. વેરણ વીજળી લોકગીત
.#જહાજ_વૈતરણા અમર કથાઓ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
(વીજળી)વરાળથી ચાલતું જહાજ SS વૈતરણા જહાજ, ગ્રેંજમથ ડોકયાર્ડ ખાતે, ૧૮૮૫ વૈતરણા જહાજ, જેવી જળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું, એ. જે. શેફર્ડ અને કુાં,મુંબઈની માલિકીનું જહાજ હતું. આ જહાજ ૮ નવેમ્બર ૧૮૮૮ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ૭૪૦થી વધુ લોકો ખોવાઈ ગયા હતા. આ ઘટનાને કારણે ઘણાં દરિયાઈ કાવ્યો અને લોકગીતો રચાયા છે.
નામ
આ જહાજને વૈતરણા નામ મુંબઈ વિસ્તારની વૈતરણા નદી પરથી અપાયું હતું. જહાજનું હુલામણું નામ વીજળી હતું, કારણ કે જહાજ વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હતું. જહાજને ઘણીવાર"ગુજરાતના ટાઈટેનિક" તરીકે ઓળખવામાં આવે છે, જોકે ટાઈટેનિક તેનાં ૨૪ વર્ષ પછી ડૂબ્યું હતું.
બાંધકામ
વૈતરણા ગ્રેંજમથ ડોકયાર્ડ કાું. લિ. દ્વારા ૧૮૮૫માં બનાવવામાં આવેલું વરાળથી ચાલતું અને સ્ટીલથી બનેલું જહાજ હતું. તેને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા. તેમાં ત્રણ મજલા, પચ્ચીસ ઓરડા હતા અને બે જહાજ સ્થંભો હતા.તેની વજન ક્ષમતા ૨૯૨ ટન હતી જેમાં ૨૫૮ ટન તૂતકની નીચે હતી. વરાળ એન્જિનને બે સિલિન્ડર હતા, જેનો વ્યાસ ૨૧" હતો અને જે ૪૨" અને 30" ના હડસેલા વડે ૭૩ હોર્સપાવર શક્તિ ઉત્પાદન કરતા હતાં. આ એન્જિનનું ઉત્પાદન ડુન્સમુર એન્ડ જેક્સન, ગ્લાસગોએ કર્યું હતું. જહાજની લંબાઈ ૧૭૦ ફીટ, પહોળાઈ ૨૬.૫ અને ઊંડાઈ ૯.૨ ફીટ હતી.
સફર અને દુર્ઘટના
વૈતરણાનો કપ્તાન, હાજી કાસમ જહાજ માંડવી, કચ્છ (તે સમયનું કચ્છ રજવાડું) અને મુંબઈ વચ્ચે મુસાફરો અને માલ-સામાન લઇને આવન-જાવન કરતું હતું. ૮ રૂપિયાના દરે આ જહાજ માંડવીથી મુંબઈની સફર ૩૦ કલાકમાં પૂરી કરતું હતું.આ વિસ્તારનાં જહાજો તોફાનોનો સામનો કરવા માટે બનાવેલા નહોતા કારણ કે સામાન્ય રીતે જહાજો બંદરોથી બંદર પર શાંત વાતાવરણમાં સફર કરતાં હતાં અને તોફાનો દરમિયાન બંદરો પર લાંગરેલા રહેતા હતા.
