35 વર્ષ પહેલા તા.12 ફેબ્રુઆરીના 1987ના રોજ સિયાચેન ખાતે પાકિસ્તાન સામે લડતાં લડતાં શહીદ થયેલા અમદાવાદના કેપ્ટન નિલેશ સોનીનો આજ શહાદત દિવસ છે. ત્યારે પરિવાર દર વર્ષે તેમના શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને કેપ્ટનને યાદ કરે છે. તેમના પરિવારની માંગણીને ધ્યાને રાખીને મ્યુનિ.એ 11 વર્ષ પહેલા કેપ્ટન નિલેશ સોનીનું સ્મારક બનાવવા જમીન ફાળવી હતી.
જ્યારે તેમના નામે માર્ગનું નામ પણ અપાયું છે. શહેરના અંજલી ચારરસ્તા પાસે રહેતા શહીદ નિલેશ સોનીના ભાઇ જગદીશ સોનીએ જણાવ્યું હતું કે, નાનપણથી જ મારા ભાઇને આર્મીમાં જવાની ઇચ્છા હતી. જેને લઇને તેમનું પ્રાથમિક શિક્ષણ શહેરની સી.એન. વિદ્યાલય અને ઉચ્ચ અભ્યાસ સૈનિક સ્કૂલ બાલાછડી, જામનગરમાં પ્રાપ્ત કર્યું હતુ.
લશ્કર અધિકારીની નેશનલ ડિફેન્સ એકેડેમીની વર્ષ 1980માં પરીક્ષા પાસ કરી ચાર વર્ષની ટ્રેનિંગ બાદ જુલાઈ 1984ના રોજ ભારતીય લશ્કરની તોપખાનાની 62 ફિલ્ડ રેજિમેન્ટમાં દાખલ થયા હતા. તેમની બે વર્ષની નોકરી દરમિયાન કારગિલ, લેહ અને લદાખના સીમાવર્તી વિસ્તારમાં ફરજ બજાવી હતી. સપ્ટેમ્બર 1986ના તેમની નિમણૂક સૌથી ઉચ્ચતમ પર્વતીય યુદ્ધ ક્ષેત્ર સિયાચેનની 19,000 ફિટની ઊંચાઈ પરની ચંદન પોસ્ટ ઉપર થઇ હતી. કેપ્ટન નિલેશ સોનીએ માઇનસ 60 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 12, ફેબ્રુઆરી 1987ના રોજ પાકિસ્તાની સેના સામે લડતા 25 વર્ષની વયે શહાદત વ્હોરી હતી. ભારતીય લશ્કર દ્વારા સાહસ બદલ સિયાચેન ગ્લેશિયર તથા હાઈ અલ્ટિટયૂડ મેડલ એનાયત કરાયા હતા.
મ્યુનિ. કોર્પોરેશને અંજલી વિસ્તારના ચંદ્રનગરથી પ્રશાંત પાર્ક જવાના અડધો કિલોમીટરના રસ્તાને શહીદ વીર કેપ્ટન નિલેશ સોની માર્ગ જાહેર કર્યો હતો. તેમનું સ્મારક બનાવવા માટે મ્યુનિ.માં રજૂઆત કરાતા વર્ષ 2011-12માં કોર્પોરેશને અમને ચંદ્રનગર રોડ પાસે સ્મારક બનાવવા જમીન ફાળવી હતી. જ્યાં અમારા ખર્ચે અમે સ્મારક બનાવ્યું છે. દર વર્ષે તેમના જન્મ દિવસ અને શહાદત દિવસે અમે પરિવાર સાથે શહીદ સ્મારકમાં પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ.
કેપ્ટન નિલેશની આર્મી ટ્રેનિંગ દરમિયાન તેમનો ઓબ્ઝર્વેશન પાવર વધારે હોવાનું તેમના અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. તેમની આ ખૂબીને જોઇને સપ્ટેમ્બર-1986ના રોજ તેમની પોસ્ટિંગ સિયાચેનની 19000 ફીટની ઊંચાઈ પર આવેલી ચંદન પોસ્ટ ઉપર કરાઇ હતી. એટલે પાંચ મહિના સુધી ત્યાં ફરજ બજાવી હતી. 12-ફેબ્રુઆરી 1987એ રાત્રિ ફરજ બજાવતા સૈનિકોએ દુશ્મનોની હિલચાલ જોઇ કેપ્ટન નિલેશ સોનીને પરિસ્થિતિની જાણ કરી હતી.
કેપ્ટન સોની તરત જ સમજી ગયા કે પાકિસ્તાની સેના દ્વારા ચંદન પોસ્ટ ઉપર કબજો લેવા દુશ્મનો હુમલો કરવાની તૈયારીમાં છે. કેપ્ટન તેમના તમામ જવાનોને દુશ્મનોનો સામનો કરવા તૈયાર રહેવા સાબદા કર્યા અને બંને બાજુથી તોપના ગોળા છૂટવા લાગ્યા. બહાદુરી પૂર્વક લડી કેપ્ટને દુશ્મનોને પીછે હઠ કરવાની ફ્રજ પાડી. પરંતુ દુશ્મનો દ્વારા છોડાયેલા તોપના ગોળા કેપ્ટન સોની જ્યાંથી લડી રહ્યા હતા. તેની પાછળ આવેલા અતિ વિશાળ બરફના પહાડ ઉપર પડતા ટન બંધ બરફ તેમની ઉપર પડયો હતો. દેશના રક્ષણ માટે 25 વર્ષની ઉંમરે તેઓ શહીદ થયા હતા.
કેપ્ટન સોની શહીદ થયાં તે સિયાચેનની ચંદન પોસ્ટની માટી લેવા માટે પરિવારજનોએ આર્મીના સીડીએસને પત્ર લખીને રજૂઆત કરી હતી. ત્યારે જુલાઇ-2021માં સન્માન સાથે ચંદન પોસ્ટની માટી પરિવારને આપી હતી.