આ ધરતી પર અનેક રહસ્યો અને રહસ્યમય સ્થળો ધરબાયેલા છે. કે જેનો ઉકેલ આધુનિક વિજ્ઞાન પણ આપી શક્યુ નથી. પૃથ્વી પર આવેલ આવી જ એક જગ્યાની વાત લઇને આવ્યા છીએ ‘ THE MYSTERY OF EASTER ISLAND | ઇસ્ટર દ્વીપ – એક રહસ્ય. ‘
પ્રશાંત મહાસાગરમાં આવેલ ઈસ્ટર દ્વીપ વિશ્વનો એક એવો રહસ્યમય દ્વીપ છે કે, ત્યાં આવેલ અસંખ્ય વિશાળ, વિચિત્ર, રહસ્યમય અને દૈત્યાકાર શિલ્પ વિધાનોને જોઈ આજના પુરાતત્વવિદ્, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસશાસ્ત્રીઓ પણ આ દ્વીપની પ્રાચીનતા, એની પ્રાચીનતમ સભ્યતા કે સંસ્કૃતિ પર કોઇ પ્રકાશ પાથરી શકતા નથી. આધુનિક વિજ્ઞાન પાસે અનેક ઉપલબ્ધિઓ હોવા છતાં પણ આ પ્રચંડ, વિરાટ, રાક્ષસી ચહેરાઓ ધરાવતા શિલ્પો આજે પણ જાણે પડકાર આપે છે, “આવો, તમારામાં સામર્થ્ય હોય તો અમને ઓળખી કાઢો, તમારામાં જ્ઞાનનો ગર્વ હોય તો અમને ઉકેલો !” THE MYSTERY OF EASTER ISLAND
ઈ.સ. 1914 – 1915 માં શ્રીમતી કૅથરીન રાઉટબેટ અંગ્રેજ મહિલાએ જ્યારે આ દ્વીપ પર કદમ માંડયા ત્યારે એની નજરે આ બિહામણી મૂર્તિઓ પડી અને પછી આ સન્નારીએ સારાય વિશ્વને આ વિષે માહિતી આપી.
એક અન્ય ઐતિહાસિક તથ્ય પણ આ EASTER ISLAND ની શોધ પાછળ પડેલું છે. ઈ.સ. 1772 ના ઈસ્ટરના તહેવારોના એક રવિવારે હોલેન્ડ ( આજનું નેધરલૅન્ડ ) ના એક પર્યટક, નામ જેકેબ રૉગીવીન, કે જે સ્વભાવે એક અન્વેષક હતો એણે આ દ્વીપ ૫૨ સર્વ પ્રથમ પગ મૂકેલો. ઈસ્ટ૨ નો એ દિવસ રવિવારનાં હોવાથી ત્યાર પછી આ દ્વીપનું નામ ‘ EASTER ISLAND’ (ઈસ્ટર દ્વીપ ) પડી ગયું.
આ મિસ્ટર જેકેબે ત્યાંના મુળ નિવાસીઓને અણઘડ રીતે ખેતી કરતા જોયા. એ નરમાંસલભક્ષી હતા. આદિ માનવો જેવા હતા. ન જાણે કઈ પ્રયુક્તિ અજમાવી આ લોકો પોતાના કાનને લાંબા, છેક ખભાઓને અડકે એટલા લાંબા બનાવી નાખતા હતા. જેકબે જોયું કે આ આદિવાસીઓ ઝૂંપડીઓ બાંધીને રહે છે, અથવા જ્વાળામુખીની ગુફાઓમાં.
EASTER ISLAND ૫૨ ત્રણ જ્વાળામુખીઓ છે. નિસંદેહ કોઈ સમયે, પ્રાચીનકાળમાં આ દ્વીપ પર વૃક્ષો હશે જ અને દ્વીપ હરિયાળો હશે. આજે આ દ્વીપ પર એકપણ વૃક્ષ નથી, નદી નથી, ઝરણાંઓ નથી. દક્ષિણ સમશીતોષ્ણ કટિબંધ ૫૨, પૅસિફિક મહાસાગરમાં આવેલ આ દ્વીપની ચતુર્સીમાં 45 વર્ગ માઈલની છે. એનું તાપમાન 72 અંશ છે અને સરેરાશ વરસાદ 50 ઈંચ છે. વરસાદનું આ પાણી જ્વાળામુખીઓએ આ દ્વીપમાં બનાવેલ વિશાળ ખાડાઓમાં ભરાઈ રહે છે.