વૈતરણા માંડવી બંદર પર ગુરૂવાર, ૮ નવેમ્બર ૧૮૮૮ (વિક્રમ સવંત ૧૯૪૫ની કારતક સુદ પાંચમ)ના રોજ બપોરે લાંગર્યું હતું અને ૫૨૦ પ્રવાસીઓને લઈને દ્વારકા માટે રવાના થયું. દ્વારકા પહોંચ્યા બાદ વધુ પ્રવાસીઓ લીધા બાદ સંખ્યા ૭૦૩ પર પહોંચી. તે પોરબંદર માટે રવાના થયું. લોકવાયકા મુજબ, પોરબંદર બંદરના સંચાલક લેલીએ કપ્તાનને સમુદ્રમાં સફર કરવાની ના પાડી હતી પણ પછી થયેલા સંશોધનો મુજબ આ વાત ખોટી હતી. ખરાબ હવામાનને કારણે જહાજ પોરબંદર પર રોકાયું નહી અને સીધું મુંબઈ જવા રવાના થયું. સાંજ પડતાં તેમાં ગરોળના દરિયા કિનારે દેખાયું હતું અને કેટલાંક લોકોએ તેને માધવપુર (ઘેડ) નજીક ભારે તોફાનમાં તૂટેલું દેખાયું હોવાનો દાવો કર્યો હતો. બીજા દિવસે જહાજને ખોવાયેલું જાહેર કરવામાં આવ્યું હતું.જાનહાનિ તૂટેલા જહાજનો કોઈ ભાગ અથવા કોઇ મૃતદેહો મળ્યાં નહી. જહાજ મોટા ભાગે અરબી સમુદ્રના તોફાનમાં તૂટી ગયેલ માની લેવાયું.લોકવાયકા મુજબ ૭૪૬ લોકો મૃત્યુ પામ્યા હતા(૭૦૩ પ્રવાસીઓ અને ૪૩ જહાજના કર્મચારીઓ).
ઇબ્રાહિમ અથવા હાજી કાસમ જહાજનો કપ્તાન હતો. તે બોરિવલી અને દહીંસર વચ્ચેની જમીનનો જમીનદાર હતો. તેનું કાર્યાલય અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પર આવેલું હતું અને તે મલબાર હીલમાં રહેતો હતો. કોઇ ફકીરે તેને આશીર્વાદ આપ્યા હતા કે તે ૯૯ જહાજોનો માલિક થશે અને વીજળી તેનું છેલ્લું જહાજ હશે. મુંબઈ સેન્ટ્રલ વિસ્તારની હાજી કાસમ ચાલનું નામ તેના પરથી પડેલું છે.
૧૩૦ વર્ષ અગાઉ માંડવી બંદરેથી ૭૪૬ માણસોને લઈને ઊપડેલું 'વીજળી' નામનું સુંદર જહાજ મુંબઈ પહોંચે તે પહેલાં જ ભયાનક દરિયાઈ તોફાનનો ભોગ બની રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું.'વીજળી' કઈ રીતે તૂટી તે નહીં, પણ આજ સુધી તેના અવશેષનો એક અંશ સુધ્ધાં કેમ મળ્યો નથી તે ખરું રહસ્ય છે.બરાબર ૧૩૦ વર્ષ પહેલાં એક ઘટના બની હતી. પાક્કી તારીખ સાથે વાત કરીએ તો ૮ નવેમ્બર, ૧૮૮૮ને ગુરુવારની આ વાત.
