"મારી એન્જિનિયરિંગની યાત્રા" એવું નામ એટલા માટે આપ્યું કે કોઇપણ યાત્રા, તે ભલે ગમે તેટલી મોટી હોય, ભલે ગમે તેટલા દિવસ ચાલે, પણ જ્યારે તે પૂર્ણ થાય છે, ત્યારે જ્યાંથી શરૂઆત કરી હોય ત્યાં પાછા આવવું પડે. પણ પાછા આવનાર બદલાઈ ગયો હોય છે. કારણ કે આ યાત્રામાં નવા અનુભવો અને નવી દુનિયાના દર્શન થયા હોય છે. અને નવું જ્ઞાન પ્રાપ્ત થયું હોય છે.મારી સાથે પણ એવું જ થયું.
જ્યારે એન્જિનિયરિંગની શરૂઆત કરી ત્યારે હું કોરા કાગળની ચોપડી લઈને નીકળ્યો હતો. જાતજાતના અનુભવોએ તેમાં મારા રંગીન અને કાળા ચિત્ર દોર્યા. અને જ્યારે એન્જિનિયરિંગ પૂર્ણ કરી બહાર આવ્યો ત્યારે તેમાં ઠીક ઠીક અનુભવો ચિતરાયેલા હતા. આ અનુભવો એ મને ઘડ્યો..
પણ અહીં મારે મારી ચોપડીના રંગીન ચિત્રો નથી વર્ણવવા. મારે તો કાળા ચિત્રોને જ વર્ણવ્યા છે. એન્જિનિયરિંગના ચાર વર્ષના અનુભવમાં મને હિમાલય જેવડી મોટી સફળતાઓ પણ મળી છે. જ્યારે બીજી બાજુ કેટલીય વખત ઊંડી ખીણમાં પણ પડ્યો છું, કે જેમાં પડ્યા હોય તો હાડકાનો ચૂરો પણ ન મળે. મારે ઊંડી ખીણમાં પડ્યાના, મારી ચોપડીમાં રહેલા કાળા ચિત્રો જ વર્ણવવા છે.જો હું પોતે જ મારી સફળતાનું વર્ણન કરું, એ તો મારું મોઢું અરીસામાં જોઈને મારી જાત સાથે જ પ્રેમમાં પડ્યા બરાબર ગણાય. અને તે પાગલપળું કહેવાય. અને આવી સ્વપ્રશંસા એ તો મહાપાપ છે.
વળી આવી સ્વપ્રશંસાને વર્ણવીને ફાયદો પણ શું? લખનારની મહાનતા, વાંચનાર જાણી ને પણ શું મેળવવાનો? તેના કરતા શરમજનક પ્રસંગો, નિષ્ફળતાઓ અને પોતાની મૂર્ખતા ઓળખવી જોઈએ અને લખવી જોઈએ. નિષ્ફળ શા માટે ગયા? કેવી રીતના તેમાંથી બહાર નીકળ્યા? તે લખવું જોઈએ. જેથી વાંચનાર પણ તેમાંથી યોગ્ય બોધપાઠ મેળવી શકે અને પોતે આ ભૂલો કરતા બચે. અને જો આવી ભૂલો કરી હોય તો બહાર નીકળવાનો માર્ગ મળે અથવા તો કંઈક સાંત્વના અને શાંતિ મેળવી શકે. અને આમ વાંચનારને કંઈકને કંઈક ઉપયોગી થવાય. આવું મારું માનવું છે.
વળી આ લખવાનો હેતુ એ છે કે મારે પાછું તે દિવસોની, મારી કલ્પનામાં યાત્રા કરવી છે. અને તે સમયને પાછો અનુભવો છે. પણ તે લોભ બહુ મુખ્ય નથી. મુખ્ય બાબતતો જાતનું મૂલ્યાંકન છે.
શું લખેલી બધી વાતો સાચી છે? હા. હું એક એક શબ્દ સાચો જ છે, તેવો દાવો કરી શકું છું. હા, થોડાક મિત્રોના નામ જરૂર બદલ્યા છે. કારણ કે તેઓ આજે બેંકના પટાવાળાથી લઈને સરકારમાં મોટા હોદ્દા ઉપર કામ કરી રહ્યા છે. અને બીજા મિત્રો ખાનગી કંપનીઓમાં મોટા મોટા નેતૃત્વકારી હોદ્દા પર છે. મારું લખેલ તેમને નડતરરૂપ બને તેવું હું વિચારી પણ ન શકું. આથી તેમના નામ બદલવા જરૂરી છે.
અત્યાર સુધીની મારી પોસ્ટો (ભાગો) વાંચીને કોઈ એવું ના વિચારે કે મારી કોલેજમાંથી ભણેલા બધા નોકરી વગરના જ રહ્યા છે કે નિષ્ફળ ગયા હશે. આનાથી ઊલટું જ હું કહેવા માગું છુ. અમને એક મહત્વનો પાઠ શીખવા મળ્યો, અને તે એ કે " આપણે મનુષ્ય એટલા નિમ્ન છીએ કે ધૂળનો રજકણ પણ કચડી શકે છે. ખોટો અહંકાર ન રાખવો" અને બીજો પાઠ શીખવા મળ્યો કે "કોઈ પણ પરીક્ષા એ અંતિમ પરીક્ષા નથી હોતી. આ વખતે પાસ ન થયા તો આવતી વખતે.. લડ્યા રાખો.." આથી જ મારી જાણમાં છે, ત્યાં સુધ��� અમારી કોલેજમાં ભણતો દરેક વિદ્યાર્થી આજે સફળ રહ્યો છે..
- લેખક હર્ષદ રાઠોડ