ટેસ્લા CEO એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બની ગયા છે. મસ્કે ટ્વીટરને ખરીદવા માટે 44 બિલિયન ડોલર એટલે કે 3368 અબજ રૂપિયાની ડીલ કરી છે. આ હિસાબે મસ્કને ટ્વીટરના દરેક શેર માટે 54.20 ડોલર (4148 રૂપિયા) ચૂકવવાના રહેશે. ટ્વીટરના ઈન્ડિપેન્ડન્ટ બોર્ડના ચેરમેન બ્રેટ ટેલરે રાતે 12. 24 વાગ્યે એક પ્રેસ રીલિઝમાં મસ્ક સાથે થયેલી ડીલ વિશે જાણકારી આપી.
જોકે, આ ડીલ જાહેર થાય એ અગાઉ જ મસ્કે ટ્વીટ કરીને માઈક્રો બ્લોગિંગ સાઈટને ખરીદવાનો સંકેત આપી દીધો હતો. મસ્કે લખ્યું હતું-આશા છે કે મારા સૌથી આકરા ટીકાકારો ટ્વીટર પર રહેશે. આ જ ફ્રી સ્પીચનો ખરો અર્થ છે.
I hope that even my worst critics remain on Twitter, because that is what free speech means
— Elon Musk (@elonmusk) April 25, 2022
મસ્કે આપી હતી 43 અબજ ડોલરની ઓફર
ટ્વીટરને ખરીદવા માટે એલન મસ્કે અગાઉ 43 બિલિયન ડોલર એટલે કે લગભગ 3273.44 અબજ રૂપિયાની ઓફર આપી હતી. તેને લઈને ટ્વીટરની અંદર જ વિવાદના સમાચારો સામે આવ્યા હતા, પરંતુ હવે 44 બિલિયન ડોલરમાં ડીલ ફાઈનલ થઈ ગઈ છે.
બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે કર્યો હતો વિરોધ
ગત દિવસોમાં ટ્વીટર બોર્ડે મસ્કની તરફથી કંપનીના ટેકઓવરને રોકવા માટે ‘પોઈઝન પિલ સ્ટ્રેટેજી’ (Poison Pill Strategy) અપનાવી હતી. જો કે બોર્ડ મેમ્બર્સ આ ડીલ પર વાતચીત માટે તૈયાર થઈ જવાથી એ નિશ્ચિત થયું હતું કે મસ્કે આ Poison Pillનો તોડ શોધી લીધો છે. મસ્ક પાસે અગાઉથી જ ટ્વીટરના 9.2% શેર હતા. સમાચાર એવા પણ છે કે મસ્કે જ્યારે શુક્રવારે કંપનીના અનેક શેરહોલ્ડર્સ સાથે અંગત રીતે મીટિંગ કરી હતી, તેના પછી જ ટ્વીટરના વલણમાં બદલાવ આવ્યો.
શું છે પોઈઝન પિલ સ્ટ્રેટેજી(Poison Pill Strategy)?
પોઈઝન પિલ શબ્દનો અર્થ એ છે કે આ હસ્તગત કરવા ઈચ્છતી કંપની દ્વારા સંભવિત પ્રતિકૂળ ટેકઓવરને રોકવા અથવા નિરાશ કરવા માટે લક્ષ્ય કંપની દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સંરક્ષણ વ્યૂહરચના છે. સંભવિત લક્ષ્ય કંપની સંભવિત હસ્તગત કરનાર કંપની માટે ઓછા આકર્ષક દેખાવા માટે આ યુક્તિનો ઉપયોગ કરે છે.
કંપનીને બચાવવા માટે આ હંમેશા માટેનો પ્રથમ-અને શ્રેષ્ઠ-માર્ગ નથી, તેમ છતાં, પોઈઝન પિલ સ્ટ્રેટેજી સામાન્ય રીતે ખૂબ અસરકારક હોય છે.
ટ્વીટરમાં ફ્રીડમ ઓફ સ્પીચની હિમાયત
મસ્ક હંમેશા કહેતા આવ્યા છે કે તેઓ ફ્રીડમ ઓફ સ્પીચના પક્ષકાર છે. ટ્વીટરને ખરીદવાની મહેચ્છા પાછળ પણ તેમણે આ જ કારણ દર્શાવ્યું હતું કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્રીડમ ઓફ સ્પીડ જોખમમાં છે અને તેઓ સુનિશ્ચિત કરવા માગે છે કે એ જળવાઈ રહે. જો કે ફ્રી-સ્પીચ એક્સપર્ટ્સના અનુસાર મસ્કનું આ નિવેદન તેમના આચરણથી બિલકુલ અલગ છે. તેઓ લાંબા સમયથી પોતાના ટીકાકારોને ધમકાવતા આવ્યા છે.