કોલેજ ચાલુ થયાને લગભગ ૨૦ દિવસ જેટલો સમય વીત્યો હશે. ત્યા જ પહેલા સેમેસ્ટરને પરીક્ષાની જાહેરાત થઈ. લગભગ ત્રણ મહિના બાદની પરીક્ષાની તારીખ આવી. આ જાહેરાત મોટાભાગના વિદ્યાર્થીઓ માટે આઘાતજનક હતી. એક તો હજી નવા નવા જ આવ્યા હતા. શું ચાલે છે? તે જ ખબર નહીં. ત્યાં પરીક્ષા આવીને ઊભી રહી. તે વખતે સેમેસ્ટર પદ્ધતિ હતી. પહેલા વર્ષમાં કુલ બાર વિષયો આવતા. પહેલા સેમેસ્ટરમાં છ અને બીજા સેમેસ્ટર છ. ઇલેક્ટ્રિકલ હોય, મેકેનિકલ હોય, કોમ્પ્યુટર હોય કે કોઈપણ બ્રાન્ચ હોય બધાને પહેલા વર્ષના વિષયો સમાન જ ભણવાના. બીજા વર્ષમાં પ્રવેશ મેળવવો હોય તો કુલ ૧૨ વિષયમાંથી કોઈપણ ૮ વિષય પાસ કરવા પડે. બાકીના ચાર તે "એ.ટી.કે.ટી." ગણાય. અને બીજા વર્ષની પરીક્ષા સાથે એ વિષયો પાસ કરી દેવાના. જો ૮ વિષય કરતા ઓછા વિષય પાસ હોય, તો તેને બીજા વર્ષમાં પ્રવેશ મળે નહીં. અને તે "ડીટેન" એટલે કે નાપાસ ગણાય. તેને આખું વર્ષ ઘરે બેસવુ પડે. અને બાકી રહેલા વિષયોની પરીક્ષા આપી ઓછામાં ઓછા આઠ વિષયો પાસ કરવા પડે, તો જ તેને બીજા વર્ષમાં પ્રવેશ મળે. આમ આઠનો આંકડો તે ગોલ્ડન આંકડો..
"મારી કોલેજ" મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 6
કોલેજના સિનિયરો માંગ્યા વગરની સલાહ આપતા. જેમ કે " અહીં કોઈનું એન્જિનિયરિંગ ચાર વર્ષમાં પુરું થતું જ નથી. બધાને ઓછામાં ઓછું એક વર્ષ તો બગડે છે, જે પાંચ વર્ષમાં એન્જિનિયર પૂર્ણ કરી લે, એ તો હોશિયાર ગણાય... ગમે તેટલું લખો કે મહેનત કરો પેપર જ એવી રીતે ચેક કરે છે કે પાસ જ નથી થવાતું.... એ તો આ વર્ષે મેનેજમેન્ટ બદલાઈ ગયું એટલે લેક્ચર ચાલે છે, નહિતર કોઈ પણ ભણાવતું નહીં,સ્ટાફ જ નહોતો... મેકેનિકલ બ્રાંચમાં તો પ્રોફેસરો મળતા જ નથી, અને વળી અહીંયા ગામડામાં કોણ પ્રોફેસર રહેવા આવે? આ બધાને કંપનીમાં નોકરી મળશે એટલે ચાલ્યા જવાના.. વગેરે વગેરે"
આવી વાતો સાંભળીને શરૂઆતમાં તો અમે બધા થોડા ગભરાઈ ગયેલા. પણ દિવસો વીતતા સ્પષ્ટ થઈ ગયું કે સલાહ આપનારા મોટાભાગના સિનિયરો મહારખડુ છે, અને મહેનત કરવામાં શૂન્ય. થોડીક ને બાદ કરતા તેમની મોટાભાગની વાતો માત્ર ગપ્પા જ છે.
આમ છતાં કોલેજનું વાતાવરણ જેવું ફિલ્મોમાં બતાવવામાં આવે છે, તેવું નહોતું. ઉલટાનું કંટાળાજનક હતું. ચિંતા અને ભય બધા જ વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા હતા.
આ દરમિયાન એક હાસ્યાસ્પદ ઘટના બની. મારે તેનો ઉલ્લેખ કરવો જોઈએ. મારા રૂમ પાર્ટનર વિશાલે એક કાગળની કાપલી પર બધા વિષયોના નામ લખ્યા. અને તેની સામે કેટલા માર્કસ લાવવા તે પણ લખ્યું. બધામાં ૮૦ ઉપરના માર્ક્સ તો ખરા. અને તે કાપલી પોતે જ્યાં સુતો તે દિવાલ પર ચોટાડી. આજુબાજુના વિદ્યાર્થીઓ માટે તે ચર્ચાનો વિષય બહુ દિવસો સુધી ચાલ્યો.. કારણ કે મોટા ભાગના પાસ થવાશે કે કેમ, તેની ચિંતામાં હતા, જ્યારે આ ભાઈતો ૮૦ ઉપર માર્ક્સ લાવવાની વાતો કરતા.. ત્યારબાદ તો કોલેજમાં પણ અફવાએ જોર પકડ્યું. લગભગ રોજ કોઈને કોઈ રૂમ પર તે ચોંટાડેલી કાપલી જોવા આવે. વિશાલનો આત્મવિશ્વાસ પણ ગજબનો, "આટલા માર્ક્સતો આવશે જ" ભાર દઈને બોલે. ત્યારે અફવા ઉડેલી કે " વિશાલનું ચસકી ગયું છે."
ગોધરા થી પાછા આવ્યા અંકલેશ્વર - મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ -5
પણ આટલું વાંચ્યા પછી તમે એમ ના માનતા કે વિશાલ તે પ્રમાણે મહેનત કરતો હતો. તે આખો દિવસ સૂતો રહે અને રખડ્યા રાખે. આ જ તેનું કામ...
આગળ વધતા પહેલા કહી દઉં કે પરીક્ષામાં વિશાલ માત્ર એક જ વિષયમાં પાસ થયેલો. અને તે પણ ચોરી કરવાના કારણે, અને માંડ ૩૬ માર્ક્સ આવેલા... માંડ... માંડ....
આમ અતિઆત્મવિશ્વાસએ ઘણીવાર હાસીને પાત્ર બનાવતો હોય છે. જ્યારે ગજા બહારની મોટી મોટી વાતો કરવામાં આવે, ત્યારે સામેની વ્યક્તિ જાણી જ લે છે કે કેટલી લાયકાત છે, પાણી કેટલું ઊંડું છે. ઘણીવાર બીકના કારણે કે શરમના કારણે સામે મોઢે હસતા નથી. પણ પાછળથી તો હસતા જ હોય છે. આમ અતિ આત્મવિશ્વાસ અને મોટી મોટી વાતો કરવી ન જોઈએ. એક કિલો લાકડુ લેવાનું હોય તેમાં આખા જંગલનો ભાવ ન પૂછાય.
કોલેજમાં લેક્ચરર ભણાવવાનો પ્રયત્ન કરે. પણ મોટા ભાગના તાજા જ એન્જિનિયર થઈને બહાર નીકળેલા. તેમાંથી મોટાભાગના તો અમારી કોલેજ માંથી જ ભણેલા. ભણાવવામાં બિનઅનુભવી પણું દેખાઈ આવે. લખવા માટેના અસાઇમેન્ટ ઢગલો આપે. લખી લખીને થાકી જવાય.. આ સ્થિતિમાં પરીક્ષાઓ આવીને ઊભી રહી..
- લેખક હર્ષદ રાઠોડ