આમ આખા ગુજરાતના “મહાન મહાન” માણસો અહીં ભેગા થતા. કવિઓ, લેખકો, રાજકારણીઓ,
સમાજશાસ્ત્રીઓ, ધર્મપ્રચારકો, રાષ્ટ્રવાદીઓ, સામ્યવાદીઓ વગેરે વગેરે પ્રતિભાઓ અહીં ભણતી. આ બધી પ્રતિભાઓમાં એન્જિનિયરિંગ ભણવાની પ્રતિભા દીવો લઈને શોધવા નીકળવું પડે..
અમારી કોલેજ પૂરા ગુજરાતમાં “વિશિષ્ટ” હતી. “વિશિષ્ટ” એટલા માટે કે પૂરા ગુજરાતમાં એન્જિનિયરિંગમાં ક્યાંય એડમિશન ન મળે, તેવા વિદ્યાર્થીઓને અમારી કોલેજ “તક” આપતી. મારે પણ મેકેનિકલમાં એડમિશન લેવું હતું, અને તે સમયે મેકેનિકલ “હોટ બ્રાન્ચ” ગણાતી…
જે દિવસે કોલેજમાં રિપોર્ટિંગ કર્યું તે દિવસે પુસ્તકોનું લિસ્ટ મળી ગયું હતું. તે બધા પુસ્તકો અમદાવાદથી લઈ લીધા. રિપોર્ટિંગના થોડા દિવસો બાદ કોલેજ ચાલુ થઈ. મારે વાલિયા, અંકલેશ્વર હોસ્ટેલમાં રહેવાનું હતું. મારા કાકા જામનગરથી મારી સાથે મને મુકવા આવ્યા. હોસ્ટેલ પ્રમાણમાં સારી અને સ્વચ્છ હતી. મને જે રૂમ ફાળવવામાં આવી તેમાં મારા ઉપરાંત નવા એડમિશન લીધેલા બીજા બે વિદ્યાર્થીઓ હતા. મારા રૂમ પાર્ટનર વિશે પછી લખીશ. કારણ કે તેમના વિશે તો પણ બધું લખવાનું છે.મને મૂકીને મારા કાકા ચાલતા થયા.
મને જામનગરથી અને પરિવારથી આટલા દુર એકલો રહેવાનો પહેલો જ અનુભવ હતો. વળી આ ગામડાનું વાતાવરણ ગમતું નહિ. વળી બધે અજાણ્યું લાગ્યા રાખે. પેહલો દિવસ તો હજી મને યાદ છે. ત્યારે વિચારતો હતો કે આ ક્યાં આવીને ભરાઈ ગયા? આ ચાર વર્ષ કેમ કરીને પૂરા થશે?
કોલેજમાં લેક્ચર ચાલુ થયા. અત્યાર સુધી કોલેજ કોમર્સ કોલેજની મકાનમાં બેસતી હતી, તેની જગ્યા બદલાઈ ગઈ. તેમાં બન્યું એવું કે અમારી કોલેજના ટ્રસ્ટની મેડિકલ કોલેજ ચાલતી હતી. કોઈક કારણોસર સરકારે તેની માન્યતા રદ કરી અને બંધ કરાવી. આથી મેડિકલ કોલેજનું મકાન ખાલી પડ્યું. અને તેમાં અમારી કોલેજને બેસાડવામાં આવી. આમ જ્યાં ડોક્ટરો ભણતા હતા, ત્યાં અમે એન્જીનીયરો આવ્યા. કોઈ એવું ના વિચારે કે ટ્રસ્ટ નિર્બળ હતું. મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન તે સમયના ભારતના ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ કરેલું હતું અને પાયો મોરારીબાપુએ નાખેલો હતો… પણ સમય સમય બળવાન છે. પણ મુખ્યમંત્રી મોદીજીએ બંધ કરી.