કચ્છના માંડવી બંદરેથી સવારના દસ વાગ્યે 'વૈતરણા' નામનું એક જહાજ રવાના થાય છે. 'વૈતરણા' ઓફિશિયલ નામ, પણ જહાજ પર ઇલેક્ટ્રિક લાઇટો જડી હોવાને કારણે એ 'વીજળી'ના નામથી વધારે ઓળખાય. મુસાફરો અને કર્મચારીઓ મળીને કુલ ૭૪૬ માણસો આ ત્રણ વર્ષ જૂની આગબોટ પર સવાર છે. 'વીજળી'નું ગંતવ્યસ્થાન છે મુંબઈ. માંડવીથી દરિયાઈ માર્ગે મુંબઈ સુધીનું અંતર કાપતા સામાન્ય સંજોગોમાં ત્રીસેક કલાક થાય, પણ આવનારા કલાકોમાં અત્યંત અસામાન્ય અને ભયંકર સંજોગો ઊભા થવાના છે એવી તો કલ્પના પણ ક્યાંથી હોય! ખેર, મુંબઈ પહોંચતા પહેલાં 'વીજળી' દ્વારકા લાંગરે છે. અહીં થોડા મુસાફરોની ચડ-ઊતર થાય છે. પછીનું સ્ટોપ છે પોરબંદર. અહીંથી લગભગ સો મુસાફરો ચડવાના છે, પણ આજે દરિયો તોફાની છે,તેથી પોરબંદરના બંદરમાં લાંગરવાને બદલે 'વીજળી' વ્હિસલ મારીને મુંબઈ તરફ આગળ વધી જાય છે. તે વખતે સાંજના સાડા પાંચ થયા છે. રાત્રે એક વાગ્યે 'વીજળી' માંગરોળ પાસેથી પસાર થાય છે. તે પછી સંભવતઃ માધવપુર (ધેડ) પાસે પણ અમુક લોકો દૂરથી 'વીજળી'ને દરિયામાં સરકતી જુએ છે. બસ. 'વીજળી'ની આ અંતિમ ઝલક.મધદરિયે ભયાનક તોફાન ઊઠે છે અને 'વીજળી' દરિયાના પેટાળમાં ગરક થઈ જાય છે. 'વીજળી' માત્ર ડૂબતી નથી, તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. નથી એના ભંગારનો એક અંશ જડતો કે નથી એના પર સવાર થયેલા એક પણ મનુષ્ય જીવનો દેહ મળતો. 'વીજળી' એક વિરાટ પ્રશ્નચિહ્ન, એક કરુણાંતિકા, એક રહસ્ય બનીને રહી જાય છે. વાય.એમ. ચીતલવાલાએ ભારે જહેમત ઉઠાવીને 'વીજળી હાજી કાસમની' નામનું નાનું પણ મહત્ત્વનું પુસ્તક લખ્યું છે.
આ સિલસિલાબંધ પુસ્તકમાં તેઓ 'વીજળી'ને યોગ્ય રીતે 'ટાઇટેનિક' સાથે સરખાવે છે. બન્ને જહાજ ઇંગ્લેન્ડમાં બન્યાં હતાં. 'વીજળી' પર લંડનસ્થિત શેફર્ડ કંપનીની માલિકી હતી. તેનું રજિસ્ટ્રેશન પણ લંડનમાં થયેલું. 'વીજળી' ૧૮૮૮માં ડૂબી, 'ટાઇટેનિક' એનાં ચોવીસ વર્ષ પછી ૧૯૧૨માં ગરક થઈ. બન્નેની બનાવટના મૂળ સિદ્ધાંતો સરખા હતા. 'ટાઇટેનિક'માં જાણે 'વીજળી'ના એન્જિનનું વિરાટ સ્વરૂપ ફિટ કરાયું હતું. 'વીજળી'ની જેમ 'ટાઇટેનિક'માં પણ સાત વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ હતાં કે જેથી એકથી વધુ કમ્પાર્ટમેન્ટમાં પાણી પેસી જાય તો પણ તે તરતી રહી શકે, પરંતુ ભયાનક વેગ સાથે ફૂંકાતા પવન સામે ઝીંક ઝીલવાની 'વીજળી'ની તાકાત કેટલી? કદ અને વૈભવની દૃષ્ટિએ બન્ને જહાજો વચ્ચે કોઈ તુલના નથી.
