રાજ્યનો શ્રામ અને રોજગાર વિભાગ આવતા જૂનથી કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત 51 જેટલા નવા ટૂંકાગાળાના સ્વરોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરશે. કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી અમદાવાદમાં શીલજ ખાતે આકાર લેવાની છે, પરંતુ એ પહેલાં કામચલાઉ ધોરણે આ યુનિવર્સિટી, મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસક્રમો શરૂ કરી દેશે. આ અભ્યાસક્રમો 50 જેટલી આઇટીઆઇમાં પણ શરૂ થવાના છે.
કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ડ્રોન્સ પણ શરૂ થનારી છે, જેના ત્રણ અભ્યાસક્રમો પણ જૂનથી જ શરૂ થઈ રહ્યા છે, જેમાં એક સપ્તાહનો ડ્રોન ફ્લાઇંગ અભ્યાસક્રમ તેમજ ત્રણ-ત્રણ મહિનાના ડ્રોન એસેમ્બ્લિગ-મેન્યુફેક્ચરિંગ તથા ડ્રોન ટેક્નોલોજી જેવા અભ્યાસક્રમો સામેલ છે.
શ્રામ-રોજગાર અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, ડ્રોન સંબંધિત આ ત્રણ અભ્યાસક્રમોમાં 20 હજાર લોકોને આવતા પાંચ વર્ષમાં સ્વરોજગાર માટે તાલીમ આપવાનો ટાર્ગેટ છે કે જેથી કૃષિ ક્ષેત્રે પેસ્ટિસાઇડ દવાઓ તથા ફર્ટિલાઇઝર્સના છંટકાવમાં માઇનિંગ સર્વેલેન્સમાં, આરોગ્ય ક્ષેત્રે બ્લડ સેમ્પલિંગ-વેક્સિનની ડિલિવરીમાં આ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ થઈ શકે.
જે 51 જેટલા ટૂંકાગાળાના નવા સ્વરોજગાર અભ્યાસક્રમો એમજીએલઆઇમાં શરૂ થઈ રહ્યા છે તેમાં ક્લાઉડ ટેક્નોલોજી-ક્લાઉડ કમ્પ્યૂટિંગ, રોબોટિક્સ, થ્રીડી પ્રિન્ટિંગ, કેડકેમ, સોલર ટેક્નોલોજી, લેટેસ્ટ પ્લમ્બિંગ ટેક્નોલોજી, ડિજિટલ માર્કેટિંગ, ઇ-કોમર્સ વગેરે અભ્યાસક્રમો સામેલ થશે. આ નવા અભ્યાસક્રમોમાં 50 હજાર લોકોને તાલીમ આપવાનું શ્રામ-રોજગાર વિભાગનું લક્ષ્ય છે.