આગામી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે. આ પરિણામ પરથી સ્પષ્ટ છે. ગુજરાતમાં પ્રવાસને લઈ કાર્યકર્તામાં પણ જોશ છે.
પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ સહિતના નેતાઓને રોડ શોની જવાબદારી
પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેર પ્રમુખ અમિત શાહ, પૂર્વ મેયર બીજલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ રોડ શૉની જવાબદારી સંભાળી રહ્યા છે. કમલમની બહાર ભાજપના જે નેતાઓ પ્રદેશ બેઠકમાં ભાગ લેવાના છે તે જ નેતાઓની ગાડીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, અન્ય કોઈ વ્યક્તિઓન��� એમની આસપાસ પણ ન આવવા દેવા સૂચના આપવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું કે 4 રાજ્યોમાં ભાજપની જીત થઈ છે. જેથી ઉત્સાહ વધી રહ્યો છે અને તે જ ઉત્સાહ સાથે અલગ અલગ સમાજના લાખો લોકો પીએમ મોદીના સ્વાગત માટે રોડ શૉ માં આવ્યા છે.અમને અલગ અલગ જવાબદારી આપી છે તે પ્રમાણે અમે અત્યારે કામ કરી રહ્યા છીએ.
નેતાઓ ટેબલેટ ઘરે ભુલી ગયાં
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ પ્રદેશ બેઠક માટે પહોંચી ગયાં છે.પ્રદેશ બેઠકમાં ભાગ લેવા આવેલા તમામ ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારોએ કમલમમાં પ્રવેશ મેળવી લીધો છે.દરેક નેતાઓએ બેઠકમાં ભાગ લેતી વખતે તેમને આપવામાં આવેલા ટેબ્લેટ લઈને આવવું ફરજિયાત છે. આજે બેઠકમાં ભાગ લેવા આવેલા કેટલાક નેતાઓ ટેબ્લેટ ભૂલી જતાં તાત્કાલિક ઘરેથી મંગાવવા પડ્યા હતા.
ઠક્કર હર્ષ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું યુક્રેનમાં ફસાયો હતો ત્યારે હંગેરી સુધી પહોંચ્યો હતો જે બાદ પીએમ મોદીએ શરૂ કરેલ મિશન ગંગા દ્વારા ભારત પરત આવ્યો છું.હું સુરક્ષિત રીતે ભારત પહોંચ્યો તે બદલ પીએમ મોદીનો આભાર માનવા આજે અહીંયા આવ્યો છું.
ગુજરાત ભાજપના હોદ્દેદારો કમલમ પહોંચ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પ્રદેશ બેઠકમાં હાજર રહેનારા તમામ ગુજરાત ભાજપના હોદ્દેદારો કમલમ ખાતે પહોંચી રહ્યા છે. સૌથી પહેલા તમામ લોકોએ બહાર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેઓને અંદર પ્રવેશવા માટે એક કાર્ડ આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદ બહાર સિક્યુરિટી ચેકિંગ કરી અને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.કોબા સર્કલથી કમલમ સુધી લોકો ચાલતા ચાલતા પહોંચી રહ્યાં છે. કોબાથી કમલમ સુધીના રોડ શોમાં હાજર રહેનારા લોકો ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે.રાજસ્થાનના જૈન યુવક સંઘના યુવકો વડાપ્રધાન મોદીના સ્વાગત માટે એરપોર્ટ સર્કલ પહોંચ્યાં છે. બીજી બાજુ અલગ અલગ મેડિકલ કોલેજના MBBSના વિદ્યાર્થીઓ પણ વડાપ્રધાનના સ્વાગત માટે પહોંચ્યાં છે.
બાળક વડાપ્રધાનને મળવા આવ્યો
ગાંધીનગર કમલમની બહાર એક બાર વર્ષનો નાનકડો બાળક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે આવ્યો છે. કમલમ સામે આવેલા ફ્લેટમાં રહેતો 12 વર્ષનો બીરેન ચૌધરી નામનો બાળક હાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બનાવેલા સ્કેચને લઈ અને આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવેલા આ બાળક બીરેન ચૌધરીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે જેથી તેઓને મળવા માટે હું અહીં આવ્યો છું.વડાપ્રધાન મોદીજી દેશ માટે ઘણું કામ કરે છે.
