આજે દેશભરમાં રામનવમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ખંભાત અને હિમ્મતનગરમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આણંદમાં સંવેદનશીલ ગણાતા ખંભાતમાં રામનવમી શોભાયાત્રા ઉપર પથ્થરમારાનો બનાવ બનતા કોમી તંગદિલી વ્યાપી છે. આ ગંભીર બનાવને પગલે પોલીસ કાફલો મોટી સંખ્યા ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા છે.
ટોળાએ દુકાનોમાં આગ ચાંપી
આણંદના ખંભાતમાં સ્થિતિ વણસી રહી છે. શહેરના મુખ્ય બજારમાં દુકાનોમાં આગ ચાંપી બનાવોએ પોલીસને દોડતી કરી છે. ખંભાતમાં ટાવર બજાર ખાતે 7થી 8 દુકાનોમાં આગ લગાવવામાં આવી છે. આ તબક્કે ખંભાતમાં પરિસ્થિતિ કાબુ બહાર જવાની શક્યતાઓ જણાઈ રહી છે. પરિસ્થિતિને કાબુમાં લેવા SP, ASP જિલ્લા LCB, SOGની ટીમો ખંભાતમાં ખડકી દેવામાં આવી છે.
પોલીસે કડકાઈથી કામગીરી હાથ ધરી
આણંદના ખંભાતમાં સકકરપુર વિસ્તારમાં પથ્થરમારો થતા કોમી વાતાવરણ ડોહડાયું છે. અહીં રામનવમી નિમિતે નીકળેલ શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતા મામલો બીચકયો છે. જોકે, પોલીસે કડકાઈથી કામગીરી હાથ ધરી છે. આ બનાવની અસર જિલ્લામાં અન્ય શોભાયાત્રા ઉપર ન પડે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ અધિકારીઓને તકેદારીની સૂચના અને તાકીદ કરવામાં આવી છે.
શોભાયાત્રા 500 મીટર દુર પહોંચી ત્યાં જ પથ્થરમારો
ખંભાત શહેરના શક્કરપુરા વિસ્તારમાં આવેલા રામજી મંદિરે રવિવારે રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે બપોરના સુમારે મંદિરમાં ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જોકે, આ શોભાયાત્રા હજુ 500 મીટર દુર પણ પહોંચી નહતી, તે દરમિયાન રસ્તામાં આવતી દરગાહ નજીકથી પસાર થતા પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ સમયે હાજર પોલીસ ટીમે પરિસ્થિતિને કાબુમાં લેવા કોશીષ કરી હતી. પરંતુ તે પહેલા બન્ને પક્ષના લોકો ઉશ્કેરાઇ જતાં સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આથી, તુરંત જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, હેડક્વાટર્સ અને આસપાસના પોલીસ સ્ટેશનમાંથી તુરંત કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યાણે જણાવ્યું હતું કે, ખંભાતમાં પથ્થરમારાનો મેસેજ મળતાં જ તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેના પગલે હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આમ છતાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જવાબદારો સામે કડક પગલાં ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. શોભાયાત્રા દરમિયાન ડીજે પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સમયે પોલીસ બંદોબસ્ત પુરતો હતો. આ પથ્થરમારામાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે.
હિંમતનગરમાં પણ પથ્થરમારો
બીજી તરફ સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. છાપરિયા રામજી મંદિરથી રામનવમીને લઈને નીકળેલી શોભાયાત્રા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ બંને જૂથવચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના 5 સેલ છોડ્યા હતા. એક બાઈક અને જીપને આગચંપીમાં નુકસાન થયું છે.