કહેવાય છે કે આ દ્વીપ પૃથ્વીની નાભિ છે, કારણકે આ દ્વીપ પર બચેલા કેવળ દશથી બાર પ્રાચીન આદિવાસીઓ કહે છે કે આ દ્વીપ `te pito o te henua’ છે એટલે કે, પૃથ્વીનું નાભિ – કેન્દ્ર છે.
અત્યારે આ EASTER ISLAND ચીલીના કબજામાં છે પરંતુ બે કે ત્રણ આદિવાસી પરિવારો સિવાય આ દ્વીપ નિર્જન છે.
આ દ્વીપની જે વિચિત્રતા છે, દ્વીપ ૫૨ જે આશ્ચર્યજનક શિલ્પો મળી આવ્યા છે, એના કારણે જ વિશ્વભરના અન્વેષકો આ દ્વીપની મુલાકાતે આવે છે. પ્રત્યેક વિરાટ મૂર્તિ 12 થી 15 ફૂટ ઊંચી છે અને પ્રત્યેકનું વજન આશરે 20 થી 22 ટન છે. જ્વાળામુખીના પથ્થરોને કોતરીને બિહામણા, ભયાનક ચહેરાઓ, ડરામણા નેત્રો અને લાંબા કાનો ધરાવતી આવી લગભગ 1000 પ્રતિમાઓ આ દ્વીપ ૫૨ વેર વિખેર પડેલી છે.
કહેવામાં આવે છે કે જ્યારે આ દૈત્યાકાર શિલ્પ તૈયાર થતા ત્યારે એની વેદી પર રાખવામાં આવતાં હતાં. સૌથી વિરાટ અને પ્રચંડ પ્રતિમા 32 ફીટ લંબાઈની છે અને એનું વજન 10 ટન છે. આ દ્વીપ પર 65 ફીટ લાંબી અને 200 ટન વજન ધરાવતી કેટલીક પ્રતિમાઓ પણ છે, પરંતુ એ શિલ્પવિધાનો અપૂર્ણ છે.
કોણે આવી દૈત્યાકાર પ્રતિમાઓ બનાવી ? શા માટે બનાવી ? ક્યા સમયમાં આ પ્રતિમાઓ બની ? આવા પ્રશ્નોના જવાબો આજનું વિજ્ઞાન પણ હજુ સુધી આપી શક્યું નથી.
એક કથા પ્રમાણે, અથવા જેને દંતકથા જ કહી શકાય એ આધારે પરાજીત થયેલ હોતુ મુતા નામનો , એક પોલીનેસિયન પરિવારનો નેતા, ભૂમિની શોધમાં ભટકતો આ દ્વીપ પર આવ્યો હતો. સાવ સરળ વાત છે કે માનવી જ્યાં જાય ત્યાં પોતાની સાથે જીવન ઉપયોગની ચીજો લેતો જ જાય. પોલીનેસિયન પરિવાર સાથે આ વેરાન દ્વીપ પર ધાન્યના બીજ, વૃક્ષોના રોપાઓ પણ લાવ્યા. આ પોલીનેસિયનો ક્યારે આ દ્વીપ પર આવ્યા એ એક દંતકથા તો શી રીતે કહી શકે ? આ માન્યતા સમયના ધરાતલ પર સાચી ઉતરતી નથી. એક મત સાથે લગભગ વિશ્વના બધાં વિચારકો સહમત થાય છે કે ઈસુની સાતમી શતાબ્દીમાં આ વેરાન દ્વીપ પર માનવો આવી વસ્યા હતા.
વાસ્તુવેતાઓ, ઇતિહાસકારો, પુરાતત્ત્વવિદો અને સંશોધકો માને છે કે ઈ.સ.1100 થી 1200 ની વચ્ચે અહીંના દ્વીપવાસીઓએ આ પ્રચંડ, વિરાટ પ્રતિમાઓ અને વેદીઓ બનાવી કાઢી હતી. આ સમયગાળામાં આ દ્વીપ પર હાનાઉ ઈપે નામના એક કબિલાનું શાસન હતું. એક અન્ય શક્તિશાળી પરિવાર પણ ત્યારે હતો. જેનું નામ હાનાઉ મોમોકી પરિવાર હતું. બન્ને પરિવારો વચ્ચે નિરંતર લડાઈઓ થતી રહેતી હતી. મોમીકી દળે જ્યારે પ્રચંડ આક્રમણ કર્યું ત્યારે ઈપે લોકોને ભાગવું પડ્યું. તેઓ જ્વાળામુખીઓના ઢાળ પર ચડી ગયા અને ત્યાં ગુફાઓ ખોદીને રહેવા લાગ્યા. આ લોકોએ એક લાંબી વિશાળ ખાઈ ખોદી કાઢી મોમીકીઓનો સામનો કર્યો. આ ખાઈના અવશેષો આજે પણ જોવા મળે છે.