વડાપ્રધાન મોદીની અર્ધ્ય આપતી રંગોળી બન���વવામાં આવી
વડાપ્રધાન ચારેક વર્ષ બાદ કમલમની મુલાકાત લેવાના હોવાથી સમગ્ર કાર્યાલય તેઓ નિહાળવાના છે. વડાપ્રધાન માટે ખાસ રંગોળી બનાવવામાં આવી છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે ગંગા નદીમાં તેઓએ ડૂબકી લગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથમાં કળશ લઈને નદીમાં અર્ધ આપતા ફોટાના પોસ્ટર પર રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી પણ નિહાળશે.વડાપ્રધાનના આગમનને લઈ કમલમને શણગારવામાં આવ્યું છે. કમલમ મુખ્ય ગેટથી માત્ર વડાપ્રધાન પ્રવેશ કરવાના છે તે જગ્યાને ફૂલોથી સજાવવામાં આવી છે. વડાપ્રધાન સિવાયના તમામ નેતાઓએ કમલમના પાછળના દરવાજેથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
હાલમાં રોડ શોમાં ભાગ લેવા માટે અલગ અલગ વિસ્તારના લોકો પહોંચી રહ્યા છે. બીજી બાજુ રોડ શોને લઈને રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા પણ એરપોર્ટ સર્કલ પર પહોંચી ગયા છે. બીજી તરફ પોલીસે કાળા ઝંડા ફરકાવે એ પહેલાં જ મોડી રાત્રે યૂથ કોંગ્રેસના કાર્યકરોની પણ અટકાયત કરી લીધી છે.
યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ PM મોદીનું અભિવાદન કરશે
અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું રાજ્ય સરકાર દ્વારા પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત થશે. એ ઉપરાંત એરપોર્ટની બહાર યુક્રેનથી પરત આવેલા ગુજરાતી વિદ્યાર્થીઓ પ્લે કાર્ડ સાથે અભિવાદન કરશે. આ વિદ્યાર્થીઓ સવારે વાલીઓ સાથે સર્કિટ હાઉસ આવશે, ત્યાં ભેગા થઈને તેઓ વડાપ્રધાન મોદીના રોડ શોમાં ભાગ લેશે. આ રોડ શો દરમિયાન બનાવેલા સ્ટેજ પર ઊભા રહેશે અને વડાપ્રધાન મોદી જ્યારે એરપોર્ટ સર્કલ ખાતેથી પસાર થશે ત્યારે પ્લે કાર્ડ સાથે અભિવાદન કરશે. વિદ્યાર્થીઓ ભારતના રાષ્ટ્રધ્વજ લઈ અથવા વડાપ્રધાનના ફોટાવાળી ટી શર્ટ પહેરીને સ્ટેજ પર આવશે.
PMના રોડ શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે ઊમટશે
વડાપ્રધાનના રોડ શોને લઈને પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું હતું કે આજે એરપોર્ટથી કમલમ સુધી રોડ શો યોજાશે. વડાપ્રધાનના આ રોડ શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે, જેમાં અલગ અલગ સમાજ, સંસ્થાઓ, NGO અને કાર્યકર્તાઓ નક્કી કરેલા સ્થળે હાજર રહેશે. કોરોના પછી PM મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. વડાપ્રધાન કમલમમાં નેતાઓ સાથે બેઠક કરશે. વડાપ્રધાનના સરપંચ સંમેલન અંગે માહિતી આપતાં પાટીલે કહ્યું, સાંજે તેઓ સરપંચ સંમેલનમાં હાજર રહેશે. એમાં સરપંચથી લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 1.50 લાખ લોકો હાજર રહેશે.
વિધાનસભામાં આજે સત્ર નહીં મળે, આખી સરકાર વ્યસ્ત રહેશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસને લઈને આજે વિધાનસભાનું બજેટસત્ર નહીં મળે. વિધાનસભાની પરંપરા મુજબ આજે બજેટની એક જ બેઠક હોય છે. જોકે આ સત્રમાં નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હોવાથી આજે એક દિવસની રજા રાખવામાં આવશે, જેની જગ્યાએ આગામી 16 માર્ચે બે બેઠક મળશે. બીજી તરફ ભૂપેન્દ્ર પટેલની સરકારનું આખું પ્રતિનિધિમંડળ પણ સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે, જેને કારણે 11 માર્ચના શુક્રવારે વિધાનસભાના બજેટસત્રમાં રજા રાખવામાં આવશે અને ત્યાર બાદ બીજો અને ચોથો શનિ-રવિ હોવાથી સરકારી કામકાજમાં પણ રજા રહેશે.
6000થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓની બાજનજર
પીએમ મોદીના આગમન પહેલાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જ્યાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. પીએમની સુરક્ષામાં હથિયારી ગાર્ડ પણ રહેશે. VVIP અવરજવર હશે, ત્યારે બિનઅધિકૃત લોકોનો પ્રવેશ રોકવામાં આવશે. પીએમના આગમન સમયે હુમલો, વિરોધપ્રદર્શન જેવી સ્થિતિ ઊભી ના થાય એનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. આ અંગે સેક્ટર-1 જેસીપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીના VVIP બંદોબસ્તમાં જે ખામીઓ થઇ છે એ ફરીથી ના થાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. મોદીના કાર્યક્રમ દરમિયાન 4 IG-DIG કક્ષાના અધિકારીઓ, 24 DCP, 38 ACP, 124 PI, 400 PSI અને 5550 પોલસીકર્મી તહેનાત રહેશે.
PMનો આજનો કાર્યક્રમ
PMનો 12મી માર્ચનો કાર્યક્રમ