ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થતા ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયું છે. જેને લીધે નાનપુરા નાવડી ઓવારે નદી કિનારે આવેલા તપતેશ્વર હનુમાન મંદિરમાં પાણી ફરી વળતા અહીંના ત્રણ પૂજારી ફસાઈ ગયા હતા.
સોમવારે સવારે 8.27 વાગે ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ, મુગલીસરા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ઓફિસર બળવંતસિંગએ જણાવ્યું હતું કે, તેમની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ત્રણેય પૂજારી મંદિરની પાછળ આવેલી દિવાલ પર છાતી સુધીના પાણીમાં ઊભા દેખાયા હતા. જેને લીધે ફાયરની એક ટીમ નાવડી લઈ મંદિર સુધી પહોંચી હતી અને સુનિલકુમાર તિવારી (ઉ.વ.43), કૈલાશનાથ પાંડે (ઉ.વ. 80) તથા મયન ઓમકાર મહંત (ઉવ.60) ને રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર લાવવામાં આવ્યા હતા.
રાત્રિ દરમિયાન નદીમાં છોડવામાં આવી રહેલા પાણીથી બેખબર ત્રણેય પુજારી મંદિરમાં સુતેલા હતા અને સોમવારે સવારે તેઓની આંખ ખુલ્લી ત્યારે મંદિરમાં ફરી વળેલા પાણી જોઈ ચોંકી ઉઠ્યા હતા. નદીમાં છોડવામાં આવેલા પાણીમાં અનાજ તેમજ તેમના કપડા સહિતનો સામાન તણાઈ ગયા હતા.