રવિવારે એશિયા કપ સુપર-4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વરસાદના કારણે સ્થગિત કરવામાં આવી હતી અને આજે આ મેચ રમવામાં આવી રહી છે, ત્યારે આજની મેચમાં વિરાટ કોહલીએ અણનમ સદી ફટકારીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
વિરાટ કોહલી સૌથી ઝડપી 13 હજાર રન પૂર્ણ કર્યા
આજે પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 114.29ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને 94 બોલમાં અણનમ 122 રન બનાવ્યા છે. આ સાથે જ કોહલીએ વનડેમાં સૌથી ઝડપી 13 હજાર રન પૂર્ણ કર્યા છે. કોહલીએ આ કારનામું માત્ર 267 ઈનિંગમાં પૂર્ણ કર્યું છે. કોહલી પહેલાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિને વનડેની 321 ઈનિંગમાં 13 હજાર રન પૂર્ણ કર્યા હતા.
વનડેમાં સૌથી ઝડપી 13 હજાર રન કરનારા ખેલાડી
ખેલાડી | ઈનિંગ |
વિરાટ કોહલી | 267 |
સચિન તેંડલકર | 321 |
રિકી પોન્ટિંગ | 341 |
કુમાર સંગાકારા | 363 |
કોહલી અને રાહુલે ફટકારી અણનમ સદી
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે સુપર-4ની મેચ રમાઈ હતી, પરંતુ વરસાદના કારણે આ મેચ પૂર્ણ થઈ શકી નહતી. જેથી આજે રિઝર્વ ડેના દિવસે રમત શરૂ થઈ હતી. જેમાં પાકિસ્તાનના બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા, પરંતુ એક પણ વિકેટ લઈ શક્યા નહતા. આજની 25 ઓવરની મેચમાં પાકિસ્તાનના બોલર એક પણ વિકેટ લઈ શક્યા નથી. સાથે આજની મેચમાં લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનારા કેએલ રાહુલ અને ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બંનેએ સદી ફટકારી છે. રાહુલે 106 બોલ પર અણનમ 111 રન અને વિરાટ કોહલીએ 94 બોલ પર અણનમ 122 રન બનાવ્યા છે.