'વીજળી' ૧૭૦ ફૂટ લાંબી, ૨૬.પ ફૂટ પહોળી અને ૯.૨ ફૂટની ઊંડાઈ ધરાવતી હતી, જ્યારે 'ટાઇટેનિક' ૮૮૨ ફૂટ લાંબી અને ૧૦૪ ફૂટ એટલે કે લગભગ દસ માળની બિલ્ડિંગ જેટલી ઊંચી હતી. 'વીજળી' પર સવાર થયેલા તમામ ૭૪૬ જેટલાં સ્ત્રી-પુરુષો-બાળકો નામ શેષ થઈ ગયાં, જ્યારે 'ટાઇટેનિક'ની સાથે ૧૫૧૩ માણસોએ જળ સમાધિ લીધી, પણ ૭૧૧ માણસો બચી ગયા.સૌથી મોટો ફર્ક ઇતિહાસે જે રીતે આ જહાજોને યાદ રાખ્યાં છે તેમાં છે. 'ટાઇટેનિક'ના કાટમાળ સંબંધે સઘન સંશોધનો થયાં, પુષ્કળ લેખો અને પુસ્તકો લખાયાં, કેટલીય ડોક્યુમેન્ટરી બની, ભવ્ય મ્યુઝિયમ ઊભું થયું અને હોલિવૂડના ફિલ્મમેકર જેમ્સ કેમરોને 'ટાઇટેનિક' જેવી અપ્રતિમ ફિલ્મ બનાવીને આ જહાજને અમર બનાવી દીધું છે. તેની તુલનામાં 'વીજળી'ને યાદ રાખવા માટે ગુજરાતે શું કર્યું છે? થોડી લોકવાયકાઓને જન્મ આપી અને થોડું (પણ બહુ મહત્ત્વનું) સાહિત્ય રચ્યું, બસ.રહસ્યના ધુમ્મસમાં ઓગળી જતી કરુણાંતિકા હંમેશાં દંતકથાઓને જન્મ આપી દે છે. તે સમયે મેટ્રિકની પરીક્ષા મુંબઈમાં ડિસેમ્બર માસમાં લેવાતી. તેથી 'વીજળી'માં તે ગોઝારા દિવસે કેટલાક વિદ્યાર્થીઓ હતા. કહે છે કે આ જહાજમાં તેર વરરાજા અને જાનૈયા મુસાફરી કરી રહ્યા હતા. આ સૌનો જીવનદીપ એક ઝાટકે બુઝાઈ જવાથી હાહાકાર મચી ગયો. એક અત્યંત કરુણ કાવ્ય આ જ અરસામાં રચાયું:
વાણિયા વાંચે,ભાટિયા વાંચે,ઘરોઘર રુંગા થાય...
કાસમ મામા-ભાણેજો ડૂસકે રુએ,રુએ ઘરની નાર...
કાસમ સગાં રુએ ને સગવા રુએ,બેની રોવે બારે માસ...
કાસમપીઠી ચોળેલી લાડકી રુએ,માંડવે ઊઠી આગ...
કાસમફટ રે ભૂંડી વીજળી તુંને તેરસો માણસ જાય...
કાસમવીજળી કે મારો વાંક નહીં બાવા,લખ્યા છઠ્ઠીના લેખ...
કાસમ એટલે 'વીજળી'ના કપ્તાન કાસમ ઇબ્રાહિમ. આ ઉપરાંત એક હાજી કાસમ નૂર મોહમ્મદ હતા, જેમને શેફર્ડ કંપનીએ પોરબંદર ખાતે બુકિંગ એજન્ટ નીમ્યા હતા. વાય. એમ. ચીતલવાલાનું નિરીક્ષણ કહે છે કે વિખ્યાત સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યે ૧૯૫૪માં 'હાજી કાસમ તારી વીજળી ડૂબી' નામની નવલકથા લખીને શ્રેષ્ઠ કામ કર્યું છે, પણ આ કથામાં ઐતિહાસિક તથ્યો કરતાં કલ્પનાને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 'વીજળી' ડૂબી પછી ટૂંક સમયમાં જામનગરના કવિ દુર્લભરાય વિ. શ્યામજી ધ્રુવે 'વીજળી વિલાપ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. તે પછી ભીખારામ સવજી જોશીએ એ જ શીર્ષક હેઠળ વિલાપિકાની રચના કરી. જહાજ ડૂબું ડૂબું થઈ રહ્યું છે ત્યારે કલ્પાંત કરતા લોકોને કપ્તાન કહે છેઃ
"નહીં ગભરાવો અમને લોકો,લીઓ ખુદાનું નામ,ગરબડ થાતાં ગમ નથી પડતી બોલો નહીં મુદ્દામ,રે સૌ ઠીક થવાનું ખુદા ખલકને સહી સલામત રાખશે."
