વિશ્વની સૌથી ઉદાર સંધિ તરીકે જાણીતી સિંધુ જળ સમજૂતીમાં સુધારા કરવા માટે ભારત સરકારે પાકિસ્તાનને નોટિસ પાઠવી દીધી છે. સરકારે કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા થઇ રહેલી કાર્યવાહીએ સિંધુ જળ સમજૂતીને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરી છે. તેને કારણે સંધિમાં સુધારા માટે ભારતને મજબૂર થઇને નોટિસ આપવી પડી. જમ્મુ કાશ્મીરમાં આવેલા ભારતના બે જળવિદ્યુત પરિયોજના પ્લાન્ટ- કિશનગંગા (330 મેગાવોટ) અને રાતલે (850 મેગાવોટ)ના મુદ્દે બંને દેશો વચ્ચે અસહમતી સર્જાયા પછી ભારત સરકારે સંધિમાં સુધારા માટે ચર્ચા વિચારણાના મેજ પર આવવા પાકિસ્તાનને નોટિસ આપી છે. સિંધુ જળ સમજૂતી શું છે, સંધિમાં ભારત અને પાકિસ્તાનની ભૂમિકા કઇ? કયા મુદ્દે વિવાદ સર્જાયો? વગેરે પ્રશ્નાર્થો સમજવા પ્રયાસ કરીએ. પાકિસ્તાનના અડિયલ વલણને કારણે ભારતની બે પરિયોજના અટકેલી છે.
સિંધુ જળ સંધિ શું છે?
સિંધુ જળ સમજૂતી તે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી દ્વિપક્ષીય સમજૂતી છે. 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચી ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે આ સંધિ થઇ હતી. સંધિ પર ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલીન પ્રમુખ જનરલ અયૂબ ખાને હસ્તાક્ષર કર્યા હતા. સંધિ માટે વિશ્વ બેન્કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા અદા કરી હતી.
સંધિમાં ભારત-પાક.ની ભૂમિકા વિષે
આ સંધિ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે છ નદીઓના પાણીની વહેંચણી થાય છે. તે નદીઓમાં વ્યાસ, રાવી, સતલજ, ઝેલમ, ચિનાબ અને સિંધુ નદીનો સમાવેશ થાય છે. આ સમજૂતી પ્રમાણે પૂર્વ વિસ્તારની વ્યાસ, રાવી અને સતલજ નદી પરના નિયંત્રણનો અધિકાર ભારતને છે. પિૃમી વિસ્તારની સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીનું નિયંત્રણ પાકિસ્તાન હસ્તક છે. પાકિસ્તાનમાં આ નદીઓના પાણીથી જ વીજ ઉત્પાદન અને સિંચાઇ કામગીરી થતી હોય છે. આ સમજૂતી મુજબ ભારત દર વર્ષે પાકિસ્તાનને કુલ જળના 80.52 ટકા અર્થાત 167.2 અબજ ઘન મીટર પાણી આપે છે. તે કારણસર જ આ સંધિને વિશ્વની સૌથી ઉદાર સંધિ કહેવામાં આવે છે.
પાકિસ્તાન માટે સંધિ શા માટે મહત્ત્વની છે?
આ સમજૂતી પડી ભાંગે તો પાકિસ્તાનનો મોટો વિસ્તાર રણપ્રદેશમાં તબદીલ થવાની સંભાવના જન્મે છે. ઉપરાંત આ સમજૂતી પડી ભાંગે તો પાકિસ્તાન પર રાજદ્વારી દબાણ પણ વધી શકે છે. જો સમજૂતી પડી ભાંગે તો પાકિસ્તાનમાં અબજો રૂપિયાને ખર્ચે કાર્યરત થયેલી વિદ્યુત પરિયોજનાઓ બંધ થઇ જશે. કરોડો લોકોને પીવાનું પાણી પણ નહીં મળે.
કયા મુદ્દે છે વિવાદ?
