IPL 2024ની 21મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં લખનૌએ ગુજરાતને 33 રને હરાવીને આ સિઝનમાં સતત ત્રીજી જીત નોંધાવી હતી, જ્યારે ગુજરાતને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે IPL ઈતિહાસમાં લખનૌની ગુજરાત સામે પ્રથમ જીત છે. આ જીત બાદ લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. હવે કેએલ રાહુલની આગેવાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ પાસે 4 મેચમાં 6 પોઈન્ટ છે.
ગુજરાતની ઇનિંગ
લખનૌ સુપર જાયન્ટ્સના 163 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઇટન્સે સારી શરૂઆત કરી હતી. ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલ અને સાઇ સુદર્શને પ્રથમ વિકેટ માટે 6 ઓવરમાં 54 રન જોડ્યા હતા. શુભમન ગિલે 19 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 31 રનનું યોગદાન આપ્યું, પરંતુ આ પછી નિયમિત અંતરે વિકેટ પડતા ગુજરાતની બેટિંગ લાઈનઅપ ધ્વસ્ત થઈ ગઈ હતી. 80 રનની સ્કોર પર ગુજરાતની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. કેન વિલિયમસન, બીઆર શરથ, વિજય શંકર અને દર્શન નલકાંડે સસ્તામાં આઉટ થયા હતા.
કૃણાલ પંડ્યા અને યશ ઠાકુરની ઘાતક બોલિંગ
લખનૌ સુપર જાયન્ટ્સ માટે યશ ઠાકુર સૌથી સફળ બોલર રહ્યો હતો. યશ ઠાકુરે 3.5 ઓવરમાં 30 રનમાં 5 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. કૃણાલ પંડ્યાએ ગુજરાત ટાઇટન્સના 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે રવિ બિશ્નોઈને 1 સફળતા મળી હતી.
લખનૌની ઇનિંગ
લખનૌએ ગુજરાતને જીતવા માટે 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના માટે માર્કસ સ્ટોઇનિસે અડધી સદી ફટકારી હતી. તેણે 43 બોલનો સામનો કરીને 58 રન બનાવ્યા હતા. સ્ટોઇનિસની આ ઇનિંગમાં 4 ફોર અને 2 સિક્સ સામેલ હતી. પુરને 32 અણનમ રન બનાવ્યા હતા. આયુષ 20 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલે 33 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી ઉમેશ યાદવે સારી બોલિંગ કરી હતી. તેણે 3 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી હતી. દર્શનને પણ 2 વિકેટ મળી હતી. રાશિદ ખાને 1 વિકેટ લીધી હતી.