તે સમયગાળામાં મને કોઇકે "કોમ્યુનિસ્ટ ઘોષણાપત્ર" બુક આપેલી. કોણે આપી હતી, તે આજે મને યાદ નથી આવતું.
કોમ્યુનિસ્ટ ઘોષણાપત્ર બુકનો પરિચય આપવાની મારે જરૂર નથી. કાલ માર્ક્સ અને ફ્રેડરિક દ્વારા લખાયેલી આ નાનકડી ચોપડી મોટા-મોટા હજારો ગ્રંથો બરાબર ગણી શકાય. "દુનિયાના મજદૂરો એક થાવ" આ વાક્ય પહેલી વખત મેં વાંચ્યું, અને તે પહેલી વખતમાં જ તેમાં રહેલી ભાતૃભાવનાની, માનવતાની લાગણીથી હું રોમાંચિત થઈ ગયો.
આ એક વિધાન હજારો કાર્યક્રમો, હજારો ગ્રંથો અને હજારો ઉપદેશો બરાબર છે. તેમ મારું માનવું છે. ગાંધીજીના સર્વોદયના સિદ્ધાંતો મને ગમ્યા હતા. પણ તે વાસ્તવમાં અમલ કરી શકવા યોગ્ય છે કે નહીં...તે વિશે હું શંકાશીલ હતો. પણ કોમ્યુનિસ્ટ ઘોષણાપત્રની વૈચારિક સ્પષ્ટતાએ મારી શંકાઓને દૂર કરી દીધી. કચરાને સાફ કરી નાખ્યો... આ નાનકડી ચોપડીએ મારા માનસિક જગતમાં ઉથલપાથલ મચાવી દીધી. મારા વિચારોને અને મારી માન્યતાઓને હલાવી નાખ્યા. આમ આ સમયમાં મારા વિચારોમાં મોટું પરિવર્તન આવ્યું.
કોમ્યુનિસ્ટ ઘોષણાપત્રમાં માનવસમાજના ઐતિહાસિક વિકાસનું, ગુફામાં વસતા આદિમ સમાજથી લઈને આજની સભ્યતામાં કેવી રીતે વિકાસ થયો, તે વિકાસ પાછળના પરિબળો વિશેનું, સમયાંતરે ધર્મમાં અને સામાજિક માન્યતાઓમાં આવતા પરિવર્તનના કારણોનું વિશ્લેષણ વાંચી મને પહેલી વખત ઇતિહાસના ગતિના નિયમો ધ્યાનમાં આવ્યા. આપણે એવું માનીએ છીએ કે ઇતિહાસ અમુક લોકો અથવા અમુક ઘટનાઓ દ્વારા નિર્ધારિત થાય છે. તેના બદલે ઇતિહાસ અને માનવ સભ્યતાનો વિકાસ ચોક્કસ ઉત્પાદન સંબંધો દ્વારા નિર્ધારિત થાય છે.. અને ઉત્પાદન શક્તિઓ જ્યારે વધારે વિકસિત અવસ્થામાં આવે છે. ત્યારે તે પોતાની સાથે સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તનો પણ લાવે છે. ધર્મ,સાહિત્ય અને કળા વગેરે પરિવર્તન પામે છે...
આજે પણ વર્ષમાં બે-ત્રણ વખત તો કોમ્યુનિસ્ટ ઘોષણાપત્ર વાંચું છું.
મારું માનવું છે કે કોઈપણ રાજકીય વિચારધારામાં ભલે આપણે માનતા હોઈએ, આમ છતાં કોમ્યુનિસ્ટ ઘોષણાપત્ર વાંચવું જોઈએ.. દુનિયામાં લખાયેલી સૌથી ક્રાંતિકારી અને માનવતાલક્ષી કોઈ પુસ્તક ભેગા કરવામાં આવે, તો તેમાં કોમ્યુનિસ્ટ ઘોષણાપત્રને પ્રથમ સ્થાન આપવું પડે...
કાર્લ માર્ક્સે એના જીવનમાં ઘણું બધું લખ્યું છે. કાર્લ માર્કસના વિચારો સાથે આપણે સંમત હોઈ કે ન હોઇએ. પણ એક વાત તો સ્પષ્ટ છે કે દુનિયાના મજૂરોએ એક થવાની જરૂર છે. ભૂતકાળમાં હતી તેના કરતાં ભવિષ્યમાં વધારે જરૂર છે. ધર્મનો ઉપયોગ હંમેશા શોષિતો અને વંચિતોને કચડાયેલા રાખવા માટે જ થતો આવ્યો છે. આજે પણ એશો આરામમાં જીવતા પરોપજીવીઓ આપણે ક્યાં નથી જોતા? ગળા સુધી આવી જાય તેટલું ખાઈને, જાડી ચામડીના થયેલા પરોપજીવીઓ આપણને સંતોષી થવાનો ઉપદેશ આપતા ફરે છે.