સિંધુ જળ સમજૂતી મુદ્દે જે વિવાદ પ્રવર્તી રહ્યો છે તે ભારતની બે જળવિદ્યુત પરિયોજનાને મુદ્દે છે. સિંધુની સહાયક નદી પર 330 મેગાવોટ કિશનગંગા જળવિદ્યુત પરિયોજનાનું નિર્માણ કાર્ય વર્ષ 2007માં જ શર��� થઇ ગયું હતું. તે અરસામાં વર્ષ 2013માં ચિનાબ પર ઊભા થનારા રાતલે જળવિદ્યુત પ્લાન્ટની આધારશિલા મૂકવામાં આવી હતી. પાકિસ્તાન ભારતના આ બંને પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યું છે. પાકિસ્તાન આક્ષેપ કરી રહ્યું છે કે ભારતે સિંધુ જળ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે. કિશનગંગા પ્રોજેક્ટ વિષે પાકિસ્તાને દાવો કર્યો છે કે તેને કારણે પાકિસ્તાનમાં વહેતું પાણી રોકાઇ જશે.
પાક. પહોંચ્યું વિશ્વબેન્ક
આ વિવાદ મુદ્દે સમાધાન લાવવા પાકિસ્તાને વર્ષ 2015માં વિશ્વ બેન્ક સમક્ષ ધા નાખી હતી. પાકિસ્તાન કિશનગંગા અને રાતલે જળવિદ્યુત પ્રોજેક્ટ સંબંધી વિવાદને ઉકેલવા નિષ્પક્ષ નિષ્ણાતની વરણી કરવાની માગણી કરી હતી. તે પછી પાકિસ્તાને બીજા જ વર્ષે નિષ્ણાતની નિમણૂક કરવાની માગણી પાછી ખેંચીને તેણે નોંધાવેલા વાંધાને મુદ્દે નિર્ણય લેવા એક મધ્યસ્થતા અદાલતની રચના કરવાની માગણી કરી હતી. વિશ્વ બેન્કે વર્ષ 2017માં જણાવ્યું હતું કે 1960માં થયેલી સમજૂતીની જોગવાઇઓ મુજબ ભારતને કેટલાક પ્રતિબંધો સાથે ઝેલમ અને ચિનાબ નદીઓની સહાયક નદીઓ પર જળવિદ્યુત પરિયોજનાઓ ઊભી કરવાની મંજૂરી છે. મે 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિશનગંગા પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું.
ભારતે હવે પાકિસ્તાનને પાઠવી છે નોટિસ
તાજેતરમાં ભારતે સિંધુ જળ સમજૂતીમાં સુધારા કરવા પાકિસ્તાને નોટિસ પાઠવી છે. ઇસ્લામાબાદ સંધિના અમલ માટેના પોતાના વલણને જડપણે વળગી રહ્યું હોવાથી ભારતે તેને નોટિસ પાઠવી છે. સિંધુ જળ સંબંધી પંચના માધ્યમથી 25 જાન્યુઆરીના રોજ ભારતે પાકિસ્તાનને નોટિસ પાઠવી છે. પાકિસ્તાન આ પહેલાં વર્ષ 2017થી 2022 દરમિયાન સ્થાયી સિંધુ પંચની પાંચ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવા ઇનકાર કરી ચૂક્યું છે. પાકિસ્તાને આગ્રહ કરતાં વિશ્વ બેન્કે તાજેતરમાં તટસ્થ નિષ્ણાત અને કોર્ટ ઓફ આર્બિટ્રેશનની પ્રક્રિયા એમ બંને પ્રકારની કાર્યવાહી શરૂ કરી છે. ભારતનું કહેવું છે કે સિંધુ જળ સમજૂતીની જોગવાઇ મુજબ બંને કાર્યવાહી એક સાથે હાથ ના ધરી શકાય.
ભારત શું સંધિથી છેડો ફાડી નાખશે?
બંને દેશો આ સમજૂતીથી અલગ થવાનો કોઇ કાનૂની વિકલ્પ ધરાવતા નથી. સંધિની કલમ ૧૨(૪) બંને દેશો લેખિતરૂપે સહમત થાય તો જ સંધિ સમાપ્ત કરવાની મંજૂરી આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો સંધિ રદ કરવા માટે બંને દેશોએ સંધિ સમાપ્તિનો મુસદ્દો તૈયાર કરવો પડશે. સંધિમાં એકતરફી સસ્પેન્શનની કોઇ જોગવાઇ જ નથી. સંધિ બંને દેશોનેે સમાનપણે બાધ્ય કરે છે. સંધિ કોઇ ચોક્કસ મુદત માટે પણ નથી થઇ. સત્તા પરિવર્તન સાથે પણ સમજૂતીને સમાપ્ત કરી શકાય તેમ નથી. તેવા સંજોગોમાં ભારત કે પાકિસ્તાન માટે સંધિથી અલગ થવું ખૂબ જ મુશ્કેલ છે.