પણ 'વીજળી'ની મદદે ન ભગવાન આવ્યા, ન અલ્લાહ. 'વીજળી' વેરણ થતાં કેટલાય પ્રશ્નો અનુત્તર રહી ગયા. શું કપ્તાને દરિયાઈ તોફાનની ચેતવણી અવગણી હતી? શું જહાજ પોરબંદરથી પાછું માંડવી તરફ વાળી શકાયું હોત?
" ઉત્તર દખણ વાયરા વાયા,વીજલી ઝોલાં ખાય કાસમ,લેલી સાહબની ચીઠીયું મલીયું,વીજળી પાછી વાળ કાસમ."
મિસ્ટર લેલી એટલે પોરબંદરના તે સમયના અંગ્રેજ એડમિનિસ્ટ્રેટર, જેમણે 'વીજળી'ને પાછી વાળવાનું ફરમાન કર્યું હતું. જોકે કપ્તાનને ખરેખર આવો કોઈ આદેશ મળ્યો હોવાનો પુરાવો સાંપડયો નથી. લોકોમાં થતી ચર્ચાને આધારે કવિએ એક યુવાન અને કપ્તાન વચ્ચેનો કાલ્પનિક સંવાદ કવિતારૂપે લખ્યો છેઃ
"એક જુવાનિયો - કેમ ઉતાર્યો નહીં પોરમાં,દે કપ્તાન જવાબ,નહીં તો હમણાં વાત કરું છું,પીધો હતો શરાબ.
કપ્તાન- નહીં કર ગુસ્સો,બેસ જગાએ,હતી ઝડીની ચોટ,થાય પછી શું જવાબ દે તું ટકી શકી નહીં બોટ...
‘વીજળી’ આગબોટ એની અગિયારમી મુસાફરીમાં કચ્છ માંડવીથી મુંબઇ જતાં, રસ્તામાં માધવપુર(ધેડ)ની નજીક ડૂબી ગઇ, તેનું આ કરુણ બયાન છે. રાવણ હથ્થાવાળા નાથા બાવાઓ તો આ ગીત ગાઇને શ્રોતાજનોને રડાવે છે.’વીજળી’ જેવી સમર્થ આગબોટની મુસાફરી, એના માલિકનો ગર્વભર્યો ઉછરંગ, શેઠ-શાહુકારોને સલહેલગાહ કરવાના મનોરથો, અને તેર-તેર તો મુંબઇ પરણવા જતા કેસરિયા વરરાજાઓ, ત્યાર પછી એ મધદરિયાનાં વાવાઝોડાં, બેસુમાર પાણી, ડૂબવા સમયની ડોલાડોલ, ખારક્વાઓની દોડાદોડ, દેવદેવીઓની માનતા કરતાં મુસાફરો, કેસરિયા વરરાજા સુધ્ધાં તમામ પ્રવાસીઓની જળસમાધિ, મુંબઇને કિનારે પેલી પીઠીભરી કન્યાઓનાં ભેદક કલ્પાંત, અને બાર-બાર મહિના સુધી એ ડૂબેલા માડીજાયાઓને માટે બહેનોનું છાતીફાટ આક્રંદ એ તમામ ચિત્રો સચોટ છે.
આ આક્રંદને આપણા રાષ્ટ્રિય શાયર એવા ઝવેરચંદ મેઘાણીએ કાવ્ય રૂપે રજુ કર્યુ છે.જે નીચે મુજબ છે.
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ!
