પલસાણાની ચલથાણની રામ કબીર સોસાયટીમાં ઘર નં. C 51માં રહેતા અને મૂળ ઓડીસાના બાબુરામ કાશીનાથ સ્વાઇન પોતાની પત્ની ભારતીબેન અને 2 દીકરી રિયા અને રિચા સાથે રહે છે. મંગળવારની રાત્રે પરિવારના 3 સભ્યો સુઈ ગયા હતા. મધ્યરાત્રી સમયે આ ઘરનો દરવાજાનો નકુચો તોડી હથિયાર સાથે ત્રણ લૂંટારુઓ ઘૂસી ગયા હતા.
મોટી 20 વર્ષીય દીકરી રિયાની કોલેજની પરીક્ષા હોવાથી વાંચન કરતી હોય, એક લૂંટારુ આવી ગળા પર ચપ્પુ મૂકી દેતા યુવતીએ કોલેજમાં સેલ્ફ ડિફેનસિંગની ટ્રેનિંગ કામે લાગી હતી. હિંમત પૂર્વક સામનો કરતા, ત્રણે લૂંટારુઓએ ભાગવુ પડ્યુ હતું. જોકે, દીકરીએ ચોરો સાથે બાથ ભીડતા, હાથના ભાગે ચપ્પુથી ઇજા થતાં 24 જેટલા ટાંકા આવ્યા હતા. ઘટના બાદ કડોદરા પોલીસ પણ પહોંચી આગળની જરૂરી કાર્યવાહી કરી હતી.
વાંચો રિયાના સાહસની કહાની એના જ શબ્દોમાં
હું બારડોલી પાટીદાર સાયન્સ કોલેજમાં બી.એસ.સી. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. મારી પરીક્ષા ચ��લતી હોવાથી મંગળવારે રાત્રે જમી પરવારીને ઘરના વચ્ચેના રૂમમાં વાંચતી હતી. મમ્મી પપ્પા રૂમમાં અને નાનીબેન મારી પાસે સુઈ ગઇ હતી. મધ્યરાત્રિના 1.30 વાગ્યાની આસપાસ અચાનક વીજ પાવર ગયો હતો. ઘરમાં અંધારું છવાય ગયું હતું. એજ સમયે પાછળના રૂમમાં કઈક જોરથી ખખડવાનો અવાજ આવ્યો હતો, પરંતુ અંધારું હોવાથી કઈક વસ્તુ પડ્યું હશે, એવું સમજી હતી.
પરંતુ થોડી જ ક્ષણમાં લાઈટ આવી ગઈ હતી. ત્યાં સામે એક વ્યક્તિ હાથમાં ચપ્પુ જેવું હથિયાર લઈ મારી તરફ આવીને મારા ગળાના ભાગે ચપ્પુ મુકવાનો પ્રયાસ કર્યો હતો. કોલેજમાં શીખવેલ સેલ્ફ ડિફેનસિંગની ટ્રેનિગના કારણે, હું ડર્યા વગર હિંમત પૂર્વક તેનો સામનો કર્યો હતો. જે દરમિયાન અજાણ્યા વ્યક્તિના હાથમાંનું ચપ્પુ મારા જમણા હાથમાં વાગી ગયુ હતું, છતાં પણ હિંમત પૂર્વક તેને પછાડી બુમાબૂમ કરી હતી. આ દરમિયાન અન્ય બે અજાણ્યા વ્યક્તિ પણ હાથમાં ચપ્પુ લઈ ઘરમાં ઘૂસી આવ્યા હતા.
જે પૈકી બીજાએ મારી નાની બહેન રિચાના ગળા પર ચપ્પુ મુકવાનો પ્રયાસ કરતા, હું તરત દોડીને આ વ્યક્તિનો પણ પ્રતિકાર કરીને મારી બહેનને બચાવી ધક્કો મારી નીચે પાડી નાખ્યો હતો. મારી મમ્મી પપ્પા પણ જાગી જતા મારી મમ્મીએ બૂમાબૂમ કરતા પરિવારને ઉઠેલું જોઈ, રૂમમાં સામે પડેલો મારા ઘરનો મોબાઈલ ફોન તેમજ રસોડામાંથી એક ડબ્બો લઈ પાછળના બારણેથી બહાર નીકળી ત્રણેય લૂંટારુઓ રેલવેની દીવાલ કૂદી રેલવે પાટા તરફ ભાગી છૂટ્યા હતા. મારા હાથમાંથી લોહી નીકળતું હોય, લોહીલુહાણ હાલત જોઈ મમ્મી પપ્પા ગભરાય ગયા હતા, આસપાસ લોકોને જગાડી મને કડોદરા મોદી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હાથના ભાગે 24 ટાંકા લીધા હતા. જોકે ત્યારબાદ પોલીસ પણ આવી ગઈ હતી.
ઇજાને લીધે પરીક્ષા ચુકી
કોલેજમાં હાલ વાર્ષિક પરીક્ષા ચાલી રહી હોવાથી આજે રિયાનું સાયન્સ કોલેજના પ્રથમ વર્ષનું કેમેસ્ટ્રી 1 નું છેલ્લું પેપર હતું રિયાએ કોલેજમાં જાણ કરી હતી.તેમજ હાથમાં ઇજા હોવાના કારણે રિયા પરીક્ષા આપી શકી ન હતી.
યુવતીનું સાહસ પ્રેરણાદાયક
ઘટના સમયે છોકરીએ કરેલા સેલ્ફ ડિફેન્સ પ્રેરણા દાયક છે ગંભીર ઇજા થઇ છતાં છોકરીએ લડત આપી આખા પરિવારને લૂંટતું બચાવ્યું. પોલીસે ફરિયાદ લઈ CCTV તપાસવાનું શરૂ કરાયું છે. > હેમંત પટેલ, પી.આઈ, કડોદરા જીઆઈડીસી, પોલીસ મથક
દરેક ઘરમાં આવી દીકરી હોવી જોઇએ
આ બનાવમાં દીકરીની હિંમતને કારણે લૂંટને ઇરાદે આવેલા 3 લૂંટારુઓ દૂમ દબાવી ભાગ્યા દરેક ઘરમાં એક આવી બહાદુર દીકરી હોવી જ જોઈએ. > વિઠલ દરવેશી, વોર્ડ સભ્ય, ચલથાણ પંચાયત