પોતાના કાયમી દુશ્મનો ઈપે લોકોને પહોંચી વળવા માટે મોમોકી લોકોએ જ્વાળામુખીના વિશાળ પથ્થરના ટુકડાઓને કોતરી પ્રચંડ બિહામણી મૂર્તિઓ બનાવી અને જ્યારે નીચેથી ઈપે લોકોનું આક્રમણ થતું ત્યારે આ મોમોકી લોકો ઉપરથી આવી વિરાટ પ્રતિમાઓને નીચે ગબડાવી મૂકતા પરિણામે ઈપે લોકો છુંદાઈ મરતા, અથવા આવી બિહામણી મૂર્તિઓ જોઈ ભાગી જતા. પણ સવાલ એ ઊભો થાય છે કે, આવી પ્રચંડ, દૈત્યાકાર મૂર્તિઓ બનાવ્યા પછી આ લોકો એને સરકાવતા શી રીતે હશે ? શી રીતે ગબડાવતા હશે ?
અત્યારે અહીં જે દશ – બાર મૂળભૂત આદિવાસીઓ છે, એમની ભાષા સમજાતી નથી પરંતુ આમ છતાં પણ એમના ઇશારાઓ અને શબ્દોમાંથી એવો અર્થ નીકળે છે કે પ્રત્યેક મૂર્તિને લાકડાની સ્લેજ પર રાખવામાં આવતી પછી દોરડું બાંધી આ સ્લેજને હજારો લોકો ખેંચતા. એક દિવસમાં આ લોકો આ મૂર્તિને સ્લેજ પર 1000 ફૂટ સરકાવી શકતા અને જ્વાળામુખીના ઢાળ સુધી લાવતા. લાકડાની ફ્રેમોથી જ આ લોકો આવી દૈત્યાકાર મૂર્તિઓને વેદીઓ પર ચડાવતા. શિલ્પકારો મૂર્તિઓ બનાવતા પણ જ્યાં સુધી મૂર્તિ વેદી પર ન ચડે ત્યાં સુધી એની બિહામણી આંખો બતાવતા નહીં,
આ જ કારણે આજે દ્વીપ પર એવી પણ વિશાળ મૂર્તિઓ જોવા મળે છે કે, જેમને આંખો નથી, અથવા તો આંખો અર્ધી જ બનેલી છે. આમ થવાનું કારણ એવું માનવામાં આવે છે કે, જ્યારે મોમોકી શિલ્પકારો મૂર્તિઓ બનાવતા હશે અને અચાનક ઈપે લોકોનું આક્રમણ થયું હશે ત્યારે નાસી ગયા હશે. ઘણી અપૂર્ણ મૂર્તિઓ પાસેથી શિલ્પ કામ, ખોદાણ કામ માટેના હથિયારો, ઓજારો પણ મળી આવ્યા છે.
આ બધી જ માન્યતાઓ છે. સત્ય શું છે એ હજુ પ્રકાશમાં આવેલ નથી. દ્વીપવાસીઓએ આવી પ્રચંડ અને બિહામણી મૂર્તિઓ બનાવી શા માટે ? શું આ દ્વીપ પર કોઈ શિલ્પકાર સભ્યતા હતી ? હતી તો ક્યા સમયે હતી ? આ દ્વીપના મૂળ નિવાસી નાશ શા કારણે થયો ? પ્રશાંત મહાસાગરમાં આવેલ આ નાનકડા દ્વીપ પર આવી સભ્યતા, આવી સંસ્કૃતિ કઈ રીતે પાંગરી હશે ?
નૃવંશશાસ્ત્ર કહે છે કે જ્યારે બે સભ્યતાઓ, બે જાતિની પ્રજાઓ વચ્ચે આદાન – પ્રદાન થાય છે ત્યારે જ બન્ને જાતિઓની સભ્યતા પાંગરે છે.
તો પછી આ દ્વીપવાસી જાતિ અન્ય કઈ જાતિના સંપર્કમાં આવી હશે ? પ્રચંડ, દૈત્યાકાર, વિચિત્ર અંગાંગો ધરાવતી બિહામણી ઈસ્ટર દ્વીપની મૂર્તિઓ મૌન છે. એના હોઠ ખુલતા નથી. પણ આધુનિક વિજ્ઞાન શાસ્ત્રીઓ એક દિવસ આ મૂર્તિઓની પાસે બોલાવશે અને જ્યારે આમ થશે ત્યારે જ સંસારને ઈસ્ટર દ્વીપ વિશેની સાચી માહિતી મળશે. અત્યારે તો એના દીદાર જ કરવા રહ્યા.