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ!ભુજ અંજારની જાનું રે જૂતી જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દેશપરદેશી માનવી આવ્યાં,જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0દશ બજે તો ટિકટું લીધી જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
તેર તેર જાનું સામટી જૂતી,બેઠા કેસરિયા વર.—કાસમ, તારી0ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા છોકરાંનો નૈ પાર.—કાસમ, તારી0
અગિયાર બજે આગબોટ હાંકી જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0બાર બજે તો બરોબર ચડિયાં જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
ઓતર દખણના વાયરા વાયા વાયરે ડોલ્યાં વા’ણ.—કાસમ, તારી0મોટા સાહેબની આગબોટું મળિયું વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0
જહાજ તું તારું પાછું વાળ્યેરોગ તડાકો થાય.—કાસમ,તારી0પાછી વાળું, મારી ભોમકા લાજે! અલ્લા માથે એ માન. –કાસમ, તારી0
આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા.વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0મધદરિયામાં મામલા મચે વીજળી વેરણ થાય.—કાસમ, તારી0
ચહ(1)માં માંડીને માલમી જોવે પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0કાચને કુંપે કાગદ લખે(2)મોકલે મુંબઇ શે’ર—કાસ��, તારી0
હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ.—કાસમ, તારી0પાંચ લેતાં તું પાંચસે લેજે સારું જમાડું શે’ર.—કાસમ, તારી0
ફટ ભૂંડી તું વીજળી! મારાં તેરસો માણસ જાય.—કાસમ, તારી0વીજળી કે મારો વાંક્ક નૈ, વીરા લખિયલ છઠ્ઠીના લેખ..—કાસમ, તારી0
તેરસો માણસ સામટાં બૂડ્યાં બૂડ્યા કેસરિયા વર.—કાસમ. તારી0ચૂડી એ કોઠે દીવા જલે ને જુએ જાનું કેરી વાટ.—કાસમ. તારી0
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ ખોબલે વેં’ચાય ખાંડ.—કાસમ, તારી0ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0
સોળસેં કન્યા ડુંગરે ચડી જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0દેશદેશથી તાર વછૂટ્યા વીજળી બૂડી જાય.—કાસમ, તારી0
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે ઘર ઘર રોણાં થાય.—કાસમ, તારી0પીઠી ભરી તો લાડડી રુએ માંડવે ઊઠી આગ.—કાસમ, તારી0
સગું રુએ એનું સાગવી રુએ બેની રુએ બાર માસ.—કાસમ, તારી0મોટાસાહેબે(3) આગબોટું હાંકી પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
મોટા સાહેબે તાગ જ લીધા પાણીનો ના’વે પાર. –કાસમ, તારી0સાબ મઢ્યમ બે દરિયો ડોળે પાણીનો ના’વે તાગ.—કાસમ, તારી0.
(1)ચશ્માં
(2) પૂર્વે આગબોટો ડૂબવાની થતી ત્યારે કાચના સીસામાં એ ખબર વાળા કાગળો બીડીને સીસા સમુદ્રમાં તરતા મૂકવામાં આવતા.(3)પોરબંદરના એડમિનિસ્ટ્રેટર લેલી સાહેબ ‘વીજળી’ની શોધે નીકળ્યા હતા.’વીજળી’ની એ ખેપમાં ફકીર મહંમદ નામે પહેલો દેશી કપ્તાન હતો. દેશી તરીકે પોતાની નામોશી ન થાય તે સારું થઇને જ એણે‘વીજળી’પાછી ન વાળી.
'વીજળી'કઇ રીતે તૂટી તે નહી,પણ આજ સુધી તેના અવશેષનો એક અંશ સુધ્ધાં પણ કેમ મળ્યો નથી તે ખરુ રહસ્ય છે.દુર્ઘટના ઘટી પછી વર્ષો સુધી સૌરાષ્ટ્રનાં દરિયામાં ક્યારેક'વીજળી'નુ ભૂત એટલે કે ઘોસ્ટ શિપ દેખાતુ રહ્યુ એવી પણ વાયકા છે.ગુજરાતના સામુદ્રિક ઇતિહાસમાં 'વીજળી'હંમેશા ચમકતી રહેશે,મન-હ્રદયને પીડા આપતા જખમની જેમ.
✍🏻✍🏻