સૌપ્રથમ પ્રોબ્લેમ અંગ્રેજીનો થયો. બારમા ધોરણ સુધી હું ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતો. હવે બધું અંગ્રેજીમાં આવ્યું. મારી જેમ મોટાભાગના વિદ્યાર્થીઓની હાલત પણ તેવીજ. તે વખતે અમને ભણાવનારા મોટાભાગના લેક્ચરર તાજા જ એન્જિનિયર બનીને બહાર નીકળેલા. અને તેમાંથી મોટાભાગના તો અમારી કોલેજના જ વિદ્યાર્થીઓ રહી ચૂકેલા. આથી મોટાભાગના ને અંગ્રેજી માં ભણાવતા ન ફાવે. કેટલાક હિન્દીમાં તો કેટલાક હિન્દી- અંગ્રેજીમાં ભણાવતા. આપણે ગુજરાતી લોકોને હિન્દી બોલવાની પ્રેક્ટિસ નથી હોતી. આથી આપણું હિન્દી, બાવા હિન્દી બની જાય છે.
"જ્યારે મેં એન્જિનિયરિંગ છોડી દીધું" - મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ -3
આપણી શિક્ષણ વ્યવસ્થાની વ્યથા અને નપુંસકતા જ કહેવાય. ગુજરાતી, હિન્દી જેવી સમૃદ્ધ અને સરસ ભાષાઓ આપણી પાસે હોવા છતાં અંગ્રેજી ને વળગી રહ્યા છીએ. ગુજરાતી માતૃભાષામાં કે હિન્દી રાષ્ટ્રભાષામાં જેટલી સહેલાઈથી અને સરળતાથી વિચારોને સમજી શકીએ, અભિવ્યક્ત કરી શકીએ એટલી સહેલાઇથી અંગ્રેજીમાં આપણે વિચારોને સમજી કે અભિવ્યક્ત કરી શકતા નથી.. અંગ્રેજો ગયા પણ અં���્રેજીને મૂકતા ગયા છે.
હા, અંગ્રેજીની અગત્યતા છે જ.. પણ તે એક ભાષા તરીકે અલગથી શીખી શકાય. પરંતુ બધું જ શિક્ષણ અંગ્રેજીમાં કરી નાખવાથી એક તો વિચારો અને અભ્યાસક્રમને પૂરું સમજી શકાય નહીં અને અંગ્રેજી પણ પૂરતું આવડે નહીં. બીજું કે અંગ્રેજી ફટાફટ આવડે તેનો અર્થ એ નથી કે વ્યક્તિ મહાન, હોશિયાર, જ્ઞાની છે. ટૂંકમાં અંગ્રેજી ભાષા એ હોશિયાર કે જ્ઞાની હોવાનો માપદંડ નથી. મને તો એવા ઘણા અનુભવ થઇ ચુક્યા છે, જેમાં અંગ્રેજી સરસ બોલના, લખનાર મહામૂર્ખ, સ્વાર્થી અને ચરિત્રહીન હોય. તેનાથી ઊલટું, હિન્દી બોલનારા, અંગ્રેજીનો એક પણ અક્ષર ન જાણનારા જ્ઞાની, મજબૂત ચારિત્ર્યના, શુભ વ્યક્તિત્વના અને મદદ કરનારા મળ્યા છે.
પણ ભારતીય શાસકવર્ગને ગુલામો તૈયાર કરવા છે, જે મશીનની જેમ યોગ્ય જગ્યાએ ગોઠવાઈને કામ કરતા રહે. અને આવા ગુલામો તૈયાર તો જ થાય, જો શિક્ષણ અંગ્રેજી ભાષામાં આપવામાં આવે. આમાં એક તરફતો ન બરાબર અંગ્રેજી ભાષા આવડે, કે ન અભ્યાસક્રમને બરાબર સમજી શકાય. ધોબીનો ગધેડો ન ઘરનો, ન ઘાટનો તેવી હાલત વિદ્યાર્થીઓની છે.
હજી અંગ્રેજીના ગુલામ તો આપણે ખરા.
- લેખક હર્ષદ રાઠોડ